સુશાંત પ્રકરણમાં હજુય કોઈ પણ ચોક્કસ દિશામાં તપાસ ચાલતી નથી

હજુ પણ સુશાંત પ્રકરણમાં અસલ ચિત્ર જોવા મળતું નથી. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો છે. સુશાંતસિંહના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે સૌથી પહેલાં એવું જ બહાર આવેલું કે સુશાંતે આપઘાત કરી લીધો છે. સુશાંત જેવા સ્ટારે શા માટે આપઘાત કરવો પડે એવો સવાલ ઊભો થયેલો પણ મુંબઈની કૂપર હોસ્પિટલે કરેલા પોસ્ટમોર્ટમમાં સુશાંતે આપઘાત કર્યો હોવાનું તારણ નીકળેલું. આ મુદ્દે એ પછી જે વિવાદ થયા એ સૌને ખબર છે તેથી તેની વાતોમાં નથી પડતા પણ મહિના પછી અચાનક જ નવો ફણગો ફૂટ્યો ને સુશાંતનું મોત આપઘાત નહીં પણ હત્યા છે એવું કોરસ શરૂ થયું.

કેટલીક ટીવી ચેનલો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાંક લોકો ને રાજકારણીઓએ મુંબઈ પોલીસને ભાંડીને આ વાતને એવી ચગાવી કે સુશાંતની ખરેખર હત્યા થઈ હતી કે શું એવો સવાલ પુછાવા લાગેલો. મુંબઈ પોલીસ કેટલાક પાવરફુલ લોકોને બચાવવા માટે કુલડીમાં ગોળ ભાંગીને સુશાંતના મોતને આપઘાતમાં ખપાવી રહી છે એવી વાતોનો રીતસર મારો જ ચાલ્યો. આ મારો ચલાવનારા લોકોને રાજકીય પીઠબળ હતું તેથી કેસની તપાસ મુંબઈ પોલીસ પાસેથી લઈને સીબીઆઈને સોંપાઈ. એ વખતે આ કોરસ શરૂ કરનારાએ સત્યનો જય થયો છે ને હવે આખી દુનિયા સામે સત્ય બહાર આવશે એવા જયઘોષ શરૂ કરી દીધેલો.

મુંબઈ પોલીસ અને હોસ્પિટલની તપાસ સામે પહેલેથી જ શંકા વ્યક્ત કરાયેલી તેથી સીબીઆઈએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ની મદદ લીધી હતી. એઈમ્સની ટીમ મુંબઈ ગઈ, જુદા જુદા રિપોર્ટ તપાસ્યા, સુશાંતના મોતના આપઘાતની સીને રીક્રીયેટ પણ કર્યા ને આ બધી મહેનત પછી એઈમ્સની ટીમ પણ એ જ તારણ પર પહોંચી છે કે જે તારણ મુંબઈની હોસ્પિટલે સાડા ત્રણ મહિના પહેલાં આપી દીધેલું. મતલબ કે, સુશાંતે આપઘાત જ કરેલો ને તેની હત્યા નહોતી થઈ. એઈમ્સના મેડિકલ બોર્ડે આ તારણો માટે નક્કર કારણ આપ્યાં છે. સુશાંતના મોતનાં કારણ શોધવા માટે બનાવાયેલા એઈમ્સના મેડિકલ બોર્ડના ચેરમેન તરીકે ડો. સુધીર ગુપ્તા હતા કે જે અનેક ચકચારી કેસોમાં કામ કરી ચૂક્યા છે. ડો. ગુપ્તાએ જે પણ સવાલો ઉઠેલા એ બધાનો મુદ્દાસર જવાબ આપ્યો છે. આપણે એ જવાબોની ડીટેઈલમાં નથી જતા પણ તેમની વાતનો સાર એ જ છે કે, આ હત્યા નહોતી પણ આત્મહત્યા હતી.

મજાની વાત એ છે કે, એઈમ્સના આ તારણ સામે દેકારો શરૂ થયો છે ને આ દેકારો મચાવનારા લોકો એ જ છે કે જે સીબીઆઈને તપાસ સોંપાઈ ત્યારે સત્યનો જય થયો છે એવું કહેતા હતા. સીબીઆઈએ એઈમ્સની ટીમને મોતનું કારણ શોધવાનું કામ સોંપ્યું ત્યારે જે લોકો કહેતા હતા કે, હવે મુંબઈ પોલીસ અને તેના આકાઓની પોલ ખૂલી જશે ને બધા ઉઘાડા પડી જશે. એઈમ્સ બધાંનાં કપડાં કાઢીને ઉઘાડા કરીને મૂકશે ને જેલના સળિયા ગણતા કરી દેશે. હવે એઈમ્સનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે એ લોકો તેને સ્વીકારવા તૈયાર નથી. ત્રણ મહિના પહેલાં જે લોકો સત્યની દુહાઈ આપતા હતા એ બધાંને હવે આ રિપોર્ટ અસત્ય લાગે છે.

સુશાંતના મૃત્યુના કેસમાં સત્યનો ઝંડો કંગના રાણાવતે ઉઠાવેલો. એઈમ્સના રિપોર્ટ પછી કંગનાએ ટ્વીટ કરી છે કે અસામાન્ય પ્રતિભા ધરાવતા લોકો કોઈ દિવસ સવારે ઊઠે ને આપઘાત કરી લે એ શક્ય નથી. સુશાંતે કહેલું કે તેને પરેશાન કરાતો હતો ને બહાર કરી દેવાયેલો. સુશાંતને પોતાના જીવનને ખતરો હોવાનું લાગતું હતું, એ કહેતો કે મૂવી માફિયાએ તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે અને કનડગત કરે છે. બળાત્કારના કેસમાં ખોટી રીતે આરોપી બનાવી દેવાયો એ કારણે તેને માનસિક અસર થઈ હતી.

કંગનાએ પહેલાં પણ જે વાતો કરી છે એ વાતો ત્રણ સવાલના રૂપમાં દોહરાવી છે. કંગનાનો પહેલો સવાલ એ છે કે, સુશાંતે વારંવાર કહેલું કે, મોટા પ્રોડક્સ હાઉસે તેના પર પ્રતિબંધ મૂકી દીધેલો ત્યારે સવાલ એ છે કે તેની સામે કાવતરું કરનારા આ લોકો કોણ હતા? બીજો સવાલ એ છે કે, મીડિયાએ સુશાંત બળાત્કારી છે એવા ખોટા સમાચાર કેમ ફેલાવ્યા? ત્રીજો સવાલ એ છે કે, મહેશ ભટ્ટ સુશાંતનું માનસિક વિશ્ર્લેષણ શું કરવા કરતા હતા?

કંગનાની જેમ બીજા લોકો પણ છે કે જેમણે સુશાંતે આપઘાત કર્યો હતો એવી વાત ગળે નથી ઉતરતી એવું કહીને એઈમ્સના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યો છે. બોલીવૂડનાં દૂષણો સામે આટલાં બધાં લોકોએ અવાજ ઉઠાવ્યો ને જોરદર લડાઈ કરી ને હવે આ રિપોર્ટ દ્વારા એ લડાઈનું પડીકું કરવાના કારસા થઈ રહ્યા છે ને એવી બધી વાતો કરી છે. આ બધી વાતો વાહિયાત છે ને તેની ચર્ચા પણ કરી શકાય એમ નથી. કોઈ તાર્કિક વાત હોય તો ચર્ચા થાય. આ બધી વાતો નરી ઝીંકાઝીક ને મોં-માથા વિનાની છે એ જોતાં તેના વિશે વાત કરવી એ પણ સમયનો બગાડ છે પણ આ બધી વાતો સુશાંત રાજપૂતના મોતને તમાશો બનાવનારા લોકોની માનસિકતા કેટલી હલકી છે તેના પુરાવારૂપ છે. એ લોકોને સુશાંતના પરિવારને ન્યાય મળે કે સુશાંતના મોતનું રહસ્ય બહાર આવે તેમાં રસ હતો જ નહીં. તેમને તો પોતાના રોટલા શેકવામાં રસ હતો, પોતાના સ્કોર સેટલ કરવામાં રસ હતો. આ માનસિક વિકૃતિ ના પોષાઈ એટલે કંગના આણિ મંડળી હવે એઈમ્સના રિપોર્ટ સામે પણ સવાલો કરે છે.

પહેલાં તેમને મુંબઈ પોલીસની કામગીરી સામે વાંધો હતો. મુંબઈ પોલીસે આદિત્ય ઠાકરેને બચાવવા માટે ઢાંકપિછોડો કરે છે એવી વાતો કરાતી હતી. શિવસેનાની સરકારે ઉદ્ધવના દીકરાને બચાવવા માટે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બદલાવી દીધો ને એવી બધી વાતો કરાતી હતી. એ સિવાય પોતાના મગજમાંથી બીજો ઘણો વિવાદ ઉલેચી ઉલેચીને તેમણે ઠાલવી દીધેલો. સીબીઆઈ તપાસ સોંપાઈ ત્યારે તેમને સત્યની જીત લાગતી હતી. હવે સીબીઆઈ તેમના મગજના તુક્કા પ્રમાણે કોઈને ફિટ ન કરી શકે તો તેની સામે પણ તેમને વાંધો છે.

આ હલકાઓની ગેંગે પોતાની વિકૃતિને પોષવા માટે સુશાંતની ઈમેજ લોકોમાં કેવી કરી નાંખી છે એ પણ વિચારવાની જરૂર છે. સુશાંત ગુજરી ગયો ત્યારે લોકોના માનસમાં તેના માટે સહાનુભૂતિ હતી. સુશાંતની ગણના સુપરસ્ટાર તરીકે નહોતી થતી પણ એ સફળ સ્ટાર ચોક્કસ ગણાતો હતો. સુશાંતે અભિષેક કપૂરની ‘કાઈ પો છે’ ફિલ્મથી કરેલી ને એ પછી તેને મોટા બેનરની ઘણી ફિલ્મો મળી હતી. તેની મોટા ભાગની ફિલ્મો બહુ નહીં ચાલેલી પણ તેનું કામ ચોક્કસ વખણાતું. એક નાના શહેરમાંથી આવેલો ને પોતાના પેશન માટે ભણવાનું છોડીને જોરદાર મહેનત કરનારા યુવાન તરીકે લોકો તેને પ્રેમથી યાદ કરતા. ટીવીના નાના પડદેથી મહેનત કરીને ફિલ્મોમાં તેણે જગા બનાવી તેના કારણે ઘણા યુવાનો તેને રોલ મોડલ માનતા હતા.

સુશાંતે જોરદાર સફળતા ભલે ન મેળવી પણ એ જે પ્રકારના રોલ પસંદ કરતો હતો તેના પરથી લાગતું હતું કે, છોકરો સેન્સિટિવ છે ને કેવી ફિલ્મો કરવી તેની તેનામાં સૂઝ છે. એ સુપરસ્ટાર નહીં બને તો પણ લાંબી રેસનો ઘોડો ગણાતો હતો. પોતાના કામથી લોકો તેને યાદ કરશે એવું લોકોને લાગતું હતું. સુશાંતની વય પણ માત્ર 34 વર્ષની હતી ને આટલી નાની વયે તેણે ઘણું મેળવી લીધું એવું લોકોને લાગતું. સુશાંત એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો, સ્પેસ સાયન્સમાં તેને રસ હતો, વાંચવાનું તેને ગમતું એવી બધી વાતોના કારણે તેની લોકોમાં સારી ઈમેજ હતી.

હવે આજે શું સ્થિતિ છે? સુશાંતની ઈમેજની તો વાટ લાગી ગઈ છે. એ ડ્રગ્સ એડિક્ટ ને લફરાબાજ હતો એવી તેની ઈમેજ ઊભી થઈ ગઈ છે. એક પછી એક હીરોઈન સાથે લફરાં કરવાં, ડ્રગ્સ લેવું ને નશામાં પડ્યા રહેવા સિવાય બીજો કોઈ ધંધો જ ના હોય એવા માણસની તેની છાપ પડી ગઈ છે. બાકી હતું તે કંગના રાણાવત સુશાંત બળાત્કાર કેસમાં આરોપી હતો એવી વાતો કર્યા કરે છે. મીડિયાએ તો કદી સુશાંત બળાત્કારનો આરોપી હતો એવી વાત પણ કરી નથી ત્યારે કંગના એ વાતને ચગાવીને સુશાંતની રહીસહી આબરૂને પણ ધૂળધાણી કરી રહી છે.

કંગના આણિ કંપનીએ પોતાની વિકૃતિને સંતોષવા કરેલા ઉધામાને કારણે હાલત એ છે કે, કોઈ મા-બાપ એવું ના ઈચ્છે કે તેમનો દીકરો સુશાંત જેવો પાકે. સુશાંતનો પરિવાર પણ આ પાપમાં ભાગીદાર છે કેમ કે તેમણે પણ પોતાના દીકરા વિશે ના વિચાર્યું. દીકરાની લાશ પર રોટલા શેકનારા લોકો સાથે એ પણ જોડાયા તેમાં સુશાંત હવે હીરોના બદલે ઝીરો બનીને રહી ગયો.