સોળે કળાએ ખીલતું ગળધરાનું કુદરતી સૌંદર્ય

કાળા પથ્થરોની વચ્ચેથી પડતું – આખડતું દૂધ સમા ધોળા પાણીનું વણથંભ્યું વહેણ, વિશાળ વટવૃક્ષો, મઘમઘતા ફૂલોની સુગંધ, પક્ષીઓનો કલરવ અને કુદરતી શીતળતા! વાત કરીએ આ તસવીરમાં દ્રશ્યમાન એવા અમરેલીના ધારી નજીક આવેલા ગળધરા ખોડિયારના પ્રાકૃતિક સૌંદર્યની.અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદી ઉપર બાંધેલા ખોડિયાર ડેમની નજીક આવેલું ગળધરા ખોડિયાર જિલ્લાના રમણીય સ્થળોની યાદીમાં સૌથી ટોચ પર છે. ચોમાસામાં અહીંની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. ધારીથી ફક્ત સાત-આઠ કિમીના અંતરે આવેલો 32 મિલિયન ઘનમિટર સંગ્રહશકિત ધરાવતો ખોડિયાર ડેમ 1967 માં બાંધવામાં આવ્યો હતો. આજે લગભગ 16,675 ચો.એકર જમીન સિંચાઇ (પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના 24 ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે તેમજ વિવિધ શહેરોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.