સુરતમાં થાઈલેન્ડની યુવતી બંધ રૂમમાં જ્યાં સળગી મરી તેની બાજુનું ગાદલું ન સળગ્યું

શહેરના મગદલ્લા વિસ્તારની ભૈયા સ્ટ્રીટના એક મકાનના પહેલા માળે ભાડે રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઈલેન્ડની યુવતીની બંધ રૂમમાંથી સળગેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં હત્યા, આત્મહત્યા કે અકસ્માતને લઈને રહસ્ય સર્જાયું છે. જોકે, આ મામલે મર્ડરની આશંકા સેવવામાં આવી રહી છે. આ સાથે યુવતીના શંકાસ્પદ મોતને લઈને ઘણા પ્રશ્ર્નો શંકા ઉપજાવે છે. જેમાં મુખ્ય પ્રશ્ર્ન એ છે કે,
થાઈ યુવતી બંધ રૂમમાં જ્યાં સળગી મરી તેની બાજુનું ગાદલું સળગ્યું નથી. જ્યારે થાઈ યુવતીનો બોયફ્રેન્ડ પણ શંકાના ઘેરામાં હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિતા બુસોર્ન (ઉ.વ.૨૭ મૂળ રહે. થાઇલેન્ડ)ની રવિવારે સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
રૂમના ઉપરના ભાગે ધુમાડો દૃેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો. જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો.