હજુ પણ જો લોકો સમજશે નહિ તો કોરોના વિકરાળ થશે

એકલી સરકાર કોરોનાને કંટ્રોલ કરી શકે એમ નથી. એક તો કોરોના છે જ એવો વાયરસ કે કોઈનાથી પણ કાબૂ થતો નથી. દુનિયાના મોટા ભાગના દેશોએ હવે મોડે મોડે પણ નવા લોકડાઉનની શરૂઆત કરી દીધી છે. અમેરિકાની વાત જુદી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રજાની અકારણ કસોટી કરે છે. વિશ્વના અરધા ઉપરાંતના લોકો પોતાના ઘરમાં ફરી પૂરાઈ જવા લાગ્યા છે. કોરોનાને ફેલાઈ જવાની પ્રક્રિયામાં પૃથ્વી પરના મનુષ્યોની ગતિવિધિઓ બહુ જ ઉપકારક છે. એટલે જ્યાં સુધી આખું જગત ‘ઈસ્ટોપ’ ન થઈ જાય ત્યાં સુધી કોરોનાની આગેકૂચ ચાલુ રહેવાની છે. આપણા દેશમાં એવો બહુ મોટો વર્ગ છે જે કોરોનાને હજુ પણ હળવાશથી લે છે. તેઓ એમ માને છે કે ઠંડી વધશે અને ઉષ્ણતામાન નીચું જશે એટલે કોરોના ગાયબ થઈ જશે. કોરોના એક અચાનક આવેલું સંકટ છે. પરંતુ એ બહુ ઝડપથી ગાયબ થવાની શક્યતા નથી. હજુ તો કોરોનાને નાથવા માટેની ઔષધીય પ્રણાલિકાઓ તૈયાર કરવા માટેના સંશોધનો ચાલે છે.

આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવું જ આ કામ છે. જો કે એમાં માણસ જાતનો વાંક નથી, કારણ કે કોરોના આવો સર્વવ્યાપક રોગચાળો હશે એની કોઇએ કલ્પના કરી ન હતી. જેઓ સરકારના નિયમોનું પાલન કરતા નથી તેમનો સરકારને અને સમાજને અસહકાર તથા કોરોનાને સહકાર છે તે જ રીતે લોકડાઉનનો ભંગ કરનારા બધા પણ એ જ વ્યાખ્યામાં આવે છે. સમગ્ર દેશમાં લોકડાઉનનો અકારણ ભંગ કરનારાઓ પારાવાર છે. તેઓ જ હકીકતમાં કોરોના માટે રેડ કાર્પેટ વેલકમ કરનારા પરિબળો છે. જ્યાં સુધી સરકાર આવા પરિબળો પર પૂરેપૂરો અંકુશ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી કોરોના પર અંકુશ મેળવવાનું કામ અસંભવ છે.
દરરોજ દરેક રાજ્યમાં ઓછામાં ઓછા દસ હજાર લોકો તો પોલીસના હાથે એવા ઝડપાય છે, જેઓ કોઈ જ કારણ વિના ઘરની બહાર લટાર મારવા નીકળે છે.

એ તો જગ જાહેર છે કે ભારતીય પ્રજાનો જાહેર શિસ્તનો ગ્રાફ બહુ નીચે ગયેલો છે. અત્યારે સરકાર પાસે સમય નથી. દેશના કેટલાક વિસ્તારોમાં એટલે કે ચોક્કસ ભૌગોલિક પરિક્ષેત્રોમાં કોરોના વાયરસ ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયો છે. એની ગતિ હજુ વધી નથી પણ એ જ વિસ્તારોમાં એની ઝડપ વધશે એવી ટોચના તબીબોએ દહેશત વ્યક્ત કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દેશની કુલ હજારો ખાનગી હોસ્પીટલો પોતાના હસ્તક લઈ લેવાની તૈયારી અને અંશતઃ શરૂઆત પણ કરી છે જેને કારણે દેશમાં સંભવિત કોરોના કેસ વધારાને પહોંચી શકાય. તો પણ એ તો સહુ જાણે છે કે ઈટાલી, અમેરિકા અને સ્પેનની તુલનામાં ભારતીય આરોગ્ય સેવાઓની ઘણી મર્યાદા છે.

કોઈ એક જ ધર્મ કે સંપ્રદાયનો વાંક જોવાને બદલે હવે એ જોવાની જરૂર છે કે દેશવિદેશથી જુદા જુદા કારણસર આવેલા અને કોરોના સંક્રમિત કેટલાક લોકો આખા દેશમાં ફેલાઈ ગયા હોવાની સરકારને દહેશત છે. સરકાર હજુ થોડા સંક્રમિતોને જ અન્ડરલાઈન કરી શકી છે. દેશની વિવિધ હોસ્પિટલોમાં તબીબી કર્મચારીઓ અને પોલીસ સાથે ગેરવર્તન કરનારાઓ તરફ સરકાર હવે કડક બની છે. દેશમાં પોતાને છુપાવતા સંક્રમિતો સામે આકરા પગલા લેવા તમામ ધર્મની અનેક સંસ્થાઓએ સરકારને અનુરોધ કર્યો છે. પરંતુ સંક્રમિતોને ઓળખવાની બાબતમાં બધા જ બહુ મોડા પડ્યા છે અને આવા અનેક સંક્રમિતોના ખભા પર બેસીને કોરોના વાયરસે ભારતની આંતરિક લાંબી સફર પાર કરી છે, જેના પુરાવાઓ હવે તબક્કાવાર સપાટી પર આવવા લાગ્યા છે. કારણ કે વિદેશના અને દેશના અલગ અલગ સ્થળેથી આવ્યા પછી આ સંક્રમિતો કોના કોના સંપર્કમાં આવ્યા હતા એની ગમે તેટલી છાનબીન કરો તો પણ એનું પૂરું લિસ્ટ તો બનવાનું જ નથી.

કોરોના વાયરસ જે મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે ત્યાં જાણે કે એ પોતાનું હેડક્વાર્ટર બનાવી લે છે અને તરત જ તો એ મનુષ્યમાં રોગના લક્ષણો તો દેખાતા નથી, એટલે એ સમયગાળામાં કોરોના એ જ ચેપગ્રસ્તને માધ્યમ બનાવીને બીજા અનેકોના શરીરમાં પોતાની નવી નવી ‘બ્રાન્ચ’ ઓપન કરે છે. જ્યાં આવી બ્રાન્ચ ઓપન થાય છે એની જિંદગીના તો પાટિયા ઉતરી જાય છે પણ બીજાય અનેકને એ ક્લોઝ કરવાની જાળ પાથરે છે. આ આખીય કોરોનાની રાક્ષસી વ્યાપકતાને ભેદવાનો એક જ ઉપાય છે કે કોરોના જે શરીરમાં હોય ત્યાંથી એને બીજા શરીરનું અનુસંધાન ન મળે. એ તો જ સંભવ છે કે ચેપગ્રસ્ત દરદીને કોઈ ટાપુ પર એકાન્તમાં મોકલી દેવામાં આવે. આઈસોલેશન એ ખરેખર તો એવા દરદી જ્યાં છે ત્યાં ટાપુ જેવી સ્થિતિ ઊભી કરવાની જ વ્યવસ્થા છે.

એ જ રીતે ક્વોરેન્ટાઈનનો આપણે સમજવાનો અર્થ એ છે કે જે વિસ્તાર કે સોસાયટીને ક્વોરેન્ટાઈન કરવામાં આવે તેમાં કોરોનાએ ત્યાં રહેલા લોકોમાંથી કેટલાકના શરીરમાં પોતાનો મુકામ કર્યો હોવાની દહેશત હોય છે. ક્વોરેન્ટાઈનનો સમયગાળો એટલો જ રાખવામાં આવતો હોય છે જેટલો છુપાયેલા કોરોનાને જાત છતી કરવામાં સમય લાગે. સેલ્ફ ક્વોરેન્ટાઈનનો પણ મહિમા છે અને એના બે પ્રકાર છે. જેને પોતાના શરીરની ગતિવિધિ પરથી ચિંતા થાય એ જાતે જ સમજીને વાયરસ શરીરમાં હયાત છે કે નહિ એની ખાતરી થતાં સુધી બધાથી અલગ રહે અને શક્ય હોય તો પોતાની જાત સરકારી તંત્રને સોંપી દે. એ ઉપરાંત જે પરિવાર, સોસાયટી, એપાર્ટમેન્ટ કે વસાહતને કોરોના સામે જાગૃત રહેવા આગોતરા પગલા લેવા હોય તેઓ પણ પોતાની ચોક્કસ ટેરીટરીને સેલ્ફ ક્વોરેન્ટાઈન જાહેર કરે અને પછી ત્યાં કોઈને પણ આવવા દે નહિ. ભારતમાં જો કોરોના હજુ પણ આગળ વધશે તો આવા અને સેલ્ફ ક્વોરેન્ટાઈન પણ જોવા મળશે જેની ઠેર ઠેર શરૂઆત તો થઈ ગઈ છે.

ભારતીય પ્રજાને અત્યારે ગંભીરતાની જ જરૂર છે. આમ તો જીવન સમગ્ર એક ગંભીર ઉપક્રમ છે. એમાં નવેનવ રસ છે, નવરંગનું મેઘધનુ છે અને આનંદ પણ છે. પરંતુ અત્યારે જીવનના સર્વ સામાન્ય ક્રમમાં પલટો આવ્યો છે. સમય એટલે કે કાળ બદલાઈ ગયો છે. આ બદલાયેલા સમયને ઓળખીને, એને આત્મસાત્ કરીને જેઓ ગંભીરતાપૂર્વક એકેએક નિર્ણય લેશે અને અતિશય સાવધાન રહેશે તેમને માટે જ ભવિષ્ય નિશ્ચિત છે, એ સિવાય કોરોનાને હળવાશથી લેનારા લોકોનું ભવિષ્ય નિશ્ચિત રીતે અનિશ્ચિત છે. સરકાર કેટલોક ભય બતાવે ? એની પણ મર્યાદા છે. કેટલા દંડા પછાડે ?

એક સમય તો એવો પણ આવે છે કે સરકાર ઘરે ઘરે રાશન આપવા આવે ત્યારે એ લેવા માટે બારણું ઊઘાડતા પણ લોકો ડરે છે. ઈટાલિયન પ્રજાનો આ અનુભવ છે. ભારતે જો કે છેક એવી અવદશા સુધી જવાની નોબત નહિ આવે. પરંતુ એ માટે પ્રજાનો પોતાનો પુરુષાર્થ અને સમજ તથા આત્મશિસ્ત જેટલા કામમાં આવશે એટલી હોસ્પિટલો કામમાં ન આવી શકે. દેશની બહુસંખ્ય જનશક્તિ જો આત્મસંયમથી વર્તે તો જ કોરોનાને દેશનિકાલ કરી શકાય એમ છે. વડાપ્રધાને કહ્યું કે આ લાંબી લડાઈ છે… એમના આ એક વાક્યમાં જ બધું આવી જાય છે. તેજીને ટકોર હોય, આથી વધુ શું કહેવું…?

હવે દેશમાં ચારે બાજુથી સાવચેતીની ઘંટડી વાગવા લાગી છે કે ભારત ત્રીજા સ્ટેજમાં પ્રવેશ્યું કે પ્રવેશશે. સામુદાયિક સંક્રમણની ઘટનાઓની દહેશત સેવાઈ રહી છે. અત્યારે દેશના જે જે વિસ્તારો માટે હોટસ્પોટ શબ્દ પ્રયોજવામાં આવે છે એ જ સામુહિક સંક્રમણના સંભવિત સ્થાનો હોય છે. કોરોના માનવ શસ્ત્રો શરીરના ઉપયોગથી આગળ વધે છે ને ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં વસતા લોકોના શરીર પર પકડ જમાવે છે. આમ તો આવનારા બે દિવસ અને વધુમાં વધુ એક સપ્તાહમાં નક્કી થઇ જશે કે ભારત કોરોનાના ભીષણ આક્રમણમાંથી બચી ગયું છે કે સપડાઈ ગયું છે. હજુ પણ લોકજાગૃતિ ઓછી છે ત્યાં સુધી કોરોનાનું સ્થળાંતર અને ફેલાવો ચાલુ રહેવાની શક્યતા છે. હોસ્પિટલમાંથી નાસી જવું અથવા તો વિદેશથી આવ્યા હોવા છતાં પોતાની જાત છુપાવવી અને સુરક્ષાકર્મીઓ સાથે રકઝક કરવી આ બધા કોરોનાને પ્રોત્સાહન આપવાના જ લક્ષણો છે. જો એક વખત કોરોના ઝડપ પકડે તો પછી તેને પહોંચી વળવાનું કામ કેટલું કપરું છે એ માટે દુનિયામાં અનેક દૃષ્ટાન્તો આપણી નજર સામે છે.