સુશાન્તનો કેસ ડ્રગ્સને પાટે ચડ્યા પછી હવે વિવેક ઓબેરોય તરફ?

સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુનો કેસ આડે પાટે ફંટાઈને બોલીવૂડમાં ડ્રગ્સના દૂષણ પર જતો રહેલો. સુશાંતની છેલ્લી ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકે સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવીને પતાવી દીધો એવું ગતકડું સીબીઆઈની તપાસમાં નિકળ્યું પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) આ તપાસમા જોડાયેલી. એનસીબીએ રીયા, શોવિક અને સુશાંતને ત્યાં કામ કરતા થોડાક કામ કરનારાઓને પકડીને અંદર કર્યા તેમાં તો સત્યમેવ જયતેનો જયઘોષ થઈ ગયેલો. ટીવી ચેનલો પણ ટીઆરપી વધારવાની લ્હાયમાં પત્રકારત્વના સિદ્ધાંતોને કોરાણે મૂકીને રીતસર પીળા પત્રકારત્વ પર ઊતરી આવેલી.

બોલીવૂડ ડ્રગ્સનો અડ્ડો હોય ને બોલીવૂડમાં કામ કરનારા સવાર-સાંજ ડ્રગ્સ લઈને પડ્યા રહેતા હોય એવો માહોલ ટીવી ચેનલોએ ઊભો કરી દીધેલો. જેમની સામે કોઈ પુરાવા જ નહોતા એવી અભિનેત્રીઓનાં નામ ઉછાળીને તેમના પર ડ્રગ્સની બંધાણી ને સ્વચ્છંદી હોવાનાં લેબલ લગાવી દેવાયેલાં. કંગના રાણાવત આણિ ટોળી ને ભાજપના થોડા નેતા આ હઈસો હઈસોમાં જોડાયા તેમાં તો સુશાંતનું મોત બાજુ પર રહી ગયેલું ને બોલીવૂડમાં ડ્રગ્સના પગપેસારાના કારણે દેશ આખો રસાતાળ જતો રહ્યો હોય એવો માહોલ થઈ ગયેલો.

આ તાયફો બે મહિનાની આસપાસ ચાલ્યો ને રીયા ચક્રવર્તીને જામીન મળ્યા એ સાથે બધા ટાઢાબોળ થઈ ગયેલા. જેમને બોલીવૂડની બહુ ચિંતા હતી એ બધા ઘરે જઈને સૂઈ ગયા ને સત્યમેવ જયતેનો જયઘોષ કરનારા બધા ક્યાંય છૂ થઈ ગયા. એ લોકો તો હજુય દેખાતા નથી. કંગના જેવાં થોડાં લોકો પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા વચ્ચે વચ્ચે બોલબોલ કર્યા કરે છે પણ જેમણે ડ્રગ્સ મામલે દેકારો કરેલો એ બધા દેખાતા બંધ થઈ ગયા છે પણ બોલીવૂડમાં ડ્રગ્સનો મુદ્દો પાછો ચગ્યો છે. તેનું કારણ ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે કર્ણાટકની કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડ્રગ્સ કેસની તપાસ છે. હવે ડ્રગ્સ કેસનો રેલો વિવેક ઓબેરોય સુધી પહોંચ્યો એટલે કૉંગ્રેસ ને શિવસેના મેદાનમાં આવી ગયાં છે.

કૉંગ્રેસ-શિવસેનાએ તલવાર તાણીને બોલીવૂડમાં ડ્રગ્સના પગપેસારા મુદ્દે એનસીબીની તપાસ સામે વાંધો લીધો છે ને સંદીપસિંહ ડ્રગ્સ કેસમાં મુખ્ય સૂત્રધાર છે તેથી તેને ઉઠાવીને અંદર નાંખો ને વિવેક ઓબેરોય સામે તપાસ શરૂ કરો એવું કોરસ શરૂ કરી દીધું છે. કૉંગ્રેસ-શિવસેનાનો આક્ષેપ છે કે, કેન્દ્રની તપાસ એજન્સીઓ વિવેક ઓબેરોય ને સંદીપ સિંહના ડ્રગ્સ કેસની તપાસ નહીં કરીને બંનેના પાપ સામે આંખ આડા કાન કરી રહી છે કેમ કે બંને નરેન્દ્ર મોદીની નજીક છે. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં આવેલી મોદીની બાયોપિક સંદીપ સિંહે બનાવેલી ને વિવેક ઓબેરોયે તેમાં મોદીનો રોલ કરેલો. આ કારણે મોદીના ઈશારે બંનેને છાવરવામાં આવી રહ્યા છે એવો કૉંગ્રેસ-શિવસેનાનો આક્ષેપ છે.

કૉંગ્રેસ-શિવસેનાની વાત વાહિયાત છે પણ તેની વાત માંડતાં પહેલાં વિવેક ઓબેરોય લગી ડ્રગ્સ કેસમાં રેલો કઈ રીતે પહોંચ્યો તેની વાત કરી લઈએ. કર્ણાટક પોલીસે ગુરુવારે વિવેક ઓબરોયના ઘરે ડ્રગ્સ કેસના સંદર્ભમાં રેડ પાડી તેના મૂળમાં તેના સાળા આદિત્ય આલ્વાનાં કરતૂત છે. વિવેક ઓબેરોય કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડ્રગ્સકાંડ અને તેનાં સાસરિયાંના કારણે નજરે ચડ્યો છે. કર્ણાટકમાં ફિલ્મ અભિનેત્રીઓ રાગિણી દ્વિવેદી અને સંજના ગલરાની ડ્રગ્સ સાથે પકડાઈ પછી ઘણાં મોટાં માથાં અંદર થઈ ગયાં છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો કારોબાર મોટા પાયે ચાલે છે એવો ધડાકો આ બંને હોટ એક્ટ્રેસ પકડાઈ તેમાં થયો પછી શરૂ થયેલ તપાસના તાર આદિત્ય આલ્વા સુધી પહોંચ્યા છે.

આદિત્ય આલ્વા ભાજપના ભૂતપૂર્વ નેતા જીવરાજ આલ્વાનો પુત્ર ને વિવેકનો સાળો છે. જીવરાજ આલ્વા કર્ણાટકના રાજકારણમાં મોટું માથું ગણાતા ને રામકૃષ્ણ હેગડેના સમયમાં તેમનો દબદબો હતો. છેલ્લે એ જેડીયુમાં હતા પણ એ પહેલાં ભાજપમાં પણ લાંબો સમય રહેલા. કર્ણાટક સરકારમાં પ્રધાન બનેલા જીવરાજ આલ્વા ઈ. સ. 2001માં ગુજરી ગયા પછી તેમનાં પત્ની ને આદિત્યની માતા નંદિનીએ રાજકીય વારસો સંભાળ્યો છે. નંદિન જેડીએસનાં સભ્ય છે ને સારો પ્રભાવ ધરાવે છે પણ આદિત્ય કપાતર પાક્યો તેમાં મોકાંણ મંડાઈ છે. આદિત્યની બહેન પ્રિયંકાનાં લગ્ન વિવેક સાથે થયાં છે.

બેંગલપૂર ક્રાઈમ બ્રાંચની તપાસમાં આદિત્યનું નામ ખૂલ્યું પછી આદિત્યના બંગલા પર નાર્કોટિક્સ બ્યુરોની રેડ પડી તેમાં ડ્રગ્સકાંડની એવી એવી વિગતો બહાર આવી કે માથું ચકરાઈ જાય. ચાર એકરમાં ફેલાયેલા ‘હાઉસ ઓફ લાઈફ’ બંગલામાં આદિત્ય ફિલ્મ સ્ટાર્સની રેવ પાર્ટી કરતો. તેમાં છૂટથી ડ્રગ્સ અપાતું ને ફિલ્મ સ્ટાર્સ છાકટાં બનનીને એવી એવી હરકતો કરતાં કે સાંભળીને પણ લાજી મરાય. રાગિણી દ્વિવેદીની ધરપકડ થઈ ત્યારે જ આદિત્યનું નામ બહાર આવી ગયેલું પણ યેદુરપ્પાના ઈશારે ઢીલ છોડાઈ તેમાં તેને ફરાર થવાનો મોકો મળી ગયો.

કર્ણાટક પોલીસ ટીપીકલ પોલીસ સ્ટાઈલમાં ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા નિકળી છે. આદિત્ય સાથે સંકળાયેલાં લોકોને ત્યાં તેને તપાસ કરી રહી છે તેમાં વિવેકને ત્યાં રેડ પડેલી. આ રેડ ખાલી આદિત્ય તેના ઘરમાં છે કે નહી તેની તપાસ માટે હતી. વિવેક ડ્રગ્સ લે છે કે ડ્રગ્સ વેચે છે એ પ્રકારના કોઈ આક્ષેપો તેની સામે છે જ નહીં. આદિત્યના ઘણા ધંધામાં તેની બહેન પ્રિયંકા ભાગીદાર છે તેથી પોલીસે તેને તપાસમાં સહકાર આપવા નોટિસ આપી છે. આ બંને કાયદાકીય પ્રક્રિયા છે. વિવેક-પ્રિયંકા આદિત્ય સાથે નિકટનાં સંબંધો ધરાવે છે તેથી આ પ્રક્રિયા જરૂરી છે પણ તેના કારણે વિવેક કે પ્રિયંકા ડ્રગ્સ સાથે સંકળાયેલાં છે એવું કહેવું એ મૂર્ખામીની ચરમસીમા કહેવાય. વિવેકના ઘરમાંથી ડ્રગ્સ કે બીજું કંઈ મળ્યું નથી ત્યારે વિવેકને ડ્રગ્સ કેસ સાથે જોડી જ ના શકાય.

વિવેકનું નામ સંદીપ સિંહ સાથે જોડીને બંને ડ્રગ્સ નેટવર્ક ચલાવે છે એવી વાતો કરવી એ પણ બકવાસ છે. વિવેક અને સંદીપ સિંહ મોદીની બાયોપિકના પ્રોજેક્ટમાં સાથે હતા એટલે બંને બધા ધંધામાં ભાગીદાર ના ગણાય. લોકસભાની ઈ. સ. 2019ની ચૂંટણી પહેલાં આવેલી મોદીની બાયોપિક મોદીની લોકપ્રિયતાને કારણે સફળ નીવડી હતી. જેની સામે કૉંગ્રેસ-શિવસેનાએ આક્ષેપ કર્યા છે એ સંદીપ સિંહ આ ફિલ્મના નિર્માતાઓમાંથી એક હતો એ સાચું પણ બીજા પણ નિર્માતાઓ હતા. ફિલ્મના બીજા નિર્માતાઓ મોદીના સમર્થકો હતા પણ આ કેસમા તેમનું કોઈ નામ લેતું નથી જ્યારે સંદીપ સિંહના સુશાંત સાથે સંબંધો હતા તેથી તેનું નામ ઉછળે છે. સંદીપનું ડ્રગ્સના ધંધા સાથે કોઈ કનેક્શન છે એવું હજુ સુધી બહાર આવ્યું નથી એ જોતા સંદીપ સામે પણ આક્ષેપો ન કરી શકાય. વિવેક સામે આક્ષેપો કરવાની વાત તો બહુ દૂર છે.

કૉંગ્રેસ-શિવસેના એ જ ગંદી રમત રમી રહ્યાં છે કે જે કંગના રાણાવત અને ભાજપના નેતાઓએ રમી હતી. રીયા ચક્રવર્તી સિવાય દીપિકા પદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રિત સિંહ સહિતની ઘણી અભિનેત્રીઓ સામે કોઈ પણ પુરાવા વિના આક્ષેપોનો ઢગ ખડકીને તેમની આબરૂના ધજાગરા કરી નાંખ્યા. આ અભિનેત્રીઓને પૂછપરછ માટે બોલાવાઈ ને તેમના ફોન પણ જપ્ત કરાયા પછી પણ એનસીબીને હજુ લગી તો કશું એવું નક્કર મળ્યું નથી કે જેના કારણે તેમની સામે ફરિયાદ પણ નોંધી શકાય. એ છતાં તેમની બદબોઈ કરવામાં કોઈ કસર નહોતી છોડાઈ. પુરાવા વિના તમે કોઈની સામે કઈ રીતે આવા ગંભીર આક્ષેપો કરી શકો ?

વિવેક-સંદીપને ડ્રગ્સ નેટવર્ક સાથે સાંકળવા ખોટું છે પણ આ ઘટનાક્રમે કંગના રાણાવત સહિતનાં ઘણાં લોકોનાં બેવડાં ધોરણોને ખુલ્લા કરી દીધા છે. જે લોકો રીયા કે બીજી અભિનેત્રીઓ સામે કોઈ પણ પુરાવા વિના ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંબંધોના દાવા કરતાં હતાં એ લોકો અત્યારે ચૂપ છે. ગોરખપુરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ રવિ કિશને સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિને બોલીવૂડમાં ડ્રગ્સની બોલાબાલા મુદ્દે લાંબુલચક ભાષણ આપેલું. રવિ કિશને બોલીવૂડની યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડી ગઈ છે એવો દાવો કરેલો. કંગનાની જેમ રવિએ પણ બોલીવૂડમાં ડ્રગ્સના દૂષણને ડામવા મુદ્દે શિખામણોનો મારો ચલાવી દીધેલો. ભાજપના જોરે વાયડી થયેલી કંગના રાણાવતે પણ બોલીવૂડમાં ડ્રગ્સના બંધાણીઓનો દબદબો છે ને આ ગટરને સાફ કરવા મોદીને વિનંતી કરતી ટ્વિટ કરેલી. બીજા પણ નમૂના હતા કે જેમણે આ દેશનો પ્રાણપ્રશ્ર્ન હોય એ રીતે હોહા કરી મૂકેલી. હવે વિવેક ઓબેરોયના ઘરે રેડ પડી ત્યારે કોઈ બોલતું નથી. જે ધારાધોરણો એ લોકો રીયા કે દીપિકાને લાગુ પાડતાં હતાં એ જ ધારાધોરણ વિવેક ને સંદીપ સિંહને પણ લાગુ પાડવાં જોઈએ કે નહીં?