સોનામાં તેજી: ૮૦૦ રૂપિયા ઉછળી ૫૨,૮૦૦ને પાર

  • ચાંદીમાં ૧૫૦૦ની ઝડપી તેજી, ભાવ ૬૮૫૦૦એ પહોંચ્યો

 

સપ્તાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદીમાં વૈશ્વિક બજારમાં ઝડપી તેજી જોવા મળી અને તેની પાછળ ઘરઆંગણે પણ બંને કિંમતી ધાતુઓના ભાવ ઉછળ્યા હતા. જેમાં આજે ચાંદીમાં ૧૫૦૦ રૂપિયાનો ઝડપી ઉછાળો આવ્યો અને સોનામાં ૮૦૦ની તેજી નોંધાઇ હતી.

અમદાવાદ બુલિયન બજારમાં આજે સોમવારે સોનાનો ભાવ ૮૦૦ રૂપિયાની ઝડપી તેજીમાં પ્રતિ ૧૦ ગ્રામની ૫૨,૮૦૦ રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. આ સાથે નવા કેલેન્ડર ૨૦૨૧માં અત્યાર સુધીના ભાવમાં ૧૦૦૦ની તેજી આવી ચૂકી છે. તો સોનાની તેજીને પગલે ચાંદીમાં બમણો ઉછાળો આવ્યો હતો. આજે ચાંદી ૧૫૦૦ રૂપિયા ઉછળીને અને ૬૮,૫૦૦ રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી ગઇ હતી.

કોરોના વાયરસનો નવો સ્વરૂપ સ્ટ્રેન હાલ સમગ્ર દુનિયાને ડરાવી રહૃાો છે અને બ્રિટનમાં તેનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહૃાુ છે. તેને જોતા બ્રિટનમાં વધુ લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી શકે છે. બ્રિટનની જેમ જાપાનમાં પણ ફરી લોકડાઉનની સ્થિતિ સર્જાઇ છે. આમ ફરી લોકડાઉનની દહેશતે પગલે કિંમતી ધાતુ સોના-ચાંદીની તેજીને ઇંધણ પૂરું પાડ્યુ છે. લોકડાઉનની આશંકાથી રોકાણકારો ફરી સેફ-હેવન મનાતા સોના-ચાંદી તરફ આકર્ષાયા છે.

આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ૦.૮ ટકા વધીને ૧૯૧૨.૭૧ ડોલર પ્રતિ ટ્રોસને સ્પર્શી ગયો હતો જે ૯ નવેમ્બર પછીનો સૌથી ઉંચો ભાવ છે. તો યુએસ ગોલ્ડ યુચર ૧.૧ ટકા વધીને ૧૯૧૬.૪૦ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદી અઢી ટકા જેટલી વધીને ૨૬.૯૮ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. પ્લેટિનમ અને પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓ પણ અડધા ટકાની મજબૂતીમાં અનુક્રમે ૧૦૭૫.૧૫ ડોલર અને ૨૪૬૧.૯૫ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.