સોલા સિવિલમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ ૨૫ ડિસેમ્બરથી અપાશે

  • ૪૫૦ જેટલી વ્યક્તિને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ અપાયો

 

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, અત્યારસુધીમાં ૪૫૦ જેટલા લોકોને વેક્સિનની ટ્રાયલ આપવામાં આવી છે. હવે વેક્સિનની ટ્રાયલનો બીજો ડોઝ આપવાની કામગીરી આગામી ૨૫મી ડિસેમ્બરથી શરૂ થશે, જે પૈકી કોઈમાં આડ અસર થઈ નથી. ગત ૨૬મી નવેમ્બરથી ટ્રાયલ રસી આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપ્યાને એક મહિનો થયો હોય તેમને બીજો ડોઝ આપવામાં આવશે. રોજ લગભગ ૩૦થી ૩૫ જેટલા લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. હવે ૨૫મી ડિસેમ્બરથી બીજો ડોઝ આપવાની કામગીરી કરાશે, એમ સોલા સિવિલના ડૉક્ટરો પાસેથી જાણવા મળ્યું હતું.

ભારત બાયોટેક કંપની દ્વારા બનેલી કોરોનાની વેક્સિનની ટ્રાયલ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહૃાું હતું કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને ભારત બાયોટેક કંપનીમાંથી બનેલી કોરોનાની વેક્સિનની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ૫૦૦ વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. સ્વયંભૂ વેક્સિનની ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્ણપણે સ્વસ્થ વ્યક્તિઓ, યુવાનોની પ્રાથમિક પ્રસંદગી કરવામાં આવી હતી, જેમાંથી ૪૫૦ જેટલી વ્યક્તિઓને વેક્સિનની ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આ ૪૫૦ વ્યક્તિમાંથી એકપણ વ્યક્તિને વેક્સિનની ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત ૧૦ ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર દરમિયાન સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે એ રીતે સરવે ટીમ બનાવીને કામગીરી અધિકારીઓ દ્વારા શરૂ કરાઈ છે. અગાઉ આ ડેટા ૧૭ ડિસેમ્બર સુધીમાં સરકારને મોકલી આપવાનો હતો, પણ હવે તે આગામી ૨૩ ડિસેમ્બર સુધી આરોગ્ય વિભાગનો સરવે ચાલશે અને બાદમાં તેનો ડેટા સરકારને મોકલવામાં આવશે.