સુરતમાં કુંડલા-લીલીયાનાં હમવતનીઓ એક બન્યાં

અમરેલી,

લોકો ગમે તેટલી પ્રગતિ કરે અને ગમે તેટલા દુર જાય છતા તેમના દિલમાં વતનનો પ્રેમ અતુટ હોય છે અને આવા જ વતન પ્રેમીઓ સમસ્ત સાવરકુંડલા અને લીલીયા તાલુકાના 117 ગામડાઓમાંથી સુરતમાં વસી રહયા છે તેમના દ્વારા શનિવારે સાંજે સુરત ખાતે અભુતપુર્વ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 117 ગામના લોકોમાં દરેક સમાજ, દરેક વર્ગના પરિવારમાં આવતા સારા માઠા પ્રસંગોએ એક બનીને ઉભુ રહેવા અને 117 ગામનો વિરાટ પરિવાર એકત્ર કરવાનો રૂડો અવસર સંપન્ન થયો હતો. સંપુર્ણ બિનરાજકીય એવા આ કાર્યક્રમમાં વરાછા કતારગામ જ્વેલર્સ એસોસીએશન તથા સુરત જવેલરી હોલસેલ એસોસીએશનના પ્રમુખ શ્રી પ્રતાપભાઇ ચોડવડીયા જીરાવાળા તથા મેરીયાણાવાળા શ્રી વિરાલભાઇ કે. ખાત્રાણીની સાથે સમસ્ત સાવરકુંડલા અને લીલીયા તાલુકા પરિવાર દ્વારા સુરતના કોસમાડા ખાતે આયોજન કરાયુ હતુ જેમાં સાવરકુંડલાના 80 અને લીલીયાના 37 મળી કુલ 117 ગામના 1 લાખ 22 હજાર લોકો સુરતમાં વસી રહયા છે જેમાંથી ગામ દીઠ 10-10 મુખ્ય આગેવાનોને આમંત્રણ આપી એકત્ર કરાયા હતા.આ સમારોહમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના વિધાનસભા વિસ્તારમાં આવતા કોઇપણ ગામડામાં કોઇપણ પરિવારને સામાજીક, આર્થિક મુશ્કેલી પડે તે ક્યાંય ફસાઇ જાય અને તે આપઘાત કરે તેવા સંજોગો ઉભા થાય તે પહેલા તેને મદદરૂપ થવાનો નિર્ણય લેવાયો હતો. આ સંગઠન દરેક પ્રકારની મદદ હમવતનીઓને કરશે આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, સાવરકુંડલા લીલીયાના કામ કરતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા લીલીયાના શેઢાવદર ગામના વતની અને કામરેજના ધારાસભ્ય શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનું શાહી સન્માન કરી તેમને ફુલડે વધાવવામાં આવ્યા હતા. વતનનું જતન એ શિર્ષક હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.