સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ૫૬૨ રજવાડાનું મ્યૂઝિયમ બનાવવા થઇ કમિટીની રચના

વડાપ્રધાન મોદીના વચન મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દેશના રજવાડાઓનું મ્યુઝિયમ સાકાર થવા જઇ રહૃાું છે. તેના કમિટિની રચના પણ કરી દેવાઇ. જેમાં દેશભરના રાજવી પરિવારનો સભ્યોનો સમાવેશ કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે પીએમ મોદીએ જાહેરમંચ પરથી કહૃાું હતું કે અહીં ૫૬૨ રજવાડાઓના ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનશે. ત્યાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશની આઝાદી બાદ ૫૬૨ દેશી રજવાડાઓનું દેશમાં વિલીનીકરણમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલેની ભૂમિકા યાદ કરી હતી.

સીએમ રુપાણીએ સરદાર પટેલે કરેલા અખંડ રાષ્ટ્રના નિર્માણ અને રજવાડાઓની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણની વાત કરી હતી. હવે ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ૫૬૨ દેશી રજવાડાઓનું મ્યુઝિયમ તૈયાર કરવા એક સમિતિની રચના કરી છે. એ સમિતિમાં દેશ ભરના રાજવી પરિવારના સભ્યો સહિત ઉચ્ચ સરકારી અધિકારીઓની નિમણૂક કરાઈ છે.

આ મ્યુઝિયમની કામગીરી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી મારફતે કરવાની છે. દેશના ૫૬૨ જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.