હજારોને રોજગારી આપતી સિન્ટેક્ષ કંપની લુખ્ખાઓથી ત્રાહીમામ

  • કોરોનાને કારણે દેશભરની સાથે અમરેલી જિલ્લામાં પણ મંદીનો માહોલ છે તેવા સંજોગોમાં સામે આવેલી વિગતોથી ખળભળાટ
  • કોરોનાના કપરા સમયમાં પણ જાફરાબાદના લુણસાપુરમાં આવેલ સિન્ટેક્ષ કંપની 4 હજાર જેટલા લોકોને રોજગારી આપી રહી છે તેને અસામાજિકો હેરાન કરે છે
  • રાજકીય પીઠ્ઠુઓ લાયકાત વગરના સગા વ્હાલાઓને ભરતી કરાવવા કંપની સામે દુષ્પ્રચાર કરે છે : કંપનીના ફેકટરી મેનેજરશ્રી બિપીન બિહારીદાસની રજુઆતથી ખળભળાટ

અમરેલી,કોરોનાની મહામારીમાં લોકો રોજગારી માટે ટળવળી રહયા છે ત્યારે અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે ચાર હજાર કરતા વધારે લોકોને રોજગારી આપતી સિન્ટેક્ષ કંપનીને આ વિસ્તારના અસામાજિક તત્વો પોતાના લાયકાત વગરના સગા વ્હાલાઓને ભરતી કરાવવા માટે અને કંપનીને ખંખેરવા કંપની સામે ખોટા પ્રચાર કરી રાજકીય પીઠબળથી કંપની બંધ થાય તેવા પ્રયાસો કરી રહયા હોવાનું ફેકટરીના મેનેજર શ્રી બિપીન બિહારીદાસએ જણાવતા ખળભળાટ મચી ગયો છે.
કંપનીએ જણાવ્યુ છે કે લુણસાપુર ગામે આવેલ સીન્ટેક્ષ કંપનીમાં એચઆર અને એડમીન જેવા મુખ્ય વિભાગોમાં ઉચ્ચપદો જેવા કે મેનેજર, સુપરવાઇઝર, ઓફીસર વગેરે સ્થાનો પર બેઠેલા 32 ગુજરાતી ભાઇઓ બહેનો નોકરી કરે છે અને ફેક્ટરી મેનેજર બિપીન બિહારીદાસ કે જેઓ 1996થી ગુજરાતમાં વસવાટ કરે છે. તેમની સાથે ઉભેલા માત્ર 12 કર્મચારી પરપ્રાંતીય છે. કુલ 37માંથી 32 કર્મચારીઓ ગુજરાતી છે. જે કંપનીનાં મુખ્ય વિભાગોમાં ઉચ્ચ પદ પર નોકરી કરે છે. એમએચએનાં નિર્દેશોનું સીન્ટેક્ષ કંપની દ્વારા ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં કોરોના વૈશ્ર્વિક મહામારીનાં પગલે જ્યારે લોકોને રોજગાર નથી મળી રહ્યું ત્યારે સીન્ટેક્ષ કંપની દ્વારા 400 ગુજરાતી ભાઇઓ બહેનોની ભરતી કરવામાં આવેલ છે. જેમાં સ્થાનિક રોજગાર, કાયદો 1960નાં નિતી નિયમોનું પાલન કરવામાં આવેલ છે. હાલ કંપનીનાં રોજગાર કચેરીનાં રેકોર્ડ મુજબ 4246 લોકો નોકરી કરે છે. કોરોનાની મહામારી છતા જેમાં સ્થાનિક રોજગાર કચેરીનાં દીશા નિર્દેશો મુજબ સ્થાનિક રોજગારીની ટકાવારી જાળવવામાં આવે છે. કોરોના મહામારીનાં પગલે કંપની આશરે 4000 લોકોને રોજગારી આપી રહી છે ત્યારે અમુક અસામાજીક તત્વો કે જેઓ રાજકીય પીઠબળ ધરાવે છે તેઓ પોતાનાં સ્વાર્થી હીતો ન સંતોષાતા આસપાસનાં લોકોને કંપની વિશે દુશપ્રચાર કરી ગેરમાર્ગે દોરવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. આવા અસામાજીક તત્વો ગેરલાયક પોતાનાં સગા વ્હાલાને કંપનીમાં ઉચ્ચ પદો પર ભરતી કરાવા માટે દરરોજ સ્થાનિક વર્તમાન પત્રોમાં કંપની વિરૂધ્ધમાં ખોટા અહેવાલો પ્રદર્શિત કરાવે છે. આ અહેવાલ સાથે એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે આ કંપની 2016થી સ્થાનિક લોકોને રોજગાર આપવામાં પ્રાથમિકતા આપે છે. તો આવા અહેવાલોથી ગેરમાર્ગે દોરાવું નહી. સ્થાનિક રોજગારને પ્રાથમિકતા આપવામાં આવે છે જેની ખાતરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલી દ્વારા કરવામાં આવેલ છે. જે આ અહેવાલમાં સ્પષ્ટ દેખાય છે. તેમ કંપની સુત્રોએ જણાવ્યું છે.