સાવરકુંડલા-રાજુલામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી

  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં 20 શંકાસ્પદ દર્દીઓ દાખલ : હોસ્પિટલમાં બેડ ખુટી પડવાની દહેશત સામે તંત્રના આગોતરા પગલા
  • કોટડા, નવી હળીયાદ, લાઠી, મોટા આંકડીયા, અમરેલીમાં રોકડવાડી,ગજેરાપરા, કોઠા પીપરીયા, ચાવંડ, ખાંભા, ઇંગોરાળા, વાંકીયા, ગળકોટડીના દર્દીઓ દાખલ થયાં
  • કુંડલામાં 60 અને રાજુલામાં 50 બેડ : શંકાસ્પદ દર્દીઓને રખાશે : જિલ્લામાં 2 હજાર રેપીડ ટેસ્ટ કીટ આવી ગઇ : આજથી ટેસ્ટ : ચાવંડમાં 2 હજારથી વધુ લોકોનું સ્ક્રિનીંગ

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લામાં કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓ દાખલ થવાનો સીલસીલો વણ થંભ્યો ચાલુ રહયો છે આજે દાખલ થયેલા દર્દીઓ ઉપરાંત શંકાસ્પદ દર્દીઓના 20 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાના 1 સેમ્પલ પોઝિટિવ આવ્યુ હતુ અને 19 ના રિપોર્ટ પેન્ડીંગ છે જેમાં ખાંભાના કોટડા, બગસરાના નવી હળીયાદ, લાઠીમાં વણકરવાસ, મોટા આંકડીયા, અમરેલીમાં રોકડવાડી અને ગજેરાપરા, ધારીના કોઠા પીપરીયા, લાઠીના ચાવંડ, ખાંભા, લીલીયાના ઇંગોરાળા, અમરેલીના વાંકીયા, બાબરાના ગળકોટડીના દર્દીઓ દાખલ થયાં છે.
બીજી તરફ અમરેલી જિલ્લામાં સુરત, અમદાવાદ, મુંબઇથી આવી રહેલા રોજના 2 હજારથી વધારે લોકોની સંખ્યા જોતા અને તેમાંથી જો 25 ટકા પણ સંક્રમિત હોય તો રોજના 500 કેસ આવી શકે તેવી ગણતરીએ તંત્ર દ્વારા આગોતરા પગલા ચાલુ કરી દેવામાં આવ્યા છે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 170 બેડની સગવડતા છે તે ઉપરાંત રાધીકા હોસ્પિટલમાં 100 બેડ અને એલડી હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરમાં 500 કોન્ટેકટર્સ માટેની સગવડતા છે આ પર્યાપ્ત ન હોય તંત્ર દ્વારા રાજુલામાં 50 અને સાવરકુંડલામાં 60 બેડ સાથે કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે જેમાં હાલના તબક્કે કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવે છે અને માઇલ્ડ સીમટમ્સ વાળા દર્દીઓને રાખવામાં આવનાર હોવાનું જણાવાયુ છે.
બીજી તરફ ડો. ભરતભાઇ કાનાબારના પ્રયાસોથી અમરેલી જિલ્લા માટે 2 હજાર રેપીડ ટેસ્ટ કીટ આવી ગઇ છે ચાવંડ ખાતે જરૂર પડે ત્યાં અને દરેક તાલુકા મથકોએ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા આજથી ટેસ્ટ શરૂ કરી દેવામાં આવશે ચાવંડ ખાતે આજે 2112 લોકો અમદાવાદ, સુરત, મુંબઇથી આવ્યા હતા તે સાથે બે દિવસમાં અમરેલી જિલ્લામાં આવનાર લોકોની સંખ્યા 5 હજાર થઇ છે અને હોમ કવોરન્ટાઇનમાં રહેલ પ્રવાસીઓની સંખ્યા 23 હજાર 485 થઇ છે દરમિયાન સરકારના ધન્વંતરી રથ દ્વારા 2368 લોકોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં 87 લોકો તાવ. શરદી, ઉધરસ વાળા દેખાયા હતા.