સુરતથી અમરેલી આવેલ કોરોનાના શંકાસ્પદ જેન્તીભાઇ કાછડીયાનું સવા કલાકમાં જ મૃત્યુ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે આજ સુધીમાં ચાર સતાવાર મૃત્યુ થયા છે અને ગત રાત્રીના સુરતથી આવેલ વૃધ્ધનું અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલનાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં માત્ર સવા કલાકમાં જ મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી અનુસાર અમરેલી તાલુકાના પાણીયા ગામે પોતાના ભત્રીજાની સાથે જમીનના કોઇ કામ માટે સોમવારે સવારે 11 વાગ્યે સુરતથી આવેલ જેન્તીભાઇ વશરામભાઇ કાછડીયા ઉ.વ.60 ની બપોર બાદ તબીયત ખરાબ થતાં રાત્રે સાડા નવ વાગ્યે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા હતા અને પોણા અગીયાર વાગ્યે તેમનું મૃત્યુ થયુ હતુ તેમને દાખલ કરાયા ત્યારે તેમના શરીરમાં ઓક્સિજનનું લેવલ સાવ ઓછુ થઇ ગયુ હતું.
જેન્તીભાઇનું અવસાન થતાં તેના કેસ પેપરમાં જણાવાયેલ મોબાઇલ નંબર ઉપર હોસ્પિટલના સતાવાળાઓએ સંપર્ક કરતા તેમને એવો જવાબ મળ્યો હતો કે અમે તેના સબંધી નથી પણ સેવાની ભાવનાથી સારવાર માટે દાખલ કરી ગયા હતા આથી તંત્ર દ્વારા તેમના સબંધીઓોને જાણ કરવાની અપીલ કરાતા રાત્રીના તેમના સબંધીઓ હોસ્પિટલે આવ્યા હતા.
જેન્તીભાઇનું કોરોનાને કારણે મૃત્યુ થયુ છે કે પછી અન્ય કોઇ કારણ છે તે જાણવા માટે તેને દાખલ કરાયા તે સમયે તેમનું કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યુ હતું જેનો રિપોર્ટ આવવાનો બાકી છે રિપોર્ટ આવ્યા બાદ તેના મૃત્યુનું કારણ જાણવા મળશે.