સિંહો બહાર ચાલ્યા ગયા : માત્ર નેશનલ પાર્ક રહયો

  • સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ, કનકાઇ, બાણેજ, જમજીર ધોધ જવા માટેના મુખ્ય માર્ગની કઠણાઇ 
  • સિંહોને ખલેલ ન પડે તે માટે અમરેલી કોડીનાર રોડમાં સેમરડીથી શરૂ થતી ચેકપોસ્ટને સાંજે 5 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે પણ હવે સિંહો તો બહાર ગયા છે : તંત્ર જાગે

દલખાણીયા,
સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ, કનકાઇ, બાણેજ, જમજીર ધોધ જવા માટેના મુખ્ય માર્ગની કાયમી કઠણાઇ બેઠી હોય તેમ જેના માટે આ રસ્તો સાંજના 5 વાગ્યે બંધ થઇ જાય છે તે સિંહો નેશનલ પાર્ક છોડી બહાર ચાલ્યા ગયા છે અને ત્યાં માત્ર નામનો નેશનલ પાર્ક રહયો છે.ગીરના એશીયાઇ સિંહોને ખલેલ ન પડે તે માટે અમરેલી કોડીનાર રોડમાં આવતા 28 કિ.મી.ના વિસ્તારને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રીસેક વર્ષથી આ વિસ્તારની અંદર રહેતા માલધારીઓને બહાર લઇ જવામાં આવ્યા હતા તેનું પરિણામ પણ એ આવ્યુ છે કે માલધારીની સાથે સિંહો પણ બહાર નીકળ્યા છે ધારી તાલુકાના દલખાણીયા નજીકના સેમરડીથી શરૂ થતી ચેકપોસ્ટને સાંજે 5 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે પણ હવે સિંહો તો બહાર ગયા છે છતા નેશનલ પાર્કના નામે આ રસ્તો બંધ જેવી જ હાલતમાં છે જેના કારણે કેટલાય મોટા તીર્થ ધામોનો વિકાસ પણ અવરોધાયો છે લોકોએ સાવ ટુંકા એવા આ રસ્તાને બદલે કેટલાય કિ.મી. ફરી જવુ પડે છે.નવાઇની બાબાત એ છે કે ઉના રોડ ઉપર નજીકના જ તુલસીશ્યામ ચેકપોસ્ટ 8 વાગ્યા સુધી ખુલ્લી રહે છે અને સાસણની ચેકપોસ્ટ 24 કલાક ચાલુ રહે છે છતા સોમનાથ, કનકાઇ, બાણેજ, જમજીર ધોધ જેવા ઐતિહાસીક અનેક યાત્રાધામો માટેના શોર્ટકટ એવા માર્ગને હજુ બાનમાં રખાયો છે નેશનલ પાર્કના નામે થતા ખોાટા ખર્ચા અને નુકશાનીનો સર્વે કરી અને ફરી એક વખત અહીં સમીક્ષા કરવી જરૂરી છે ધારી વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા તથા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી કૌશીક વેકરીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અને કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાની મદદ લઇ અને કેન્દ્ર સરકારમાંથી આ પ્રશ્ર્નનો વ્યવહારૂ ઉકેલ લાવી યોગ્ય કરે તેવી જન લાગણી પ્રવર્તી રહી છે.