અમરેલી ,
લોકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવતા સ્વાગત કાર્યક્રમનાં 20 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત રાજયમાં સ્વાગત કાર્યક્રમની શરુઆત આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ, અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયો હતો. તાલુકા સ્વાગતમાં ઉકેલ ન આવ્યો હોય અથવા તાલુકા વહીવટી તંત્રની સત્તા બહાર હોય તેવા જિલ્લા સ્તરના કુલ 19 જેટલા પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતુ. જિલ્લા કલેક્ટરશ્રી દહિયાએ સરકારી પડતર ખરાબાની જમીનમાં આવેલ જાહેર રસ્તો બંધ કરવા, પ્રધાનમંત્રી આવાસ યોજના, નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા, મફત પ્લોટની જમીનમાં અનઅધિકૃત્ત દબાણો દૂર કરવા સહિત અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લા સ્વાગતમાં જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ સંબંધિત અધિકારીશ્રીઓને અરજદારોના પ્રશ્નોના નિરાકરણ થાય તે માટે ઘટતું કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા ઉપરાંત રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ નિયમિત રીતે યોજવામાં આવે છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવે તે પ્રશ્નોનું ત્વરાથી હકારાત્મક રીતે નિરાકરણ થાય તે માટે સવિશેષ પ્રયાસ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંઘ, અમરેલી પ્રાંત અધિકારીશ્રી દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા .