સાવરકુંડલામાં ત્રણ જિલ્લાનાં ખેડૂતોનું સંમેલન યોજાયું

  • રાજ્યનાં કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુ અને શ્રી દિલીપ સંઘાણી તથા શ્રી કાછડીયાની ઉપસ્થિતિમાં
  • મંત્રીશ્રી આરસી ફળદુ, એનસીયુઆઇનાં શ્રી દિલીપભાઇ સંઘાણી, કિસાન સંઘનાં શ્રી બાબુભાઇ જેબલીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, પુર્વ મંત્રી વી.વી.વઘાસીયાનું સંમેલનને સંબોધન

અમરેલી,
સાવરકુંડલા ખાતે કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં આજે અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના ખેડૂતમિત્રો માટે ખેડૂત સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી ફળદુ સહિત એન.સી.યુ.આઈ.ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, કિસાન સંઘના અધ્યક્ષ શ્રી બાબુભાઈ જેબલીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂર્વ કૃષિ રાજ્યમંત્રી શ્રી વી. વી. વઘાસીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતો માટે ક્યારેય પણ અહિત ન ઈચ્છે. કેન્દ્રની સરકાર દ્વારા પારીત કરવામાં આવેલ કૃષિ બીલ ખરેખર આવનારી પેઢીઓના કલ્યાણ માટે છે. વડાપ્રધાનશ્રીના વડપણ હેઠળ કેન્દ્રની સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ નરેન્દ્રભાઈ મોદીએ કૃષિક્ષેત્રે અવનવા બદલાવો લાવવા માટે તેમજ અવનવા સંશોધનો કે ટેકનોલોજી વિકસાવવામાં ખૂબ મહેનત કરી છે. અને આવી ટેકનોલોજી વિકસાવી ગુજરાતના ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડી પણ છે.દેશમાં ચાલી રહેલા વિરોધ અંગે વાત કરતા કૃષિમંત્રી શ્રી ફળદુએ જણાવ્યું હતું કે દેશમાં ચાલી રહેલા આંદોલનો એ માત્ર રાષ્ટ્રવિરોધી પરિબળો જ કરી રહ્યા છે. આવા વિરોધીઓની વાતોમાં આવીને ગેરમાર્ગે ન દોરાય અને ગુજરાતના ખેડૂતો સત્યની સાથે રહે એ જરૂરી છે. રાજ્યની સરકાર ખેડૂતોને ડગલેને પગલે ઉપયોગી જ થાય છે. વીજબીલમાં સબસિડી હોય કે પછી બિયારણમાં, ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ જેવી કૃષિક્ષેત્રે વિવિધ યોજનાઓ કાર્યરત છે અને ખેડૂતો આવી યોજનાઓનો લાભ લે છે.એન.સી.યુ.આઈ.ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 50 વર્ષોમાં આખા ગુજરાતમાં ફક્ત એક કૃષિ યુનિવર્સિટી હતી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 4 યુનિવર્સિટીની સ્થાપના કરી અને પાણીની સ્થિતિમાં પણ ઘણો બદલાવ લાવ્યો. 2005 ની સાલથી જ નરેન્દ્રભાઈ મોદીએ ગામડે ગામડે જઈને કૃષિ મહોત્સવ યોજીને એક એક ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા અમલી કૃષિલક્ષી યોજનાઓથી માહિતગાર કર્યા અને અવનવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપ્યું.સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્રની સરકાર દ્વારા પારીત કરવામાં આવેલા કૃષિ બિલમાં જે જે મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા છે તે માત્ર ખેડૂતોના હિતને ધ્યાને રાખીને જ લેવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ખેડૂતોનું અહિત ક્યારેય ન વિચારી શકે. વિપક્ષ માત્ર પોતાના રાજકીય રોટલા શેકી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. દેશનો કોઈપણ ખેડૂત દેશના કોઈપણ ખૂણેથી પોતાનો માલ વેચી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન છે. આ ઉપરાંત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી જેવા પ્રોજેક્ટ્સ પણ કાર્યરત જ છે.કિસાન સંઘના અધ્યક્ષ શ્રી બાબુભાઈ જેબલીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સારું અને વ્યાજબી ભાવે બિયારણ મળે અને ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય એ દિશામાં સતત કાર્યશીલ છે. 2014માં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પદ સંભાળતા જ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ રાખ્યો હતો. અને ત્યારબાદ એ લક્ષ મેળવવા કેન્દ્રની સરકાર સતત કાર્યરત છે.આ કાર્યક્રમમાં જયંતીભાઈ કવાડીયા, આર. સી. મકવાણા, કેશુભાઈ નાકરાણી, વી. વી. વઘાસીયા, હીરાભાઈ સોલંકી, કૌશિકભાઈ વેકરીયા, અશ્વિનભાઈ સાવલિયા, હિરેનભાઈ હિરપરા, ભીખુભાઇ વાઘેલા, મુકેશભાઈ સહિતના અમરેલી, બોટાદ અને ભાવનગરના હોદ્દેદારો-પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.