દેશમાં લોકસભાની ચૂંટણીને હજુ ઘણી વાર છે, પણ ભાજપને હરાવવા માટેની વ્યૂહરચના બનાવવા વિપક્ષો અત્યારથી થનગનવા માંડ્યા છે. તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ આ થનગનાટમાં મોખરે છે. રાવ તેલંગણાની ગાદી પોતાના દીકરા કે. ટી. રામારાવને સોંપીને પોતે રાષ્ટ્રીય રાજકારણમાં કૂદવા લાંબા સમયથી થનગની રહ્યા છે ને તેના ભાગરૂપે ચંદ્રશેખર રાવે દશેરાના પર્વ પર બુધવારે રાષ્ટ્રીય પાર્ટી લોન્ચ કરી દીધી.ચંદ્રશેખર રાવે પોતાની રાષ્ટ્રીય પાર્ટીને ભારત રાષ્ટ્ર સમિતિ નામ આપ્યું છે. ચંદ્રશેખર રાવે એક રીતે નવી બોટલમાં જૂનો દારૂ જ ભર્યો છે, કેમ કે તેમણે પોતાની જૂની પાર્ટી તેલંગણા રાષ્ટ્રીય સમિતિનું નામ બદલ્યું છે. તેલંગણા રાષ્ટ્રીય સમિતિ એટલે કે ટીઆરએસ હવે ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે બીઆરએસ બની ગઇ છે. તેલંગણા રાષ્ટ્રીય સમિતિ પાર્ટીના 280થી વધુ કારોબારી સભ્યો, ધારાસભ્યો અને સાંસદોએ તેલંગણા રાષ્ટ્ર સમિતિનું ભારત રાષ્ટ્ર સમિતિમાં વિલિનિકરણ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો એ સાથે જ તેલંગણા રાષ્ટ્ર સમિતિ ભૂતકાળ બની ગઈ ને ભારત રાષ્ટ્ર સમિતિ વર્તમાન ને ભવિષ્ય બની ગઈ. તેલંગણા રાષ્ટ્ર સમિતિ એપ્રિલ 2000માં બની હતી એ જોતાં 22 વર્ષ પછી તેના પાટિયાં પડી ગયાં છે.
કેસીઆર 2024 લોકસભાની ચૂંટણીમાં તમામ ભાજપ વિરોધી પક્ષોને એક કરવા મથ્યા કરે છે. આ કારણે રાષ્ટ્રીય પક્ષ બનાવતાં પહેલાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના પિનરાઇ વિજયન અને ઓડિસાના નવીન પટનાયક વગેરે ભાજપ વિરોધી નેતાઓને મળ્યા હતા.જો કે દશેરાના દિવસે રાષ્ટ્રીય પાર્ટી લોંચ થઈ ત્યારે કોઈ મોટો નેતા હાજર નહોતો. હવે કેસીઆર 9 ઓક્ટોબરે દિલ્હીમાં એક જાહેર સભાને સંબોધિત કરીને પોતાના રાષ્ટ્રીય એજન્ડાને લોકો સામે ખુલ્લો મૂકશે.ચંદ્રશેખરાવે ભાજપને ટક્કર આપવા રાષ્ટ્રીય પક્ષ બનાવ્યો છે. આ ઉપરાંત તેમની પોતાની પણ મોટી રાજકીય મહત્ત્વાકાંક્ષા છે જ ને આ કારણ તેમણે રાષ્ટ્રીય પક્ષ બનાવી લીધો છે પણ માત્ર રાષ્ટ્રીય પક્ષ બનાવવાથી રાષ્ટ્રીય સ્તરે પહોંચાતું નથી. સવાલ રાષ્ટ્રીય પક્ષનો કેવો પ્રભાવ ઊભો થાય છે તેનો છે ને અત્યારે જે સ્થિતિ છે એ જોતાં રાવના પક્ષનો રાષ્ટ્રીય સ્તરે કોઈ પ્રભાવ ઊભો થાય એવી શક્યતા નહિવત છે.
નરેન્દ્ર મોદીને ટક્કર આપવા ચંદ્રશેખર રાવ મેદાનમાં ઉતર્યા છે ને રાવ પોતે વડા પ્રધાનપદનાં સપનાં જોતાં જોતાં વિપક્ષોને એક કરવા મથી રહ્યા છે, પણ નરેન્દ્ર મોદી સામે રાવ જીતે તેની વાત તો છોડો પણ તમામ ભાજપ વિરોધી પક્ષોનો વડા પ્રધાનપદનો ચહેરો બને એ વાત પણ શક્ય નથી. રાવનું કે તેમની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિનું એવું વજન જ નથી કે રાષ્ટ્રીય સ્તરે તેમને ગણતરીમાં લેવા પડે. ભારત રાષ્ટ્ર સમિતીનો પ્રભાવ તેલંગણા પૂરતો મર્યાદિત છે અને તેંલગાણામાંથી લોકસભાની 17 બેઠકો છે. બીજા કોઈ રાજ્યમાં તેનો પ્રભાવ નથી. માનો કે ભારત રાષ્ટ્ર સમિતિ તેલંગણાની તમામ 17 બેઠકો જીતે તો પણ 17 બેઠકોના જોરે નીતીશ દેશના વડા પ્રધાન ના બની શકે.
હકીકતમાં ચંદ્રશેખર રાવ જ નહીં પણ નીતીશકુમાર કે બીજા કોઈની પણ મોદીને ટક્કર આપવાની તાકાત નથી. છેલ્લા કેટલાક સમયથી વડા પ્રધાનપદ માટે થનગનતા જે પણ નેતાઓનાં નામ ચર્ચામાં છે એ બધા નેતાની હાલત તેલંગણાના કે.સી. ચંદ્રશેખર રાવ જેવી જ છે. જેમને પણ વડા પ્રધાનપદનો ચહેરો ગણાવાય છે તેમાંથી કોઈની પણ ત્યાં સુધી પહોંચવાની હેસિયત નથી. શરદ પવાર, સહિતના તમામ નેતાઓને આ વાત લાગુ પડે છે.પ્રાદેશિક પક્ષમાંથી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ કાગળ પર તો કાગળ પર વડા પ્રધાન બની શકે તેમ છે પણ તેની કોઈ ચર્ચા કરતું નથી. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે અને લોકસભાની 80 બેઠકો યુપી એકલામાંથી છે. એ શક્ય તો નથી પણ માનો કે, અખિલેશની સપા સપાટો બોલાવીને યુપીમાંથી 70થી વધારે બેઠકો જીતી લાવે તો અખિલેશ વડા પ્રધાન બની શકે. તેનું કારણ એ કે, અખિલેશ 70 બેઠકો જીતે તો ભાજપની બેઠકોમાં મોટું ગાબડું પડે, તેને બહુમતી ના મળે.
આ સંજોગોમાં અખિલેશ માટે વડા પ્રધાન બનવાના ચાન્સ કાગળ પર છે. વાસ્તવિક રીતે એ શક્ય નથી લાગતું પણ નીતીશ, કેસીઆર વગેરે માટે તો કાગળ પર પણ એ શક્ય નથી લાગતું. કેસીઆરની દક્ષિણનાં રાજ્યોમાં જ સંપૂર્ણ સ્વીકૃતિ નથી ત્યાં રાષ્ટ્રીય સ્તરે તેમને કોઈ ના સ્વીકારે. દક્ષિણનાં ચારેય પાંચેય રાજ્યો જ કેસીઆરની પડખે નથી ત્યારે આખો દેશ તેમના પડખે ઊભો રહે એ શક્યતા નહિવત છે.કેસીઆરની વિરૂધ્ધ તો બીજો પણ એક મુદ્દો છે. કેસીઆરની પાર્ટીની હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી સાથે સાંઠગાંઠ છે. ભારતમાં હિંદુત્વનો પ્રભાવ હજુ ઓસર્યો નથી. હિંદુવાદીઓ કોંગ્રેસને મત નથી આપતા કેમ કે કોંગ્રેસની છાપ મુસ્લિમ પાર્ટી તરીકેની છે. અસદુદ્દીન ઓવૈસી તો હિંદુવાદીઓને દીઠા ગમતા નથી એ જોતાં ઓવૈસી કનેક્શનના કારણે હિંદુવાદી કેસીઆરને મત ના આપે. અત્યારે ભાજપનો વિકલ્પ બનવું હોય એ પક્ષે હિંદુ મતદારોને પોતાની તરફ કરવા જરૂરી છે. અરવિંદ કેજરીવાલ આ કારણે જ હિંદુત્વનો રાગ છેડે છે. ટૂંકમાં ઓવૈસીના કારણે કેસીઆરની તકો ઓછી છે.
પણ સૌથી મોટો મુદ્દો એ છે કે, ભારતમાં વધુ એક રાષ્ટ્રીય પક્ષ ઊભો કરવો સરળ નથી. ભૂતકાળમાં માયાવતીએ બહુ પ્રયત્ન કરી જોયાં પણ બહુજન સમાજ પાર્ટી કદી રાષ્ટ્રીય પાર્ટી બની જ ના શકી. અત્યારે હાલત એ છે કે, માયાવતીનો જ્યાં દબદબો હતો એ ઉત્તર પ્રદેશમાં પણ બહુજન સમાજ પાર્ટીના અસ્તિત્વ સામે ખતરો છે. શરદ પવારે પણ પોતાની એનસીપીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવા બહુ પ્રયત્ન કર્યા પણ ફાવ્યા નથી. પવાર માટે પણ મહારાષ્ટ્રમાં અસ્તિત્વ ટકાવવું અઘરું થઈ ગયું છે. હવે કેસીઆર પણ રાષ્ટ્રીય પાર્ટીનો તંબૂ તાણીને બેઠા છે ત્યારે તેમની હાલત પણ માયાવતી અને પવાર જેવી ના થાય તો સારું.