સુરતમાં ડિજિટલી શિક્ષણ આપતા શિક્ષિકા હેમાક્ષીબેન પટેલ શ્રેષ્ઠ શિક્ષક બન્યા

૫મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ દિવસ. જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. સુરતના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલની રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ગાંધીનગર ખાતે રાજ્યપારિતોષિક-૨૦૨૦ના એવોર્ડથી નવાજવામાં આવશે. હેમાક્ષીબેને રાજ્ય સરકારના ડિજિટલ શિક્ષણમાંથી પ્રેરણા લઇ પોતાની શાળાના બાળકો દ્રશ્યશ્રાવ્ય માધ્યમથી રસપૂર્વક અનેકગણું શીખી શકે તે માટે મલ્ટી મીડિયા,
પાવર પોઈન્ટ, ડીજીટલ બોર્ડ, લેટ પેનલબોર્ડ જેવા માધ્યમો દ્વારા શિક્ષણ મળે તેવા પ્રયાસો સરાહનીય રહૃાા છે. તેમની પાસે ભણવા માટે વિદ્યાર્થીઓ દોડી આવે છે. સુરત શહેરની શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા હાઇસ્કૂલમાં હેમાક્ષીબેન પટેલ ૨૨ વર્ષથી વિજ્ઞાન અને ગણિત વિષયમાં મદદનીશ શિક્ષિકા તરીકે સેવા બજાવી રહૃાા છે.
હેમાક્ષીબેને રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ વડે ભાર વિનાનું ભણતર સૂત્રને સાર્થક કરીને વિદ્યાર્થીઓમાં જ્ઞાન-વિજ્ઞાનની જિજ્ઞાશાને સંતોષી છે. બાળકોમાં આત્મવિશ્વાસ વધે તે માટે વિદ્યાર્થીઓને બાહૃાલક્ષી પ્રવૃતિઓ જેવી કે ગુજકોસ્ટ સાયન્સ ક્લબની પ્રવૃતિઓ તથા પ્રખરતા શોધ કસોટી, ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ ઓફ સાયન્સ, ગણિત, અંગ્રેજી, કોમ્પ્યુટરમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીને રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ ઇનામ તથા મેડલના હક્કદાર બનાવ્યા છે. જે શાળાની વિશેષ સિદ્વી છે.