સુશાંતના મૃત્યુની ઘટના હવે કંગના ને સંજથ રાઉતના વાકયુદ્ધનું મેદાન

સુશાંતસિંહ રાજપૂત હત્યા કેસમાં તપાસ આડે પાટે ફંટાઈને સુશાંતના મોતના બદલે રિયા ચક્રવર્તી અને તેના પરિવારના ગોરખધંધા અને ખાસ તો ડ્રગ્સ કનેક્શન પર કેન્દ્રિત થઈ ગઈ છે. સુશાંતે આપઘાત કરેલો કે તેની હત્યા થયેલી એ મુદ્દો ચર્ચાતો જ નથી ને તેણે આવું પગલું કેમ ભરવું પડ્યું તેની તો વાત જ કોઈ કરતું નથી. આ તપાસને સમાંતર રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે. ભાજપ ને શિવસેના-કોંગ્રેસ સામ સામે આવી ગયા છે ને સાવ નિમ્ન કક્ષાની વાતો પર ઉતરી આવ્યાં છે. બંને છાવણીના તરફદારો વચ્ચે પણ સોશિયલ મીડિયા પર જંગ ચાલી રહ્યો છે ને તેમાં સૌથી રસપ્રદ જંગ અત્યારે કંગના રાણાવત વર્સીસ સંજય રાઉતનો બની ગયો છે. આ જંગ કોણ વધુ નિમ્ન સ્તરે જઈ શકે છે એની હોડ જેવો બની ગયો છે.

કંગના સુશાંતના કેસમાં પહેલાંથી ભારે રસ લઈ રહી છે ને સુશાંતના મોતના બહાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને જે લોકો સાથે ફાવતું નથી એવાં લોકોની હાલત ખરાબ કરી રહી છે. કંગનાએ એવો તુક્કો વહેતો કરેલો કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખાઈ બદેલા માફિયાઓના કારણે સુશાંતે જીવન ટૂંકાવી દીધું. ભૂષણ કુમાર, સલમાન ખાન, કરણ જોહર વગેરેને આરોપીના કઠેરામાં ઊભા કરીને કંગનાએ તેમને વિલન જ ચિતરી નાંખેલા. કંગનાએ એવો માહોલ ઊભો કરી દીધેલો કે, આ બધા સામે કેસ નોંધવાની વાતો પણ થવા માંડેલી. આ બધી વાતો મોંમાથા વિનાની હતી તેથી ઉડી ગઈ પણ સુશાંતના મોતનો મુદ્દો ગાજતો હતો ને તેમાં ડ્રગ્સનો ગલ આવી ગયો એટલે કંગનાએ કરણ જોહર, સલમાન ખાન વગેરેને કોરાણે મૂકીને એ મુદ્દે ધમાધમી શરૂ કરી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોણ કોણ ડ્રગ્સ લે છે ત્યાંથી શરૂ કરીને મુંબઈ પોલીસ તેમને છાવરે છે ત્યાં સુધીના લવારા કંગનાએ કરી નાંખ્યા.

કંગનાએ આ લવારામાં મુંબઈની સરખામણી પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) સાથે પણ કરી નાંખી. કંગનાએ મુંબઈ પોલીસનો પોતાને ડર લાગે છે એવું કહેલું. તેના જવાબમાં સંજય રાઉતે કહેલું કે, મુંબઈમાં સલામતી ન લાગતી હોય તો મુંબઈ ન આવવું જોઈએ. થોડાક દિવસો પહેલાં મુંબઈમાં દીવાલો પર આઝાદીના સ્લોગન લખાયેલાં. કંગનાએ એ વાતને પકડી લીધી ને સંજય રાઉતના જવાબ સાથે જોડીને જાહેર કર્યું કે, પહેલાં આઝાદી ગ્રેફિટી ને હવે મુંબઈમાં નહીં આવવાની ધમકી, મુંબઈ હવે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) જેવું કેમ લાગે છે?

કંગનાની વાતને શિવસેનાએ પકડી લીધી ને એ મુદ્દે ધમાધમી મચેલી છે. એક તરફ શિવસેના-કૉંગ્રેસ છે ને બીજી તરફ ભાજપ તથા તેના સમર્થકો છે. કંગનાએ મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે તેથી માફી માગે એવી શિવસેના-કૉંગ્રેસની માગણી છે. સામે ભાજપના નેતાઓ કંગનાની વહારે ધાયા છે. મજાની વાત એ છે કે, કંગનાનો બચાવ કરવા ભાજપના નેતા ફ્રીડમ ઓફ સ્પીચ એટલે કે વાણી સ્વાતંત્ર્યની દુહાઈ આપી રહ્યા છે. પોતાની સામે જરા પણ વિરોધનો સૂર સહન નહીં કરી શકતા ભાજપના નેતા વાણી સ્વાતંત્ર્યની વાત કરે તેને શું કહેવું ? કંગનાની વાતનો જવાબ આપવાં ઉશ્કેરાયેલા સંજયે કંગનાને હરામખોર લડકી કહી દીધી તેમાં નવો બખેડો થઈ ગયો છે. સંજયે સાવ નીચા પગથિયે ઉતરીને સ્ત્રીઓનું અપમાન કરી નાંખ્યું છે એવો મુદ્દો ઊભો કરી દેવાયો છે. બાકી હતું તે સંજયે સવાલ કર્યો કે, કંગના મુંબઈને મિની પાકિસ્તાન ગણાવે છે ત્યારે અમદાવાદ માટે એવું બોલવાની તેની હિંમત છે?

કંગના અને સંજયનો આ જંગ ક્યાં જઈને અટકશે એ સવાલ છે પણ આ જંગ આપણે ત્યાં કહેવાતાં મોટાં લોકોની માનસિકતા કેવી છે તેનો પુરાવો છે. તેની શરૂઆત કંગનાએ કરી છે એ કબૂલ પણ સંજય રાઉત જે ભાષા બોલી રહ્યા છે એ પણ શોભાસ્પદ નથી જ. કંગનાએ મુંબઈને પીઓકે સાથે સરખાવીને સાવ હલકી માનસિકતા પ્રદર્શિત કરી છે. આવડા મોટા શહેરમાં બે-ચાર દીવાલો પર આઝાદીનાં સ્લોગન લખાય એટલે મુંબઈને પીઓકે કઈ રીતે કહી દેવાય? આ પ્રકારની વાત કરવી એ હલકટાઈ કહેવાય. કંગના આ પ્રકારની વાત કરે એ તો વધારે શરમજનક છે કેમ કે એ મુંબઈ શહેરે જ તેને ઓળખ આપી છે. બાકી એ હિમાચલ પ્રદેશમાં પડી રહી હોત તો કોણ તેને ઓળખવાનું હતું?

જે લોકો કંગનાનો બચાવ કરે છે એ બધા પણ એક નંબરના હલકા છે. મુંબઈ આ દેશની આર્થિક રાજધાની છે ને કરોડો લોકોને રોજી આપે છે. આ દેશના અર્થતંત્રમાં જંગી યોગદાન આપે છે. તેની સરખામણી પાકિસ્તાન સાથે કરનારનો ખાલી એટલા માટે બચાવ કરવાનો કે મુંબઈમાં હવે ભાજપની સરકાર નથી ? ને કંગના જે લવારા કરે છે એ ફ્રીડમ ઓફ સ્પીચ નથી પણ છાકટાપણું છે. મુંબઈ ખરેખર પીઓકે હોત તો અત્યારે કંગનાની શું હાલત થઈ હોત એ પીઓકેમાં રહેનારાં લોકોને જઈને પૂછી આવે.

કંગનાએ કરેલા લવારાનો જવાબ એ જ ભાષામાં આપીને સંજય રાઉત પણ વિવેક ચૂક્યા. હરામખોરનો અર્થ આપણને પણ ખબર છે ને સંજયને પણ ખબર હોય જ. આ પ્રકારની હલકી ભાષા કોઈના માટે વાપરવી સભ્યતા ન કહેવાય. સંજયે અમદાવાદને વચ્ચે લાવીને એવી જ હલકટાઈ બતાવી. આ વાત સાથે અમદાવાદને કંઈ લેવાદેવા જ નથી. ભાજપના કર્તાહર્તા એવા મોદી-શાહ ગુજરાતી છે તેથી રાઉત અમદાવાદનો ઉલ્લેખ કરતા હોય તો તેમનામાં ને કંગનામાં કોઈ ફરક જ ન કહેવાય. ને આમ પણ અમદાવાદમાં કશું એવું થતું જ નથી કે તેને કોઈએ મિની પાકિસ્તાન ગણાવવું પડે.

કંગના રાણાવતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિપોટિઝમ એટલે કે સગાવાદ સામે પણ ભારે હોહા મચાવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સગાંવાદ છે તેની ના નહીં પણ એવું ક્યા ક્ષેત્રમાં નથી? દરેક ક્ષેત્રમાં ઊંચા હોદ્દા પર બેઠેલી વ્યક્તિ પોતાનાં સગાંને આગળ કરે જ છે ને પોતે ઊભું કર્યું હોય તેનો લાભ તેમને મળે એવી ગોઠવણો કરે જ છે. રિલાયન્સ પબ્લિક લિમિટેડ કંપની છે છતાં મુકેશ અંબાણીએ પોતાનાં સંતાનોને એ કંપનીમાં ઊંચા હોદ્દા પર ગોઠવી જ દીધાં છે ને? મુકેશ અંબાણીનાં સંતાનોના નામ સાથે અંબાણી લેબલ ના જોડાયેલું હોત તો એ રિલાયન્સમાં ઊંચા હોદ્દા પર બેસી શકે ખરાં? ના બેસી શકે. આપણે મુકેશનાં સંતાનોની ક્ષમતા કે તેમની લાયકાત વિશે શંકા નથી કરતાં પણ એ મુકેશના સંતાનો ના હોય તો કોઈ તેમને ઊભું પણ ના રહેવા દે. એ લોકો રિલાયન્સમાં ઊંચા હોદ્દા પર સગાંવાદના કારણે જ છે એ સામી ભીંતે લખાયેલું સત્ય છે.

મુકેશ અંબાણીના કિસ્સામાં તો તેમનાં સંતાનો બેઝિક શૈક્ષણિક લાયકાતો પણ ધરાવે છે પણ અમિત શાહના પુત્ર જય શાહના કિસ્સામાં તો એવું પણ નથી. જય શાહ કોમર્સ ગ્રેજ્યુએટ છે ને ક્રિકેટ સાથે તેને નાહવા નિચોવવાનો સંબંધ નથી. ટીવી પર ક્રિકેટ મેચ જોઈ હશે, બાકી જિંદગીમાં કદી બેટ પણ પકડ્યું હશે કે કદી બોલ પણ નાંખ્યો હશે એ પણ કોઈને ખબર નથી ને છતાં જય શાહ વિશ્ર્વના સૌથી ધનિક ને પાવરફુલ ક્રિકેટ બોર્ડ એવા બીસીસીઆઈમાં સેક્રેટરી છે. જય શાહ શાના જોરે આ હોદ્દા પર પહોંચ્યો? સગાંવાદ કે બીજું કંઈ? એ અમિત શાહનો દીકરો ના હોય તો તેને બોર્ડની વાત તો છોડો પણ કોઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ના ઘૂસવા દે. તેના માટે પણ ટિકિટ લેવી પડે. તેના બદલે અત્યારે એ ભારતીય ક્રિકેટનો ભાગ્યવિધાતા છે. આ તો બે જ ઉદાહરણ આપ્યાં પણ આવું તો બધે જ જોવા મળે છે. સગાંવાદ આ દેશનાં લોકોની નસેનસમાં છે ને કોઈ ક્ષેત્ર તેનાથી મુક્ત નથી પણ કંગના કે બીજું કોઈ એ મુદ્દો કદી નથી ઉઠાવતાં. ને બીજાં બધાંની વાત છોડો પણ કંગના પોતે સગાંવાદથી પર છે ખરી? બિલકુલ નથી.

કંગનાએ ફિલ્મ નિર્માણ માટે મણિકર્ણિકા ફિલ્મ્સ નામે કંપની બનાવી છે. આ કંપનીમાં કંગના પોતે પ્રોડ્યુસર-ડિરેક્ટર છે ને તેની બહેન રંગોલી મેનેજિંગ ડિરેક્ટર છે. તેનો ભાઈ અક્ષત કંપનીના ફાયનાન્સ અને લીગલ વિભાગનો કર્તાહર્તા છે. કંગના તો જાણીતી અભિનેત્રી છે ને પોતાની ઓળખ બનાવી છે પણ રંગોલી કે અક્ષતની શું ઓળખ? એ લોકો પ્રોફેશનલી કંપનીમાં આવ્યાં છે? બિલકુલ નહીં. બહેને કંપની બનાવી એટલે ગોઠવાઈ ગયાં. આ સગાંવાદ નથી તો શું છે? હળાહળ સગાવાદ છે એ જોતા કંગના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈનસાઈડર ને આઉટસાઈડરની વાત કરે ત્યારે હાસ્યાસ્પદ લાગે છે. તેણે પોતે પોતાની ફાસફૂસિયા કંપનીમાં પણ પોતાનાં સગાંને ગોઠવી દીધાં છે ને આખા ગામને સગાવાદ વિશે જ્ઞાન પિરસ્યા કરે છે