સુશાન્તસિંહનું મૃત્યુ એવા ચકરાવે ચડ્યું છે કે કંઈ કેટલાય આંટીમાં આવી જશે

હજુ એ નક્કી નથી કે સુશાન્ત સિંહનું મૃત્યુ કેવી રીતે થયું. બોલીવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં એક તરફ સીબીઆઈ સહિતની કેન્દ્રની બીજી એજન્સીઓની તપાસ ચાલુ છે ત્યાં બીજી તરફ રાજકીય પટ્ટાબાજી પણ ચાલુ છે. સુશાંતના મોત સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર ને રાજ્યના મંત્રી આદિત્ય ઠાકરેને કનેક્શન હોવાનું કહીને અત્યાર સુધી ભાજપ આક્ષેપબાજી કર્યા કરતો હતો. હવે શિવસેના- કોંગ્રેસનો વારો છે ને તેમણે ફિલ્મ નિર્માતા સંદીપસિંહના નામે ભાજપને ભિડાવવા માટે આક્ષેપબાજી શરૂ કરી દીધી છે. શિવસેના-કોંગ્રેસે સંદીપ સામે આંગળી ચીંધી છે ને ભાજપ તેને બચાવવા ઉધામા કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પરંતુ એક વાત નક્કી છે કે ભાજપ આમાં ક્યાંય આંટીમાં આવે એમ નથી. કારણ કે ભાજપના નેતાઓ આવી ગુનાખોરીથી દૂર રહે છે.

સંદીપસિંહની દેવેન્દ્ર ફડણવીસ સાથેની તસવીર તો વાયરલ થઈ જ છે પણ સંદીપસિંહના ભાજપ સાથે છેડા કઈ રીતે અડકે છે તેની ખણખોદ કરીને કોંગ્રેસે સાવ ખોટેખોટી ધડબડાટી બોલાવી છે. લોકસભાની 2019 ની ચૂંટણી પહેલાં મોદીની બાયોપિક આવેલી. વિવેક ઓબેરોયે તેમાં મોદીનો રોલ કરેલો. વિવેક બહુ વખાણવા જેવો એક્ટર નથી પણ કેટલીક ફિલ્મોમાં તેણે ચમકારા બતાવેલા. મોદીની બાયોપિક એ ફિલ્મોમાં ન આવે એ કહેવાની જરૂર નથી. વિવેકનો અભિનય ને ફિલ્મ બંને સારા હોવા છતાં હતાં તેથી આ મૂવી ક્યારે આવીને ક્યારે ઉતરી ગઈ એ બધાને ખબર નથી. મોદીની લોકપ્રિયતા વટાવીને રોકડી કરવા આ ફિલ્મ બનાવાયેલી ને સંદીપસિંહ આ ફિલ્મના નિર્માતાઓમાંથી એક હતો. ફિલ્મના બીજા નિર્માતાઓ મોદીના સમર્થકો જ હતા પણ તેમને આ વાત સાથે કંઈ લેવાદેવા નથી તેથી તેમનો નામનો ઉલ્લેખ જરૂરી નથી.

સુશાંતનું મોત થયું ત્યારથી સંદીપસિંહ સતત પિક્ચરમાં છે. સંદીપસિંહ સુશાંતના પરિવાર સાથે સતત દેખાયો છે ને તેની અંતિમવિધિ તથા બીજી વિધિમાં પણ સતત હાજર હતો. સુશાંતની જૂની પ્રેમિકા અંકિતા લોખંડેને દિલાસો આપતો હોય કે સુશાંતની બહેનને સધિયારો આપતો હોય એવી તસવીરો મીડિયામાં આવી જ ગયેલી છે તેથી લોકો માટે સંદીપસિંહ અજાણ્યો ચહેરો નથી. આ બધી તસવીરો પરથી સંદીપસિંહ સુશાંત અને તેના પરિવારની અત્યંત નજીક છે એવું લાગે જ પણ સુશાંતના મોતના મામલા સાથે તેને કંઈ લેવાદેવા છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે.

વાસ્તવમાં તો સુશાંતના મોત સાથે કોને શું લેવાદેવા છે એ જ કળવું મુશ્કેલ છે ને આખો કેસ જે રીતે આગળ વધી રહ્યો છે એ જોતાં તો સુશાંતનું મોત એક ગંદી રમતમાં ફેરવાતું જાય છે. સુશાંતના મોત પર જે રીતે સ્વાર્થના રોટલા શેકાઈ રહ્યા છે ને સુશાંતના મોતનો ઉપયોગ સ્કોર સેટલ કરવાની હોડ જામી હોય એવો થયો છે. રાજકારણીઓથી માંડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં બધાં આ હોડમાં સામેલ છે. બધા પોતાને માફક આવે એવી થીયરીઓ રમતી કરી રહ્યા છે ને પોતાને ફાયદો થાય એવી વાત કરી રહ્યા છે. એક યુવાન માણસના મોતનો રીતસર તમાશો બનાવી દેવાયો છે એ જોઈને ખરેખર આઘાત લાગે છે.

સુશાંતના મોતમાં પહેલાં એવી થીયરી વહેતી કરાયેલી કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખાઈ બદેલા માફિયાઓના કારણે સુશાંતે જીવન ટુંકાવી દીધું. કંગના રાણાવતને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચોક્કસ લોકો સામે ખાર છે તેથી તેણે તેમને બદનામ કરવા સાવ મોંમાથા વિનાની વાતો રમી કરીને તેની શરૂઆત કરી. કંગનાએ સુશાંતના આપઘાત પછી લાંબો વીડિયો મૂકીને સુશાંતને શ્રદ્ધાજલિ આપી હતી. સુશાંતની શૈક્ષણિક કારકિર્દી અને બીજી વાતો કરીને પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કઈ રીતે બહારનાં લોકોને પરેશાન કરાય છે અને હતાશ કરી દેવાય છે તેની વાતો કરીને સુશાંતના મૃત્યુની ઘટનાને તેની સાથે જોડી દીધી.

કંગનાએ આ વાત મૂકી એટલે ઘણા ચાલુ ગાડીમાં બેસી ગયા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ન્યૂસન્સ વેલ્યૂ ઊભી કરીને ચર્ચામાં રહેતા કમાલખાનથી માંડીને સલમાન ખાનની દબંગ સીરિઝની પહેલી ફિલ્મના ડિરેક્ટર અભિનવ કશ્યપ સુધીના બધાએ પોતાની આપવિતી વર્ણવી દીધી. આ બધા જામેલા લોકો કઈ રીતે નવા માણસોની કારકિર્દી ખતમ કરી નાખે છે તેની વાતોનો ઢગ થઈ ગયો. તેના કારણે સોશિયલ મીડિયા પર સલમાન ખાન, કરણ જોહર વગેરે સામે જોરદાર આક્રોશ શરૂ થઈ ગયો ને એ લોકો વિલન હોય એવો જ માહોલ પેદા કરી દેવાયો. આ વાત સાથે જેને કંઈ લેવાદેવા નથી એવાં કુશ્તીબાજ બબિતા ફોગાટે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કેટલાક ચોક્કસ પરિવારોની પકડમાંથી મુકત કરાવવાનો સમય આવી ગયો છે એવી હાકલ કરીને દેશવાસીઓને અપીલ કરી હતી કે, આવી ભાઈ-ભત્રીજાવાદને પોષતી ફિલ્મો જોવાનું બંધ કરો. કંગના રાણાવતે નાનાં શહેરોના લોકોને અન્યાય થાય છે એવો મુદ્દો મૂકેલો તેથી એ મુદ્દાને પણ સાવ ફોગટ જોડી દીધો હતો.

વિવિધ નેતાઓનો ઉત્સાહ જોઈને સુશાંતના પિતા કે.કે. સિંહે સુશાંત પણ અચાનક જાગી ગયા. તેમણે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી સામે પોલીસ ફરિયાદ કરી નાખી. બિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂતની હત્યાના કેસની તપાસ શરૂ કરી એ દરમિયાન ક્યાંકથી સુશાંતના મોતને આદિત્ય ઠાકરે સાથે સંબંધ છે એવું પડીકું આવ્યું તેમાં મહારાષ્ટ્ર ભાજપના નેતા કૂદી પડ્યા. આદિત્યનું નામ ક્યાંથી ને કેવી રીતે રમતું થયું એ કહેવાની જરૂર નથી કેમ કે રાજકારણમાં કશું આકસ્મિક હોતું નથી. બધું નહીં લખાયેલી પણ નક્કી થયેલી સ્ક્રીપ્ટ પ્રમાણે થતું હોય છે.

આ સ્ક્રીપ્ટ પ્રમાણે સુશાંતના મોતને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના કમોત સાથે જોડવાનું શરૂ કરાયું ને છેવટે વાત આદિત્ય ઠાકરે પર આવીને અટકી ગઈ. સુશાંત ગુજરી ગયો તેના થોડાક દિવસ પહેલાં જ દિશા સાલિયાનનું રહસ્યમય રીતે મોત થયેલું. દિશાના મોત અંગે એવી સ્ટોરી ફરતી થઈ કે, સૂરજ પંચોલીની પાર્ટીમાં દિશા પર સામૂહિક બળાત્કાર કરાયો હતો. ગેંગરેપ પછી હવસખોરોએ દિશાને છોડી દીધેલી પણ દિશાએ સુશાંતને ફોન કરીને આપવિતી કહી. બળાત્કારીઓને આ વાતની ખબર પડી ગઈ તેથી દિશાને ઘરે પહોંચી જઈને દિશાને ઉપરથી નીચે ફેંકીને પતાવી દીધી.

આ લુખ્ખાઓએ સુશાંત મોં ન ખોલે એટલે તેને સતાવવા માંડ્યો. સુશાંતે દિશાની વાતો ટેપ કરી લીધી હોવાની શંકાના આધારે સુશાંતને પણ પતાવી દેવાયો. એવી વાતો પણ ચાલેલી કે, સુશાંતના ઘેર આગલી રાતે પાર્ટી થઈ તેમાં આદિત્ય ઠાકરે પણ હાજર હતા. ટૂંકમાં સુશાંતના મોતને આદિત્ય ઠાકરે સાથે જોડી દેવાયું ને આ મુદ્દો બિલકુલ રાજકીય બની ગયો. હવે કોંગ્રેસ-શિવસેનાએ તેમાં સંદીપસિંહનું નામ નાખી દીધું છે તેથી આ બધું આગળ ચાલ્યા કરશે.

સુશાંતના મોતના કેસમાં મહિના પહેલાં લગી કરણ જોહર, સલમાન ખાન, ભૂષણ કુમાર વગેરેને વિલન ગણાવાતા હતા. હવે તેમની તો કઈ વાત જ કરતું નથી ને રિયા ચક્રવર્તી સહિતનાં બીજાં પાત્રો આવી ગયાં છે. ડ્રગ્સની વાતો આવી ગઈ છે ને બીજું પણ ઘણું આવી ગયું છે. હજુ તપાસ ચાલુ છે એ જોતાં બીજું પણ ઘણું આવશે ને તેમાં સાચુ શું ને ખોટું શું એ નક્કી કરવું જ મુશ્કેલ છે. બલકે જે રીતે બધાં પોતાના ફાયદા માટે આ કેસનો ઉપયોગ કરી રહ્યાં છે એ જોતાં કદી સત્ય બહાર આવશે કે કેમ તેમાં પણ હવે તો શંકા જાગે છે.