સુરત, મુંબઇ, અમદાવાદથી આવનાર કવોરન્ટાઇન થશે : કલેકટરશ્રી

  • કોરોનાને રોકવા માટે શરૂ કરાયેલી ચેકપોસ્ટ ઉપર પ્રથમ દિવસે જ 3 હજાર જેટલા અમદાવાદ, સુરત, મુંબઇના ઉતારૂઓ મળ્યાં
  • કલેકટરશ્રી આયુષ ઓકની જિલ્લામાં આવનાર લોકોને અપીલ : જે તે પંચાયતને આવતા પહેલા જાણ કરો, બિમાર છો તો સીધા હોસ્પિટલમાં જાવ તો કન્ટેનમેન્ટ ઝોન નહી થાય
  • ચેકપોસ્ટમાં સ્ક્રિનીંગ શરૂ થતા જીજે 05ની ગાડીને બદલે બીજા જિલ્લાના પાર્સીગવાળા વાહનોમાં આવવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું : છુપાવશો તો ગુનો દાખલ કરવામાં આવશે

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે કોરોનાનાં સંક્રમણને હળવુ કરવા માટે ચેકપોસ્ટ ઉભી કરાયા બાદ આજે પ્રથમ દિવસે સાંજ સુધીમાં 2805 મુસાફરો મળ્યા હતા અમદાવાદ, સુરત, મુંબઇના આ 3 હજાર જેટલા મુસાફરોમાંથી 5 બિમારી વાળા મળ્યા હતા આ ઉપરાંત અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ કે અમરેલી જિલ્લામાં બહારથી આવનારા અને 72 કલાકથી વધારે રહેનાર લોકોને કવોરન્ટાઇન કરવામાં આવી રહયા છે સુરત, અમદાવાદ અને મુંબઇથી આવતા લોકોને પણ તે જાણ કરીને આવશે તો હોમ કવોરન્ટાઇન કરાશે અને છુપી રીતે આવશે તો તેની ઉપર ગુનો દાખલ કરી સરકારી ફેસેલીટીમાં કવોરન્ટાઇન કરવામાં આવશે.
કલેકટરશ્રીએ અપીલ કરતા જણાવ્યુ છે કે સુરત, અમદાવાદ, મુંબઇથી આવનાર લોકો તેના ગામની પંચાયત કે પાલીકાનો સંપર્ક કરી જાણ કરે કે અમે આવી રહયા છીએ તો તેના સ્ક્રિનીંગ માટે અને માર્ગદર્શન માટે પંચાયત અને પાલીકા કામગીરી કરશે અને સ્ક્રિનીંગ કરાવી ઘેર મોકલશે જેના કારણે ગામડામાં કંટેનમેન્ટ ઝોન થતા બચશે અને જો કોઇને તકલીફ હોય તો સીઘા હોસ્પિટલમાં દાખલ થાય તેનાથી પણ તેના વિસ્તાર આડોશી પાડોશીને કંટેનમેન્ટ ઝોનથી છુટકારો મળશે.
દરમિયાન એવુ પણ તંત્રની જાણમાં આવ્યુ છે લોકો જીજે05 પાર્સીગને બદલે બીજા જિલ્લાના પાર્સીગવાળા વાહનમાં આવી રહયા છે આ તેના માટે અને તે જે વિસ્તારમાં આવી રહયા છે તેના માટે જોખમ કહેવાય માહિતી છુપાવી આવનાર સામે પણ ગુનો દાખલ થઇ શકે છે.