સુરતના કીમ ચાર રસ્તાથી અપહરણ થયેલી બાળકી ૧૦ દિવસે મળી

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસેથી અપહરણ કરાયેલી એક ૪ વર્ષની માતા વિહોણી બાળકી ૧૦ દિવસે મળી આવી છે. બાળકીના પિતા દ્વારા અપહરણની આશંકાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે ટીમ બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદના ફોટો સાથે શોધખોળ કરવામાં આવી રહી હતી.
પોલીસ સતત દસ દિવસ સુધી રાત દિવસ તપાસ આદરી આરોપીને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો. જોકે, બાળકી સહી સલામત મળી આવતા પોલીસે હાશકારો લીધો હતો. જ્યારે આરોપીએ હ્રદયદ્વાવક કબૂલાત કરી હતી કે, હું પરણિત છું અને મારા બાળકો છે. મારા બાળકોની યાદ આવતા હું આ બાળકીને લઈ ગયો હતો.