સુરતમાં ૮૦ સેન્ટરો ઉપર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે

સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી વિવિધ ૮૦ સેન્ટરો પર વેક્સિનેશન ડૉઝ આપવાની કામગીરી શરૂ કરાશે. શરૂઆતમાં ૧૪ અને ૨૮ સેન્ટરો બાદ આજથી ૮૦ સેન્ટરો ઉપર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે અને પ્રથમ તબક્કામાં નોંધાયેલા ૩૭ હજારથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓના વેક્સિનેશન ની કામગીરી ૬ ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત આજે એક સાથે ૭ હજાર હેલ્થ વર્કર્સને વેક્સિનેશન કરવામાં આવશે.
આરોગ્ય વિભાગે આજે એક સાથે સાત હજાર હેલ્થ વર્કર્સને વેક્સિનેશન આપવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે એક સાથે શહેરનાં જુદા જુદા વિસ્તારનાં ૮૦ સ્થળો ઉપર વેક્સિનેશન કરવામાં આવશે. સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં હેલ્થ વર્કર્સની માહિતી કોવિડ પોર્ટલમાં અપલોડ કરવામાં આવી છે. તેની ગણતરી મુજબ ૧૪મી ફેબ્રુઆરીના રોજ હેલ્થ વર્કર્સનો વેક્સિનેશન પૂર્ણ થાય તેમ છે. પરંતુ, મ્યુનિસિપલ તંત્રે વેક્સીનેશન સેન્ટર અને હેલ્થ વર્કરની સંખ્યામાં સતત વધારો કરતા ૬ ફેબ્રુઆરીના રોજ હેલ્થ વર્કરનો વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવશે.
સરકારની સુચના મુજબ ફ્રન્ટલાઈન વર્કર્સ અને કો-મોર્બિડ લોકોને વેક્સિનેશન માટે પ્રાધાન્ય આપવામાં આવશે. આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, શહેરમાં અત્યાર સુધી ૧૧ હજાર સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપી દેવામાં આવી છે. અત્યાર સુધી ૨૮થી ૩૦ ટકા જેટલા કામગીરી પૂર્ણ થઇ છે. જે આગામી ૬ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે.