સાવરકુંડલામાં વોર્ડ નંબર 8માં દુષિત પાણીનું વિતરણ

  • જેસર રોડ સ્થિત સરદાર ભવન સોસાયટીમાં દુગર્ર્ધ મારતા પાણીનાં વિતરણથી થી લોકોમાં રોષ
  • લેખિત અને ટેલીફોનીક રજુઆતો કરવામાં આવી છતાં પ્રશ્ર્નનું નિરાકરણ થયું નથી

સાવરકુંડલા,સાવરકુંડલા શહેરમાં જેસર રોડ સ્થિત વોર્ડ નંબર 8 માં આવેલી સરદાર ભવન સોસાયટીમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરાતાં પીવાના પાણી સાથે ગટરનાં ગંદા પાણી ભળતાં આ વિસ્તારનાં રહીશો ભારે પરેશાન છે. આમ તો છેલ્લાં આઠ દશ વર્ષથી પાણી વિતરણ સમયે ત્રીસ મિનિટ અપાતાં પાણીમાં પંદર મિનિટ તો પ્યોર ગટરનું પાણી જ નળ દ્વારા આવે છે અને સાથે પક્ષીઓના પીછાં અને અંગો પણ આવતાં હોય આ સંદર્ભે તંત્રને અવારનવાર લેખિત તથા ટેલીફોન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. આમ તો આ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવેલ નથી.!! આ કોરોના કપરાં કાળમાં આવા ગટરનાં પાણી મિશ્રિત દુર્ગંધયુકત પાણી પીવાથી લોકોનાં આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. વળી આ વિસ્તારમાં પાણી વિતરણ સમયે પાંચ મિનિટ વહેલું બંધ થઈ જાય છે અને પાંચ મિનિટ મોડું આવે છે તેનું અકળ કારણ પણ ટોક ઓફ ધ ટાઉન છે.!! વળી આ વિસ્તારમાં પાણીનો ટાંકો પણ નજીક હોવા છતાં પાણીખેંચવાની મોટર વગર પાણી આવતું નથી.!! આ વિસ્તારમાં આવેલાં જાહેર પ્લોટમાં પાણીનો બોરવેલ કરવા પણ વિનંતી કરવામાં આવી હતી.
આ સંદર્ભે આ વિસ્તારનાં રહીશોએ અત્રે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સમક્ષ લેખિત ફરિયાદ કરી આ પ્રશ્ર્નનું નિરાકરણ યુધ્ધના ધોરણે કરવા રજૂઆત કરી છે અને સાથે સાથે જો તંત્ર આ સંદર્ભે દિવસ સાતમાં આ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો આ વિસ્તારનાં રહીશોનાં આરોગ્ય અને જીવનનાં તમામ જોખમની જવાબદારી સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરની રહેશે તેવો પણ ઉલ્લેખ આ ફરિયાદમાં કરેલ છે. આમ આ વિસ્તારનાં રહેવાસીઓની આ ગંદા પાણી પીવાથી તેઓના આરોગ્ય જોખમાશે તો તેની સઘળી જવાબદારી નગરપાલિકાના જવાબદાર તંત્ર પર રહેશે તેવી ખુલ્લી ચીમકી પણ આપવામાં આવી છે અને આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આ વિસ્તારનાં લોકો કાયદાકીય રીતે લડી લેવાની પણ તૈયારી દર્શાવી છે. આમ લોકપ્રશ્રનોનાં નિકાલ માટે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે. વિકાસ અને વ્યવસ્થાઓની મોટી મોટી વાતો તો આ વિસ્તારનાં રહીશો માટે તો હજુસુધી પોકળ સાબિત થઈ રહી છે.!! હવે જ્યારે નગર રચના અને દેશમાં નવી હાઉસિંગ પોલીસીની વાતો થતી હોય ત્યારે લોકોનાં આવા આઆરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પ્રાણપ્રશ્ર્નોનું નિવારણ થાય એવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.