સ્વતંત્રતા દિવસે પીએમ મોદીના કાર્યક્રમને ૧૩.૩ કરોડ લોકોએ ટીવી પર નિહાળ્યો

  • ટીવી પર આ કાર્યક્રમ ૪.૬૪ અરબ મિનિટ સુધી જોવાનો એક અનોખો રેકોર્ડ બની ગયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉન દરમિયાન રેટિંગ સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. નીલસન એન્ડ બ્રોડકાસ્ટ ઓડિયન્સ કાઉન્સિલના પ્રેઝન્ટેશનમાં સ્વતંત્રતા દિવસે મોદીના કાર્યક્રમને ટેલીવિઝન પર ૪.૬૪ બિલિયન એટલે કે ૪.૬૪ અરબ મિનિટ સુધી જોવાનો એક અનોખો રેકોર્ડ બની ગયો છે. આ પહેલા કાર્યક્રમ ૨૦૧૮માં ૩.૫૯ અરબ મિનિટ અને ૨૦૧૯માં ૩.૨૮ અરબ મિનિટ જોવાયો હતો. મોદીના દર્શકોએ આ વર્ષે ૧૫૨ મિનિટના ભાષણને જોયું હતું.

એટલું જ નહીં, દર્શકોની સંખ્યા પણ વધી છે. આ વર્ષે ૧૩.૩ કરોડ લોકોએ કાર્યક્રમ નિહાળ્યો, જ્યારે ૨૦૧૮માં ૧૨.૧ કરોડ અને ૨૦૧૯માં ૧૦.૯ કરોડ લોકોએ જોયો હતો. આઈએએનએસ એ ૨૭ ઓગસ્ટે બીએઆરસી પ્રમુખ સુનીલ લુલ્લા દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટના ૧૧માં સંસ્કરણની સમીક્ષા કરી હતી. જેમાં અનેક રોચક જાણકારી પણ સામે આવી.

રિપોર્ટ અનુસાર, મોદીને લઈને ઉત્સાહ માત્ર સ્વતંત્રતા દિવસના ભાષણ જ નહીં પરંતુ કોવિડ-૧૯ના પહેલા ભાષણથી લઈને ૩ જુલાઈના રોજ લેહમાં જવાનો શહીદ થયા ત્યાં સુધી આપેલા સંબોધન અને અન્ય ભાષણોમાં પણ જોવા મળ્યો. કોરોના મહામારી પર ૧૯ માર્ચે આપેલા પ્રથમ સંબોધનને ૧.૨૭૫ અરબ મિનિટ સુધી ૮.૩ કરોડ લોકોએ જોયું. ૨૪ માર્ચે આ સંખ્યા બેગણી થઈ પરંતુ ત્રીજા સંબોધનમાં ઘટાડો થયો હતો.