સુરતમાં ત્રીપલ અકસ્માતમાં થોરડી ગામના વતની બે કંધોતરોના મોત

થોરડી
સુરતમાં સાવરકુંડલાના થોરડી ગામના વતની એવા બે પીતરાઇ ભાઇઓના આજે અકસ્માતમાં મોત નિપજતા ત્રણ દિસમાં મોતના પાંચ બનાવોને પગલે ગામમાં ઘેરો શોક છવાયો છે.
બે દિવસ પહેલા જ અહીના ત્રણ ગ્રામજનોના મૃત્યુંના બનાવો બન્યા હતા તેનો શોક ઓછો થાય તે પહેલા જ સુરતના લસકાણામાં સાવરકુંડલાના થોરડી ગામના વતની બળીયા બાપજી મંદિર પાસે 20 વર્ષીય વિજય બાલા ચુડાસમા અને 20 વર્ષીય બાલો ઉર્ફ બાવલી કિશોર ચુડાસમા રહે છે. આ બંને પિતરાઈ ભાઈ રત્ન કલાકાર છે. બાલો હાલમાં જ રત્ન કલાકાર તરીકેનું કામ સિખ્યો હતો. રવિવારે સાંજે વિજય ચુડાસમા અને બાલો બાઇક પર બેસીને લસકાણાથી સુરત શહેર તરફ કોઈ કામ માટે આવી રહ્યા હતા.
લસાકાણાથી થોડા અંતરે એક કારના શો રૂમ સામે એક રિક્ષા પણ સુરત તરફ જઇ રહી હતી. ત્યારે વિજયે બાઇક પર નિયંત્રણ ગુમાવતા તેની બાઇકથી રિક્ષાને ટક્કર લાગી હતી. જેના કારણે વિજય અને બાલો નીચે પડી ગયા હતા. તેજ સમયે પાછળથી આવેલી જીજે-18-ઝેડ-2310 નંબરની એસટી બસનો ડ્રાયવર પુરપાટ ઝડપે અને બેદરકારીથી બસ ચલાવીને આવ્યો હતો. જેના પગલે આ બેફામ એસટી બસ ના પૈડા વિજય અને બાલો પરથી ફરી ગયા હતા. બસનો ડ્રાયવર બસ મુકીને નાસી ગયો હતો.
વિજય અને બાલોનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. વિજય અને બાલોના કાકા ભાદાભાઈ અરજણભાઈ ચુડાસમાએ બસના ડ્રાયવર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.