સુશાંત આત્મહત્યા કેસની તપાસ CBI નહિ મુંબઈ પોલીસ જ કરશે: મહારાષ્ટ્ર ગૃહમંત્રી

મુંબઈ,
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના કેસને સીબીઆઈને હેન્ડઓવર કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ કેસની તપાસ મુંબઈ પોલીસ જ કરશે. બુધવારે થયેલી બેઠક પછી આ નિર્ણય લેવાયો છે. આની પહેલાં સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે અનિલ દેશમુખે ઓફિસર્સની બેઠક બોલાવી હતી. તેમાં ગૃહમંત્રીએ બિહાર પોલીસની મુંબઈમાં હાજરી દરમિયાન ચર્ચા કરી. સુશાંતના મૃત્યુની સીબીઆઈ તપાસની માગ કરનારા લોકોમાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, પપ્પુ યાદવમ શેખર સુમન, ચિરાગ પાસવાન અને ઉપમુખ્યમંત્રી અજીત પવારના દીકરા પાર્થનું નામે સામેલ છે.
આ ઉપરાંત સુશાંતના લાખો ચાહકોએ પણ સોશિયલ મીડિયાની મદદથી સીબીઆઈ તપાસની માગ કરી હતી, પણ હવે અનિલ દેશમુખના નિર્ણય પછી આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહૃાું છે. મુંબઈ આવેલી બિહાર પોલીસ ટીમ હવે સુશાંતના અકાઉન્ટમાંથી થયેલા ટ્રાન્જેક્શનની તપાસ કરશે. સાથે જ આ કેસ સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ કરશે. સુશાંત વારંવાર સિમકાર્ડ કેમ બદલતો હતો તેની તપાસ પણ થશે.
આ દરેક નંબરની કોલ હિસ્ટ્રી પણ ખોલવામાં આવશે. બિહાર પોલીસની ટીમ સુશાંતની સારવાર કરતા ડોક્ટરની પણ પૂછપરછ કરી શકે છે. હાલની પરિસ્થિતિઓને જોઈને રિયા ચક્રવર્તીએ વકીલ સતીશ માનિંશદેની મદદથી સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. જેમાં તેણે પટનામાં ફાઈલ થયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગ કરી છે. પટનામાં એફઆઈઆર ફાઈલ થયા પછી પોલીસની ટીમ મુંબઈ આવી ગઈ છે. પટના પોલીસ રિયાની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી પણ તેમને એવી માહિતી આપવામાં આવી કે તે અને તેનો પરિવાર ત્યાં નથી.