હજુ રાજસ્થાન કોંગ્રેસનો આંતરિક ગજગ્રાહ થાળે પડે એમ લાગતું નથી

રાજસ્થાન કોંગ્રેસનો આંતરિક વિવાદ એક જાહેર ભડકો થઈ ગયા પછી હજુય કંઈ એનો તાપ શાન્ત થયો નથી. રાજસ્થાન કૉંગ્રેસમાં અશોક ગહલોત વર્સીસ સચિન પાઈલટનો જંગ હાઈકોર્ટમાં પહોંચ્યો છે ને હવે હાઈકોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે. ગહલોત સચિન પાઈલટને સાવ નવરા કરી દેવા મચી પડ્યા છે ને રાજસ્થાનના રાજકારણમાંથી તેનો કાંટો જ કાઢી નાંખવા માગે છે. પાઈલટ અને તેના સાથીઓ રાજસ્થાન વિધાનસભાના સભ્ય જ ન રહે એ માટે ગહલોતે સ્પીકરને આગળ કર્યા છે. સ્પીકરે પાઈલટ આણિ મંડળીને ધારાસભ્યપદેથી ગેરલાયક કેમ ના ઠેરવવા તેનો ખુલાસો કરવા નોટિસ ફટકારી છે. પાઈલટ તેની સામે હાઈકોર્ટમાં ગયા છે. આ કેસમાં હાઈ કોર્ટે મંગળવાર લગી તો પાઈલટ અને તેમના સાથીઓને અભય વચન આપ્યું જ છે. સાથે સાથે રોજેરોજ સુનાવણી પણ થાય છે. આ સુનાવણીમાં હવે મંગળવારની મુદત પડી છે તેથી હવે જે કંઈ થશે એ આજે થશે.

આ કાનૂની લડાઈની સાથે સાથે કૉંગ્રેસીઓએ પાઈલટને ભાંડવાનો કાર્યક્રમ પણ ચાલુ રાખ્યો છે. પાઈલટ સાવ નગુણા છે ને પાર્ટીએ આટલું બધું આપ્યું છતાં તેમને ધરવ જ નથી એવી વાતોનો મારો પાઈલટે બળવો કર્યો એ દિવસથી ચાલી રહ્યો છે. કૉંગ્રેસના નેતાઓ એવો બકવાસ કરી રહ્યા છે કે, પાઈલટને કૉંગ્રેસે સાંસદ બનાવ્યા, કેન્દ્રમાં પ્રધાનપદ આપ્યું, રાજસ્થાનમાં નાયબ મુખ્યમંત્રીપદ આપ્યું પણ પાઈલટની સત્તાલાલસાને અંત જ નથી તેથી હવે તેમને મુખ્યમંત્રી બનવાની ઉતાવળ ઉપડી છે. સત્તાની લ્હાયમાં પાઈલટ ઉધામે ચડ્યા છે ને કોંગ્રેસ સાથે ગદ્દારી કરી રહ્યા છે. આપણા દેશમાં ઘરડાઓનું કામ જે તે ખુરશી પર ચિટકીને જુવાન પેઢીના વાંક ગોતવાનું જ છે અને રાજસ્થાન કોંગ્રેસમાં પણ એ જ ગોરખધંધા ચાલે છે. રોજ સવાર પડે ને સચિન પાઇલટના નવા વાંક ગોતવા કોંગ્રેસના ઘરડાઓ દોડવા લાગે છે. એ બધાનો નેતા ગેહલોત છે.

કૉંગ્રેસના રણદીપ સૂરજેવાલાથી માંડીને દિગ્વિજયસિંહ સુધીના ઘણ નેતા આ લવારો કરી ચૂક્યા છે. હવે તો કૉંગ્રેસની ફૂટી ગયેલી કારતૂસ જેવાં માર્ગારેટ આલ્વા પણ આ કોરસમાં જોડાઈ ગયાં. આલ્વાએ કૉંગ્રેસે પાઈલટને શું શું આપ્યું તેનો ચોપડો ખોલ્યા પછી બહુ જોરદાર કટાક્ષ કરતાં હોય એમ સવાલ કર્યો કે, પાઈલટ જે રીતે ઉતાવળમાં છે એ જોતાં તેમણે ભાજપમાં જોડાઈને 43 વર્ષની ઉંમરે મુખ્યમંત્રી ને 45 વર્ષની ઉંમરે દેશના વડા પ્રધાન બની જવું છે કે શું? કૉંગ્રેસીઓ આલ્વાના આ કટાક્ષ પર ઓવારી ગયા છે ને સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં કોમેન્ટ્સ ફટકારી રહ્યા છે.

આલ્વા ગોઆનાં છે ને વંશવાદી રાજકારણની પેદાશ છે. તેમનાં સાસુ-સસરા નહેરૂ-ગાંધી ખાનદાનની ચમચાગીરી કરીને સાસંદ બનેલાં ને પછી તેમના પતિને એ વારસો મળ્યો. પછી માર્ગારેટ આલ્વાનો વારો આવ્યો ને એ પણ કેન્દ્રીય પ્રધાન બની ગયેલાં. આલ્વા ખાનદાનને જે કંઈ મળ્યું એ ખાનદાનની મહેરબાનીથી મળેલું છે તેથી તેમની પાસેથી ખાનદાનની ચાપલૂસી સિવાયની બીજી કોઈ કોમેન્ટની અપેક્ષા જ ના રખાય. કૉંગ્રેસના બીજા ચાપલૂસ નેતા જે કરી રહ્યા છે એ જ વાતો તેમણે કરી છે ને વાસ્તવમાં આ કોમેન્ટ આખી કૉંગ્રેસની માનસિકતાનું પ્રતીક છે.

કોંગ્રેસના નેતાઓ જે વાતો કરે છે એ સાવ હાસ્યાસ્પદ છે. સચિન પાઈલટને કૉંગ્રેસે આ આપ્યું ને પેલું આપ્યું એવી તેમની વાતો સાંભળીને ખરેખર હસવું આવે છે ને સાથે સાથે તેમની દયા પણ આવે છે. પાઈલટ પર કૉંગ્રેસે બહુ મોટા અહેસાન કર્યા હોય એવું ચિત્ર ઊભું કરવાનાં ફાંફાં કૉંગ્રેસની દયાજનક હાલત બતાવે છે. કૉંગ્રેસ ચૂંટણી નહીં જીતી શકતા અહમદ પટેલ કે રાજીવ શુકલા જેવા નેતાઓના સંદર્ભમાં આ વાત કરે તો ચાલે પણ પાઈલટના સંદર્ભમાં આ વાત કરે ત્યારે વરવી લાગે છે.

કૉંગ્રેસે પાઈલટને પ્રધાનપદ કે નાયબ મુખ્યમંત્રીપદ આપીને કોઈ અહેસાન નથી કર્યો. કોંગ્રેસને ગરજ હતી એટલે એ બધું આપ્યું. પાઈલટના પિતા રાજેશ પાઈલટ રાજસ્થાનમાં મોટું માથું હતા ને તેમના કારણે કૉંગ્રેસને ગુર્જરોના મત મળતા હતા. આ કારણે બગાવતી મિજાજ છતાં કૉંગ્રેસ પાઈલટને સહન કરતી હતી. સચિન પાઈલટને એ રાજકીય વારસો મળ્યો છે તેથી કૉંગ્રેસે તેમને લોકસભાની ટિકિટ આપી. બાકી કૉંગ્રેસ 26 વર્ષના કેટલા યુવાનોને ટિકિટ આપે છે? પાઈલટે સળગં બે વાર લોકસભાની ચૂંટણીમાં જીતી બતાવીને પોતાની તાકાત સાબિત કરી બતાવી છે.

રાજસ્થાનમાં પણ કૉંગ્રેસ સાવ મરી પરવારી હતી ત્યારે તેને બેઠી કરવાનું કામ પાઈલટે કર્યું છે. ગુર્જર અનામત આંદોલને અશોક ગહલોતને ઘરભેગા કરી દીધેલા ને તેમને કઈ રીતે મનાવવા એ જ કૉંગ્રેસને સમજ નહોતી પડતી. પાઈલટે ગુર્જર અને મીણા એ બે સમાજને એક કરીને કૉંગ્રેસની જીત પાકી કરી તેના બદલામાં કૉંગ્રેસે તેમને નાયબ મુખ્યમંત્રીપદ આપેલું, ખેરાત નહોતી કરી. કૉંગ્રેસના ચૂંટણી નહીં જીતી શકતા ને ખાનદાનના જોરે ટકી રહેલા નેતાઓ ગમે તે કહે, પાઈલટને જે કંઈ મળ્યું એ લાયકાતના કારણે મળ્યું, ખેરાતમાં નથી મળેલું.

માર્ગારેટ આલ્વા કે બીજા કૉંગ્રેસીઓ જે વાતો કરે છે એ તેમના માનસમાં નહેરૂ-ગાંધી ખાનદાનની ગુલામી કઈ હદે ઘર કરી ગઈ છે તેનો પુરાવો પણ છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં કૉંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. રાહુલ ગાંધી કૉંગ્રેસના પ્રમુખ હતા ને કૉંગ્રેસ સત્તામાં આવશે તો રાહુલ ગાંધી વડા પ્રધાન બનશે એ નક્કી હતું. કૉંગ્રેસનાં ને રાહુલ બંનેનાં નસીબ અવળાં કે રાહુલનો મેળ ના પડ્યો, બાકી કૉંગ્રેસીઓ તો રાહુલબાબાને વડા પ્રધાનપદની ગાદી પર બેસાડવા થનગનતા જ હતા. બલ્કે કૉંગ્રેસીઓ તો રાહુલબાબાને ગાદી પર બેસાડવા માટે લાંબા સમયથી થનગનતા હતા.

કૉંગ્રેસે તો લોકસભાની 2014ની ચૂંટણી પણ રાહુલના નેતૃત્વમાં જ લડી હતી ને એ વખતે કૉંગ્રેસ જીતી હોત તો રાહુલ ગાંધીની તાજપોશી થશે એ નક્કી જ હતું. એ વખતે રાહુલની ઉંમર 43 વર્ષ હતી. આ તો આપણે ચૂંટણીની વાત કરી, બાકી કૉંગ્રેસમાં તો લોકસભાની 2009 ની ચૂંટણી પતી તેના એકાદ વરસ પછી જ કોરસ શરૂ થઈ ગયેલું કે, મોળા મનમોહનસિંહને હટાવીને રાહુલબાબાને ગાદી પર બેસાડો. રાહુલ ગાંધી જવાબદારી લેવાથી દૂર ભાગે છે તેમાં મનમોહનસિંહ બચી ગયા, બાકી કૉંગ્રેસીઓએ તો રાહુલ ગાંધીને વડા પ્રધાન બનાવી દેવા માટેની હોહા કરવામાં કોઈ કસર નહોતી છોડી. ૨૦૧૦માં એ કોરસ શરૂ થયું ત્યારે રાહુલબાબાની ઉંમર માત્ર ૩૯ વર્ષની હતી.

કૉંગ્રેસીઓ રાહુલ ગાંધીને 39 વર્ષની ઉંમરે વડા પ્રધાનપદે બેસાડી દેવા કૂદાકૂદ કરતા હતા ને સચિન પાઈલટે તો વડા પ્રધાનપદનું નામ પણ નથી લીધું ત્યારે તેને ટોણા મારી રહ્યા છે. રાહુલની વાત છોડો પણ તેમના પિતા રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા ત્યારે તેમની વય 40 વર્ષ જ હતી. હવે રાજીવ ગાંધી 40 વર્ષની ઉંમરે વડા પ્રધાન બની શકે તો સચિન પાઈલટ 45 વર્ષે કેમ વડા પ્રધાન ના બની શકે?

રાજીવ ગાંધીને રાજકારણમાં આવ્યાને ગણીને ચાર વરસ થયેલાં. ના તો તેમને વહીવટી અનુભવ હતો કે ના કદી કોઈ હોદ્દો તેમણે ભોગવેલો. રાજીવની એક માત્ર લાયકાત એ હતી કે એ ઈન્દિરા ગાંધીના પુત્ર હતા. આ લાયકાતના જોરે એ રાતોરાત દેશના વડા પ્રધાન બની ગયેલા. સચિન પાઈલટ પાસે તો તેના કરતાં અનેક ગણી વધારે લાયકાતો છે. એ લાંબા સમયથી જાહેર જીવનમાં છે ને ચૂંટણીઓ જીતે છે. કેન્દ્ર સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે ને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પણ બની ચૂક્યા છે. રાજીવની સરખામણીમાં એ બધી રીતે આગળ છે તો 45 વર્ષે વડા પ્રધાન કેમ ના બની શકે? ચોક્કસ બની શકે.

કૉંગ્રેસીઓ તો એવું જ માને છે કે, આ અધિકાર તો માત્ર ને માત્ર નહેરૂ-ગાંધી ખાનદાનનો જ છે. તેના સિવાય બીજું કોઈ નાની ઉંમરે ને સીધું ગાદી પર બેસી જ ના શકે. આ માનસિક ગુલામી ને અજ્ઞાન બંનેનું પરિણામ છે. દુનિયા બદલાઈ ગઈ છે ને સાવ નાની વયના યુવા લોકશાહી દેશોમાં જનમતથી ચૂંટાઈને ગાદી પર બેઠા છે. ફિનલેન્ડમાં 35 વર્ષની સન્ના મરીન પ્રાઈમ મિનિસ્ટર છે ને યુક્રેનમાં ૩૬ વર્ષનો ઓલેસ્કી હાનચારૂક પ્રમુખ છે. અલ સાલ્વાડોરનો પ્રમુખ નયીબ બુકેલે 39 વર્ષનો છે ને ન્યુઝીલેન્ડની પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા આર્ડન ચાલીસ વર્ષની છે.

આ તો થોડાંક નામ આપ્યાં પણ સચિન પાઈલટ કરતાં નાની ઉંમરે હાલમાં સત્તા પર હોય એવા યુવાઓની સંખ્યા નોંધપાત્ર છે. કૉંગ્રેસના નેતાઓએ પોતાનું સામાન્ય જ્ઞાન વધારવું જોઈએ ને કૂવામાંના દેડકા બની રહેવાના બદલે દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવું જોઈએ. નહેરૂ-ગાંધી ખાનદાનના દરબારથી પણ આગળ દુનિયા છે એ સમજવું પડે પણ કૉંગ્રેસીઓ એ વાત માનવા જ તૈયાર નથી. ના માને તો કંઈ નહીં, તેમના માનવાથી બધું થતું નથી ને? કૉંગ્રેસીઓ તો એવું પણ માને છે કે, સચિન પાઈલટ કૉંગ્રેસના કારણે મોટો છે ને અમે બધું આપીને તેના પર અહેસાન કર્યો છે. એ લોકો ભલે આ ભ્રમમાં રહેતા, તેનાથી લોકોને બહુ ફરક પડતો નથી. આ ભ્રમમાં ને ભ્રમમાં તો કોંગ્રેસ પતવા આવી ને છતાં તેમનામાં અક્કલ ન આવતી હોય તો તેમને ભગવાન પણ નહીં બચાવી શકે.