સૌરાષ્ટ્રમાં વરસાદ: બાબરામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

  • કપાસ, મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું

    સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. અસહૃા બફારાને કારણે સૌરાષ્ટ્રવાસીઓ અકળાયા છે. ત્યારે બાબરા તાલુકામાં સતત ચોથા દિવસે આજે બુધવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે કપાસના પાકનો સોથ વળી ગયો છે. તેમજ ખેતરોમાં ઉપાડેલી મગફળીના પાથરા પણ પલળી જતા મોટી નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. આ વર્ષે ખેડૂતોના તૈયાર પાક પર વરસાદ વરસતા ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ કોડીનારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
    કોડીનાર અને આસપાસના ગામડાઓમાં આજે ધીમી ધારે વરસાદ વરસતા કપાસ અને સોયાબીનના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. ગીર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કોડીનારના ઘાટવડ, નગડલા, સિંધાજ, અરણેજ સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદૃથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહૃા ગરમીમાંથી રાહત મેળવી છે.
    ગીર પંથકમાં પણ આજે ચોથા દિવસે વરસાદ વરસ્યો છે. ગીરગઢડા, ઉના, તાલાલા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસુ પાકની સાથોસાથ શિયાળું પાકની પણ ખેડૂતોમાં ચિંતા છે. ગીરના જામવાળા, સનવાવ, ઘાંટવડ, વેળાકોટ, ભેટાળી, કોડીધ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
    ગઈકાલે બુધવારે પોરબંદરના રાણાવાવમાં ચાર કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આથી શહેરના રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા. તેમજ ધારીમાં પણ એડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.