સોશિયલ મીડિયા અંગે ભાજપ અને કોંગ્રેસમાં વળી નવો વિવાદ

ભાજપ અને કોંગ્રેસ ફરી સામસામે આવી ગયા છે ને દરેક વખતની જેમ આ વખતે પણ મુદ્દો સાવ સામાન્ય જેવો છે. કોંગ્રેસીઓ લાંબા સમયથી ટકટક કર્યા કરે છે કે, ભાજપ સોશિયલ મીડિયા મારફતે ઝેર ફેલાવે છે અને લોકોને ભરમાવ્યા કરે છે. આ મામલે કોંગ્રેસ ને ભાજપ એકબીજાને લાંબા સમયથી ભાંડ્યા કરે છે. હવે કોંગ્રેસ વતી રાહુલ ગાંધીએ પલિતો ચાંપ્યો છે કે, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા ભાજપના ખોળામાં બેસી ગયા છે ને ભાજપના નેતાઓ ઉશ્કેરણીજનક વાતો કરે છે કે ગાળાગાળી કરે છે તેની સામે આંખ આડા કાન કરીને ભાજપને અનુકૂળ આવે ને રાજકીય ફાયદો થાય એવો માહોલ પેદા કરવામાં મદદ કરે છે. રાહુલનો દાવો છે કે ભાજપ-સંઘ ફેસબુક તથા વોટ્સએપનો ઉપયોગ કરીને અપપ્રચાર ફેલાવે છે ને મતદારોને ભરમાવે છે.

કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપ વતી આઈ. ટી. મિનિસ્ટર રવિશંકર પ્રસાદે વળતો પ્રહાર કર્યો કે, કોંગ્રેસની હાલત સો ચૂહે મારકર બિલ્લી હજ કો ચલી જેવી છે. કોંગ્રેસ પોતે સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરવાના ગોરખધંધા પહેલાં જ કરી ચૂકી છે ને કેમ્બ્રિજ એનાલિટિકાના કૌભાંડમાં તેનું નામ પણ આવી ચૂક્યું છે. આ ગોરખધંધામાં ન ફાવી એટલે કોંગ્રેસ ભાજપનું વાટવા બેસી ગઈ છે. કેમ્બ્રિજ એનાલિટિકાની કબાડેબાજી 2018 માં બહુ ગાજેલી. ફેસબુકે આ કંપનીને ડેટા વેચ્યો હોવાના આક્ષેપો થયેલા. કંપનીએ તેનો ઉપયોગ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં તો કરેલો જ પણ ભારતની ચૂંટણીમાં મતદારોને ભરમાવવા માટે પણ કરેલો. કંપનીએ 2010ની બિહારની ચૂંટણીમાં પણ રાજકીય પક્ષોને પોતાની સેવા આપેલી એવું પણ કબૂલેલું. આ રાજકીય પક્ષ ક્યો તેનો ફોડ નહોતો પડાયો પણ ભાજપ તો એ પક્ષ કોંગ્રેસ જ છે એવું જોરશોરથી કહ્યા કરે છે. પ્રસાદે કેમ્બ્રિજ એનાલિટિકાની વાત કરી એટલે તેની પૂર્ભૂમિકા સમજવા આ વાત કરી લીધી.

કોંગ્રેસ ને ભાજપ વચ્ચે આ પટ્ટાબાજી ચાલતી જ હતી ત્યાં વિદેશી મીડિયાએ કોંગ્રેસની તરફદારી કરતા લેખ લખ્યા તેમાં નવો ફણગો ફૂટ્યો. આ લેખમાં ફેસબુકના જૂના કર્મચારીઓના હવાલાથી એવી વાતો લખાયેલી છે કે, ભારતમાં ધંધો કરવો હોય તો ભાજપને સાચવ્યા વિના છૂટકો નથી એટલે ભાજપ જે કઈ કરે તેની સામે આંખ આડા કાન કરવાની સૂચના અપાયેલી જ. રાહુલે ફેસબુકના નામજોગ આક્ષેપ મૂકેલો તેથી ફેસબુકે પણ ચોખવટ કરી છે કે, અમે ભાજપ કે કોંગ્રેસ એવા કોઈ ભેદભાવ રાખતા નથી ને ઉશ્કેરણી ફેલાય એવા તમામ ક્ન્ટેન્ટને પ્રતિબંધિત કરી જ દઈએ છીએ.

ફેસબુકવાળા ખુદ છતા થાય છે એ તેમને શોભતું નથી કેમ કે તેમની હાલત પણ સો ચૂહે મારકર બિલ્લી હજ કો ચલી જેવી જ છે. ફેસબુકના ધંધા બધાંને ખબર છે. ફેસબુક નાણાંના બદલામાં લોકોના ડેટા વેચવા માટે વગોવાયેલી છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં તેમણે ટ્રમ્પને મદદ કરવા ડેટા વેચેલો તેમાં તો અમેરિકામાં તેમની સામે તપાસ ચાલે છે. ફેસબુકની વાતો પર ભરોસો ન કરાય એવા બીજા પણ મુદ્દા છે પણ આપણા માટે ફેસબુક શું કહે છે એ મહત્ત્વનું નથી.

ફેસબુક તો ધંધો લઈને બેઠેલી કંપની છે. ધંધામાં નફો કરવા મોટા ભાગની કંપનીઓ આડાઅવળા ધંધા કરે છે ને પછી દૂધે ધોયેલી હોય એવો દેખાવ કરે જ છે. ફેસબુક પણ એવો દંભ કરતી હોય તો તેમાં આપણને આંચકો ન લાગવો જોઈએ ને વાસ્તવમાં તો આપણે તેની વાત જ કાને ના ધરવી જોઈએ. આપણા માટે મુખ્ય મુદ્દો કોંગ્રેસ ને ભાજપની લડાઈ છે ને આ લડાઈના સંદર્ભમાં મોટો સવાલ એ છે કે, આ મુદ્દો એટલો મહત્ત્વનો છે કે આ દેશના બે મહત્ત્વના રાજકીય પક્ષોએ તેની પાછળ આટલો બધો સમય આપવો જોઈએ? બિલકુલ નહીં. આ મુદ્દો નગણ્ય છે ને ભાજપ-કોંગ્રેસ તેની પાછળ આટલો સમય બગાડી રહ્યા છે એ જોઈને જ આઘાત લાગે છે.

કોંગ્રેસે આ મુદ્દો ઊભો કરીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ને ભાજપ પણ કોઠી ધોઈને કાદવ કાઢવામાં પોતે જ ખરડાઈ રહ્યો છે. ફેસબુક હોય કે બીજું કોઈ પણ માધ્યમ હોય, એ કંઈ સેવા કરવા માટે બેઠેલા નથી પણ ધંધો લઈને બેઠેલા છે. આ પરિસ્થિતિમાં પોતાનો ફાયદો હોય ત્યાં ઢળે જ. બીજું એ કે, આ જાહેર માધ્યમો છે ને કોંગ્રેસમાં તાકાત હોય તો એ પણ તેનો ફાયદો લઈ શકે. કોંગ્રેસ પાસે એવા પાવરધા માણસો નથી એ તેની નબળાઈ કહેવાય. તેને માટે કોઈને દોષ ન દેવાય. આ વાત નાચ ના જાને આંગન ટેઢા જેવી કહેવાય. સામે ભાજપ પણ આવી ફાલતુ વાતના જવાબ આપીને પોતાનો સમય બગાડી રહ્યો છે.

ભાજપ વર્સીસ કોંગ્રેસની આ લડાઈ એ વાતનો પુરાવો છે કે આ દેશના રાજકીય પક્ષોને લોકોની કંઈ પડી જ નથી. લોકોની સમસ્યાઓ, લોકોની તકલીફો એ બધું તેમના માટે કશું મહત્ત્વ ધરાવતા નથી. આ દેશમાં કોરોના કાળમુખો બનીને લોકોને ભરખી રહ્યો છે ને તેના કરતાં પણ વધારે ખરાબ હાલત કોરોનાના કારણે લાદવા પડેલા લોકડાઉનને કારણે થઈ છે. આર્થિક રીતે લોકો પાયમાલ થઈ ગયા છે ને કઈ રીતે ફરી બેઠા થવું એ જ સમજાતું નથી. બીજી તરફ કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે તેના કારણે બધું ડખે ચડેલું છે. લોકડાઉન હટાવી લેવાયું ત્યારે આશા હતી કે, હવે બહુ જલદી બધું થાળે પડી જશે પણ એવું થયું નથી તેના કારણે લોકોની તકલીફો વધી રહી છે. આર્થિક મોરચે ખરેખર બહુ ખરાબ સ્થિતિ છે ને દેશ માટે બે બહુ મોટા પડકાર છે. એક પડકાર કોરોનાને પતાવવાનો છે ને બીજો પડકાર આર્થિક રીતે ફરી બેઠા થઈને પગભર થવાનો છે. આ બે પડકારો વચ્ચે ચીન દ્વારા થતી સળીઓ સહિતના નાના મોટા બીજા પડકારો તો ઊભા જ છે.

આ માહોલમાં રાજકીય પક્ષોએ આ પડકારને કઈ રીતે પહોંચી વળવું એ અંગે લોકોને માર્ગદર્શન આપવાનું હોય. ભાજપ કેન્દ્રમાં સરકારમાં છે તેથી તેની જવાબદારી ચોક્કસ વધારે છે પણ કોંગ્રેસે પણ હકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવી જોઈએ. બંને પક્ષે લોકોને હૂંફ આપવાની હોય, લોકોની તકલીફો સમજીને આ તકલીફો દૂર કરવા માટેના પ્રયત્નો કરવાના હોય. તેના બદલે ભાજપ ને કોંગ્રેસ બંને એકબીજાને હલકા ચિતરવાની માનસિકતા સાથેની રાજકીય આક્ષેપબાજી અને ક્ષુલ્લક રાજકીય ફાયદા માટે વાહિયાત વાતોને મોટી કરીને વિવાદ કરવામાં પડી ગયા છે.