સાવરકુંડલામાં નવ લાખ દર્દીઓની વિનામુલ્યે સારવાર કરતુ શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર

  • વેદનાને વ્હાલ આપી જોઇએ, શ્વાસમાં સેવાને સ્થાપી જોઇએ
  • અખંડ પ્રજ્વલિત સેવા જ્યોતના છ વર્ષ પૂર્ણ થયાં : સાતમાં વર્ષમાં આરોગ્ય મંદીરે મંગલ પ્રવેશ કર્યો

અમરેલી,
ખોરાક શિક્ષણ અને આરોગ્ય મનુષ્યનો મૂળભૂત અધિકાર છે. તે ન્યાયે હોસ્પિટલની સંકલ્પનાથી તદ્દન અલાયદું એક આરોગ્ય મંદિર ગામડાંના નાનામાં નાના માણસ સુધી નિ:શુલ્ક આરોગ્ય સેવા પહોંચાડવા માંગે છે. જેનું નામ છે – શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ તદ્દન નિ:શુલ્ક હોસ્પિટલ સૌરાષ્ટ્ર (ગુજરાત) ના અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલી છે.
છેવાડાના વ્યકિતને આરોગ્ય સેવા મળી શકે તે હેતુથી શ્રી લલ્લુભાઇ આરોગ્ય મંદિરનું લોકાર્પણ વંદનીય પૂ. મોરાબાપુના વરદ હસ્તે 7, જાન્યુઆરી 2015 ના રોજ કરવામાં આવ્યું. ફાઉન્ડેશન આ યજ્ઞકર્મને પૂ. મોરારિબાપુના આશિષ સાંપડયા અને તેમણે હોસ્પિટલના લાભાર્થે રામકથા કરવાનો પરમ અનુગ્રહ વરસાવ્યો છે. રામકથા દરમિયાન ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ આ આરોગ્ય મંદિરની સેવાયાત્રાની મુલકાત લીધી હતી. શરૂઆતથી અત્યાર સુધી 9 લાખ જેટલા દર્દીઓ નિ:શુલ્ક આરોગ્ય સેવા પ્રાપ્ત કરી ચુકયા છે. અહીં દર્દી શરીરની પીડા સાથે આવે છે. અને તદ્દન નિ:શુલ્ક સારવાર સાથે સદ્દભાવની હુંફ મેળવી ઘરે પરત ફરે છે. કોરોનાની મહામારી દરમ્યાન પણ દર્દીઓની સારવાર માટે આ આરોગ્ય મંદિરના દ્વાર કાયમ ખુલ્લા રહ્યા અને આ વૈશ્ર્વિક મહામારીના સમયમાં પણ આ સેવા જયોત અખંડ પ્રજવલિત રહી. ફાઉન્ડેશનની નેમ છે કે દેશના દરેક તાલુકામાં નાના – નાના મથકો પર આવી હોસ્પિટલ શરૂ થાય અને દરેક દર્દીઓને સ્વમાનપૂર્વક તેમની મૂળભૂત જરૂરિયાતમાની એક આરોગ્ય સેવા મળી રહે એ પણ તદ્દન નિ:શુલ્ક પણે. આવી હોસ્પિટલ શરૂ કરવાની ઇચ્છા ધરાવનાર સુજ્ઞ દાનશ્રેષ્ઠીઓ સંસ્થાનો સંપર્ક કરી સંસ્થાની મુલાકાતે પણ આવી શકે છે. તેમને તમામ પ્રકારનું માર્ગદર્શન આ સંસ્થા પુરું પાડશે. દાતાશ્રી ઓની ઉદાર સખાવતના લીધે આ આરોગ્ય મંદિર વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓની તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવા કરવા સક્ષમ બન્યું છે. વતન તથા તરફનું રૂણ અદા કરવા માટે સ્થપાયેલી આ સંસ્થા ખરે જ એનું સુત્ર આર્થક કરે છે. વેદનાને વ્હાલ આપી જોઇએ, શ્વાસમાં સેવાને સ્થાપી જોઇએ.