સૌરાષ્ટ્રમાં ‘મેઘ કહેર: નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કરતાં અનેક ગામો સંપર્ક વિહોણા

હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહૃાાં છે. જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના મોટાભાગના જળાશયો છલકાયા હોવાથી કાંઠા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની ઘેલો, કાલુભાર અને કેરી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાયી છે. જેના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ગીર-સોમનાથમાં ભારે વરસાદના પગલે ઝૂડવડલી ગામોમાં નદીના પાણી ઘૂસી ગયા છે. આટલું જ નહીં ખેતરોમાં પણ નદીના પાણી ફરી વળતા ડુંગળી, મગફળી અને કપાસનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
જો જામનગરની વાત કરીએ તો અહીં ૧૩ કલાકમાં ૮ ઈંચ વરસાદ પડવાથી શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યાં છે. ભારે વરસાદના પગલે જિલ્લા કલેક્ટરની કચેરી અને તાલુકા પંચાયતની કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. આ સિવાય ગવર્મેન્ટ કોલોની, સાંસદ પૂનમ માડમના મકાન અને જજીસ બંગલો સુધી વરસાદી પાણી ઘૂસી ગયા હતા.
આ વર્ષે પ્રથમ વખત એવું થયું છે કે, જે વિસ્તારોમાં ક્યારેય પણ વરસાદના પાણી ભરાવાની સમસ્યા નહતી સર્જાતી. એવી સોસાયટી અને વિસ્તારોમાં જળમગ્ન બન્યા છે.
બીજી તરફ જિલ્લાના ૬ તાલુકાઓમાં ગત ૨૪ કલાક દરમિયાન દોઢથી નવ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વસઈ વિસ્તારમાં પડ્યો, જ્યાં ૨૪૫ મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ૪૨ મિલીમીટર વરસાદ ધ્રોલ પંથકમાં નોંધાયો છે.
જામનગર શહેરની સાથે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘ કહેર જોવા મળ્યો હતો. સ્થિતિ એવી સર્જાઈ છે કે, ખેતરોમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહૃાું છે. જેના કારણે જગતનો તાત ચિંતિત છે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહૃાો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે જામરાવલ ગામ બેટમાં ફેરવાયું છે. વર્તુળ ડેમના ૧૬ દરવાજા ૬ ફૂટ સુધી ખોલવામાં આવતા જામ રાવલ ગામમાં પાણી ફરી વળ્યા હતા. ગામના બજારો, ખેતરો અને લોકોના ઘરોમાં ૩ થી ૪ ફૂટના પાણી ભરાઈ ગયા છે.