સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ખેડૂતો થયા ખુશખુશાલ

સૌરાષ્ટ્રમાં આજે છૂટાછવાયા હળવા-ભારે ઝાપટા વચ્ચે ભાણવડમાં એક ઈંચ તો પોરબંદર, દ્વારકા અને રાણાવાવમાં અડધા ઈંચ જેવા વરસાદથી માર્ગો પાણી-પાણી થયા હતા. બીજી બાજુ મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળતા ખેડૂતો વાવણીકાર્યમાં જોડાયા હતા. લીલા દુષ્કાળનો ભય ફેલાવ્યા બાદ અંતે સૌરાષ્ટ્રમાં ગઈકાલથી મેઘરાજાએ વિરામ લેતાં લોકોએ હાંશકારો અનુભવ્યો છે. જો કે આજે પણ તડકા-છાંયાનાં વાતાવરણ વચ્ચે રાજકોટ, જામજોધપુર, કલ્યાણપુર, માણાવદર, વંથલી, વાંકાનેર, જોડિયા, લાલપુર, ઉપલેટા, જેતપુર, પાલીતાણા, ઉમરાળા, લખતર વગેરે શહેરો-ગામોમાં હળવા-ભારે ઝાપટાએ માર્ગો ભીનાં કર્યા હતા.

સૌરાષ્ટ્રમાં ૧૫-૨૦ દિવસનાં અવિરત વરસાદ બાદ આખરે ગઈકાલથી વરાપ નીકળતા રાહતનો શ્ર્વાસ લઈને આજથી ધરતીપુત્રો ખેતીકાર્યમાં જોતરાઈ ગયા હતા. બીજી તરફ રાજકોટ, મોરબી અને દ્વારકા જિલ્લાના મોટાભાગનાં વિસ્તારોમાં આજે વરસાદી પાણી ઓસર્યા હતા. ભાદર ડેમના પુરનાં પાણી પોરબંદરના ઘેડ પંથકમાં આજે પણ જોવા મળ્યા હતા. રાજકોટ શહેરમાં આજે દિવસ દરમિયાન મેગાવી માહોલ બાદ બપોર બાદ અનેક વિસ્તારોમાં જોરદૃાર વરસાદી ઝાપટાં વરસતા ચારે બાજુ વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી.

હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ૨૪ કલાક દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અલબત્ત છેલ્લા કેટલાક દિવસથી અવિરત મેઘવર્ષા બાદ આજે સવારથી વાતાવરણમાં ઉઘાડ નીકળતા ખેડૂતોને રાહત થઈ હતી. સૂર્યદેવના તેજસ્વી કિરણો ખેતરોના લીલાછમ મોલ ઉપર પથરાઈ જતાં સોનાવરણી સીમનો માહોલ જોવા મળ્યો હતો.