સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ૧ વર્ષ માટે કેશુભાઈ પટેલની પસંદગી થઈ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહૃાા છે. કેશુભાઈ પટેલને ફરી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. જેથી આગામી ૧ વર્ષ માટે કેશુભાઈ પટેલની અધ્યક્ષ તરીકે પસંદગી થઈ છે. કોરોના કાળ હોવાથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સથી એક બેઠક મળી હતી, જેમાં સર્વાનુંમતે કેશુભાઈ પટેલને ફરીથી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે. સોમનાથ ટ્રસ્ટની વીડિયો કોન્ફરન્સથી મળેલી બેઠકમાં કેશુભાઈ પટેલ, પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહૃાા હતા. સોમનાથ ટ્રસ્ટની આ બેઠકમાં વર્ષ ૨૦૧૯-૨૦ના ઓડીટ કરેલા હિસાબોને લઈને ચર્ચા વિચારણા કરીને મંજૂરી આપવામાં આવી હતી. સોમનાથ મંદિરમાં ગત વર્ષે ટ્રસ્ટની આવક ૪૬.૨૯ કરોડ રૂપિયા રહી તો તેની સામે ૩૫.૮૦ કરોડનો ખર્ચ થયો હતો.

આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૨.૬૨ કરોડના કોરોના રાહત ખર્ચને બહાલી આપવામાં આવી હતી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું તેની નોંધ પણ લેવામાં આવી હતી.