સ્ટેચ્યુ ઓફ યુનિટી દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મૂકાશે

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગત માર્ચના ત્રીજા અઠવાડિયાથી કોરોનાની મહામારીના કારણે પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. જે આગામી દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકાશે તેમ જાણવા મળ્યું છે. તેની સાથે સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુના પ્રકલ્પો પણ ફરી શરૂ થશે.

આમ પણ આગામી ૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક્તા દિવસની ઉજવણી માટે આવનાર છે. જે માટે તંત્ર દ્વારા પ્રવાસીઓને આવકારવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જો કે, કોવિડની તમામ ગાઈડલાઈન સાથે દર કલાકે લિમિટેડ પ્રવાસીઓને જ પ્રવેશ અપાશે. તેમજ કોવિડ ૧૯ની તમામ ગાઈડ લાઈનનું પાલન કરાવવામાં આવશે. કોવિડની મહામારીમાં લોકો ૭ મહિનાથી ઘરે જ હતા. ત્યારે આ પ્રવાસન સ્થળ ખુલતા પ્રવાસીઓ કેટલી સંખ્યામાં આવશે એ જોવું રહૃાું.

કેમ કે કોવિડની ગાઈડલાઈન મુજબ આખા દિવસમાં ૨૬૦૦ પ્રવાસીઓને જ એન્ટ્રી આપવામાં આવશે. જેમાં વ્યૂઈંગ ગેલેરીમાં માત્ર ૫૦૦ લોકોને જ એન્ટ્રી અપાશે ત્યારે એ પૈકી કેટલા પ્રવાસીઓ અહીંયા આવશે એ બાબતે સ્ટેચ્યૂ ખુલ્લું મુકાયા બાદ જ ખબર પડશે.