સિંગતેલના ભાવમાં રૂપિયા ૩૦નો ઘટાડો કરાતા ગૃહિણીઓમાં આનંદો

તહેવારો સમયે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં આજે રૂપિયા ૩૦નો ઘટાડો નોંધાયો છે. ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૨૦૦ રૂપિયા પહોંચ્યો છે ત્યારે હજુ સિંગતેલના ભાવ ઘટે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા સમય થી સિંગતેલના ભાવમાં વધારો થતો હતો. પરંતુ સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થતા સિંગતેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં ૨૦૦ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

સિંગતેલના ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૨૪૦થી ઘટીને ૨૧૮૦થી ૨૨૧૦ થયો છે. ગૃહિણીઓનું કહેવું છે કે, તહેવારોમાં તમામ લોકોના ઘરમાં ફરસાણ બનતું હોય છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આગામી દિવસોમાં સિંગતેલના ભાવ ૧૮૦૦થી ૨૦૦૦ સુધી રહે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી છે.

તો બીજી તરફ સિંગતેલના છેલ્લા એક સપ્તાહમાં રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાયો છે. વેપારીનું કહેવું છે કે, સિંગતેલની ડિમાન્ડ ઘટી છે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક પણ વધુ છે. જોકે મગફળીના ભાવમાં ૧૦૦થી ૧૫૦ રૂપિયા ઘટ્યા હોવાથી પીલાણ માટે મગફળી મિલોમાં આવી રહી છે. સાથે જ ચીન દ્વારા ખરીદ કરતું સિંગતેલની માંગમાં ઘટાડો થતા તેની અસર પણ જોવા મળી રહી છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્ર્વાસ લીધો છે. જોકે સિંગતેલના ભાવમાં વધુ ઘટાડો નહિ થવાની શકયતા વેપારીઓ વ્યક્ત કરી હતી.