હદ બહારના હિંસક તોફાનો કરીને હવે કિસાન આંદોલને સહાનુભૂતિ ગુમાવી

સરકારના ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદા વિરુદ્ધ ગણતંત્રદિવસે ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી અને એમાંથી થયેલી અથડામણોએ આખા દેશના ગણતંત્ર ઉત્સાહના રંગમાં ભંગ પાડ્યો હતો. એક તરફ હજારો ખેડૂતો દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં હાથમાં તિરંગા અને પોતાના સંગઠનના ઝંડા સાથે ટ્રેક્ટરમાં બેઠેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ઘણી જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. આ દરમિયાન એક પ્રદર્શનકારી ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું. ખેડૂતોના એક જૂથે લાલ કિલ્લામાં ઘૂસીને ધ્વજદંડ પર શીખોના ધાર્મિક ધ્વજ નિશાન અને તેમના સંગઠનનો ઝંડો ફરકાવ્યા હતા. આ દરમિયાન એવો સવાલ પેદા થાય છે કે બે મહિના કરતાં વધુ સમયથી ચાલતા આ આંદોલનનું ભવિષ્ય કેવું છે. મંગળવારે થયેલી હિંસાને આધાર બનાવીને સરકાર આ આંદોલનને બંધ કરાવી દેશે કે પછી આ આંદોલન વધારે ઉગ્ર બનશે ? હકીકત એ છે કે કિસાન આંદોલન હવે બેનકાબ થઈ ગયું છે અને એનો અસલ ચહેરો સામે આવ્યો છે.
આંદોલન કરનારાઓમાં કિસાનો ઓછા અને અસામાજિક તત્ત્વો વધારે છે એવું પાટનગર નવી દિલ્હીએ પ્રજાસત્તાક દિને નજરોનજર જોઈ લીધું છે. સરકાર હવે કેવા પગલા લેશે? આ સવાલોનો જવાબ શોધીએ એ પહેલાં જાણવું જરૂરી છે કે હકીકતમાં મંગળવારે શું થયું હતું. ખેડૂતોની ટ્રેક્ટર રેલી મંગળવારે સવારે નવ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. પોલીસની સાથે અનેક તબક્કાની વાતચીત પછી રેલીનો રૂટ નક્કી થયો હતો. બપોરે 12 વાગ્યા પછી ઘણી જગ્યાએ બેરિકેડ તોડવાના, નક્કી થયેલા રૂટથી અલગ માર્ગે જવાના અને પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટિયર ગેસના ઉપયોગના સમાચાર આવવા લાગ્યા હતા. થોડી જ વારમાં ઐતિહાસિક લાલ કિલ્લા પર શીખોના ધાર્મિક ઝંડા નિશાન સાહેબને ફરકાવવામાં આવ્યો હોવાની તસવીરો અને વીડિયો મીડિયામાં છવાઈ ગયાં હતાં. કેટલાક મીડિયામાં એવું પણ કહેવામાં આવ્યું કે લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન કરીને તેની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો ફરકાવાયો હતો.
એ પછી સ્પષ્ટ થયું કે લાલ કિલ્લા પર ફરકાવાયેલો ઝંડો શીખોનો ધાર્મિક ધ્વજ નિશાન સાહેબ હતો. પોલીસે આ માટે ખેડૂતોને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે મંગળવારે થયેલી હિંસામાં 83 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. આ દરમિયાન જાહેર મિલ્કતને પણ ભારે નુકસાન થયું હતું. પોલીસે ઓછામાં ઓછી ચાર એફઆઈઆર દાખલ કરી છે. દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે હિંસા માટે ખેડૂતોને જવાબદાર ગણાવીને એમ પણ કહ્યું છે કે , વાતચીતના અનેક રાઉન્ડ પછી ટ્રેક્ટર રેલી માટેનો સમય અને રૂટ નક્કી કરાયા હતા. પરંતુ ખેડૂતો નક્કી થયેલા રૂટના બદલે અલગ રૂટ પરથી ટ્રેક્ટરો લાવ્યાં અને નિશ્ચિત સમય કરતાં પહેલાં આવી ગયા હતા. ત્યાર પછી થયેલી અથડામણમાં અનેક પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા છે. ખેડૂતો આ માટે તેમના કેટલાક માર્ગ ભટકેલા સાથીદારો, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવે છે.
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતે તો વળી એમ કહ્યું કે પોલીસે ઘણાં ટ્રેક્ટર તોડી નાખ્યાં છે અને તેમણે તેનું વળતર ચૂકવવું પડશે. ખેડૂતસંગઠન સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન બહાર પાડીને ટ્રેક્ટર પરેડને તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી હતી. પણ ત્યારે તો એને સાંભળે કોણ? આ અંગે રાજકીય પક્ષોના નિવેદન પણ આવવા લાગ્યા હતા જેનો પણ આમ તો કોઈ અર્થ ન હતો. પંજાબના મુખ્ય મંત્રી અમરિંદર સિંહે ટ્વીટ કરીને ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાને વખોડી કાઢી હતી. તેમણે વળી એમ કહ્યું કે દિલ્હીમાં ચોંકાવી દેનારાં દૃશ્યો, કેટલાંક તત્ત્વોએ કરેલી હિંસા અસ્વીકાર્ય છે. શાંતિપૂર્વક વિરોધપ્રદર્શન કરતા ખેડૂતોએ જે શાખ બનાવી છે તેને નુકસાન પહોંચશે. ખેડૂતનેતાઓએ પોતાની જાતને આ હિંસાથી અલગ કરી દીધી છે અને ટ્રેક્ટર રેલી અટકાવી દીધી છે એવું અમરિન્દરે ગપ્પું પણ માર્યું હતું. . તેમણે તમામ અસલી ખેડૂતોને દિલ્હી ખાલી કરવા અને સરહદે પાછા આવી જવાની અપીલ કરી પણ એય કોઈએ સાંભળી ન હતી.
રાહુલ ગાંધીએ આવા વાતાવરણ વચ્ચે પોતાની પિપુડી વગાડી. એમણે કહ્યું કે કે હિંસા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. મોદી સરકારે કૃષિકાયદો રદ કરવો જોઈએ. એનસીપીના વડા શરદ પવારે પણ નાટયાત્મક રીતે કહ્યું કે જે રીતે આ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે તે અફસોસજનક છે. આમ આદમી પાર્ટી (આપ)એ પણ હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. ડીએમકે અને મમતા બેનરજીએ પણ આ ઘટના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણી છે. મીડિયા સાથે વાતચીત કરતા ખેડૂત નેતા રાકેશ ટિકેતે જણાવ્યું કે પોલીસે જે રસ્તા પર ટ્રેક્ટર રેલીની મંજૂરી આપી હતી, તે રસ્તા પર પણ બેરિકેડ મૂક્યાં હતાં. તેમણે કહ્યું, એક રસ્તો તો મળવો જોઈએ. આ એક મોટું ષડયંત્ર છે. પોલીસે જે રસ્તો આપ્યો હતો તેના પર બેરિકેડ હતાં. તેથી ખેડૂતો બીજા રસ્તા પર જતા રહ્યા. કેટલાક લોકો એવા પણ હતા જેઓ ક્યારેય આ આંદોલનનો હિસ્સો ન હતા. જો કે એમની વાત સાચી નથી. કેટલાક ટ્રેક્ટરોમાં પથ્થરો ભરચક ભરેલા હતા.
તેમણે આડેધડ બકવાસ કરીને તોફાનીઓને બચાવવા ધમપછાડા કર્યા હતા. એમણે એવી શેખી મારી કે તેઓ ગમે તેમ કરીને આગળ વધવાનું નક્કી કરીને આવ્યા હતા. અમે તેમને ઓળખીશું. જેઓ એક દિવસ માટે આવ્યા હતા, તેઓ બધું બગાડે છે. લાલ કિલ્લા પર જે થયું તે અયોગ્ય હતું. કોઈ ધાર્મિક કાર્યક્રમ અમારા આંદોલનનો હિસ્સો નથી. અમે તેની આકરી ટીકા કરીએ છીએ. ઘણા લોકો આને દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સની નિષ્ફળતા પણ ગણાવે છે. પરંતુ ભાજપના તેના માટે દિલ્હી પોલીસના વખાણ કરે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલકૃષ્ણ અગ્રવાલે સાંજે તો વાતચીતમાં એમ કહ્યું કે તેઓ દિલ્હી પોલીસને અભિનંદન પાઠવે છે. જેણે આટલી ઉશ્કેરણી છતાં શાંતિપૂર્વક રીતે પરિસ્થિતિને સંભાળી. આપણે પોલીસની સમસ્યા ઓળખવી જોઈએ. જો પોલીસે વહેલો બળપ્રયોગ કર્યો હોત તો વિક્ટિમ કાર્ડ રમી રહેલા ખેડૂતો અને તેમને રાજકીય અને બૌદ્ધિક રીતે છાવરી રહેલા રાજકીય પક્ષોને વધારે બળ મળ્યું હોત.
ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા સ્વરાજ પાર્ટીના વડા યોગેન્દ્ર યાદવે તો મોકો જોઈને નેતા થવાની કોશિશ ચાલુ જ રાખી છે. તેઓ આ ઘટનાઓમાં વણનોતર્યા મહેમાન જેવા છે. આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કરતા યાદવે કીધું કે જેમણે લાલ કિલ્લા પર આવી હરકત કરી છે, તેઓ પ્રથમ દિવસથી જ આ આંદોલનમાં નહોતા. ખેડૂતનેતા મનજિત સિંહે બીજીબાજુ બચાવ કરતા કીધું કે કિલ્લા પર ચઢવાની કોઈની યોજના ન હતી. મનજિત સિંહ મુજબ કેટલાક લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન આપીને જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્ત્વો આપણા શાંતિપૂર્વક આંદોલનમાં પ્રવેશી ગયા હતા. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે શાંતિ જ આપણું સૌથી મોટું હથિયાર છે. તેનું કોઈ પણ ઉલ્લંઘન ખેડૂત આંદોલનને નુકસાન પહોંચાડી શકે છે. મંગળવારની ઘટના પછી સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે ખેડૂત આંદોલન હવે કઈ દિશામાં જશે? શું મંગળવારની ઘટના પછી ખેડૂત આંદોલન કોઈ દબાણ હેઠળ છે અને જે રીતે આ ઘટના પર તેમણે નિવેદન આપ્યાં તેના કારણે તેઓ બેકફૂટ પર આવી ગયા છે?
જો કે તેઓ (ખેડૂતનેતાઓ) બહુ પરિપક્વ અને હિંમતવાન લોકો છે. તેઓ લાંબા સમય સુધી આંદોલન ચલાવવાનો અનુભવ ધરાવે છે. તેઓ અત્યાર સુધી બહુ સ્પષ્ટ રીતે પોતાની વાત કહેતા આવ્યા છે. પરંતુ તેઓ મંગળવારે ગોથું ખાઈ ગયા છે. આંદોલને હવે એની પ્રતિષ્ઠા ગુમાવી છે. તેઓ જાણે છે કે સરકારી તંત્ર અને મીડિયા પર આ સરકારનું સંપૂર્ણ નિયંત્રણ છે, તેનાથી (લાલ કિલ્લાની ઘટના) આખી વાત ભટકી જશે. તેઓ ત્રણ કાયદા રદ કરવાની માગ કરી રહ્યા છે, જે તેમની સમજદારી દર્શાવે છે. પણ એ સમજદારી હવે ઊંધી વળી ગઈ છે. જેથી આખા ખેડૂત આંદોલનને માત્ર લાલ કિલ્લાની એક ઘટના સાથે સાંકળવામાં આવે છે.
કેટલાક લોકો કહે છે કે મંગળવારની ઘટનાનો ઢાલ તરીકે ઉપયોગ કરીને સરકાર ખેડૂત આંદોલનને ખતમ કરવાનો પ્રયાસ કરી શકે છે. ભાજપના પ્રવક્તા ગોપાલકૃષ્ણ અગ્રવાલ આવું નથી માનતા. તેઓ કહે છે કે સરકાર કોઈ તકનો લાભ લેવા માગતી નથી. ભાજપ વતી એમણે દિલ્હીના મીડિયાને કહ્યું કે અમે લોકશાહીનાં મૂલ્યોમાં વિશ્વાસ રાખીએ છીએ. ખેડૂતો શાંતિપૂર્વક રીતે આંદોલન કરવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. અમે અંત સુધી લોકતાંત્રિક મૂલ્યોને મહત્ત્વપૂર્ણ સ્થાન આપીએ છીએ. તેમાં વિરોધ કરવાનો અને પોતાની વાત રજૂ કરવાનો બધાને અધિકાર છે. પરંતુ કોઈ એવું કહે કે અમુક લોકોની વાત સ્વીકારી લેવામાં આવશે તો તે શક્ય નથી.
ભાજપના પ્રવક્તાએ સ્પષ્ટ કહ્યું છે કે ભારતમાં 14 કરોડ ખેડૂતો છે અને દિલ્હી સરહદે વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોની તુલનામાં કૃષિ કાયદાને ટેકો આપતા ખેડૂતોની સંખ્યા ઘણી મોટી છે. છતાં કિસાન નેતાઓ માને છે કે સરકારે મોટું મન રાખવું જોઈતું હતું અને આ ત્રણ કાયદાને રદ કરવાની જરૂર હતી. ભાજપના પ્રવક્તા આ વાતને સાફ શબ્દોમાં નકારી કાઢે છે. તેઓ કહે છે કે જ્યારથી આંદોલન શરૂ થયું છે ત્યારથી સરકારે ખેડૂતો સાથે 11 રાઉન્ડમાં લગભગ 45 કલાક સુધી વાતચીત કરી છે. સરકારે 20થી વધારે ફેરફારો લેખિત સ્વરૂપમાં સ્વીકાર્યા છે. સરકારે આ કાયદા અમુક સમય માટે સ્થગિત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો અને ખેડૂતો સાથે મળીને સમિતિ રચવાની દરખાસ્ત પણ મૂકી હતી. પરંતુ ખેડૂતોએ બધી દરખાસ્તો ફગાવી દીધી.