હનુમાન કેમ્પ મંદિર ખોલવા માટે દર્શનાર્થીઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું

લૉકડાઉન દરમિયાન તમામ મંદિરો અને ધાર્મિક સ્થળો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનલોક દરમિયાન સરકારે મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ આપી હતી. જોકે, આ માટે સરકાર તરફથી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા પગલાં ભર્યા બાદ જ મંદિરને ખોલી શકાય છે. અનલોક જાહેર થયા બાદ મોટાભાગના મંદિરો ખુલી ગયા છે, પરંતુ અમદાવાદ ખાતે આવેલું કેમ્પ હનુમાન મંદિર હજુ સુધી ખુલ્યું નથી. આ વાતને લઈને ભક્તો અને મંદિરમાં સેવા કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. મંદિર ખોલવા માટે દર્શનાર્થીઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું છે. તેઓની માંગ છે કે હનુમાન મંદિરને ખોલવામાં આવે. મળતી માહિતી પ્રમાણે આર્મી કેન્ટોન્મેન્ટ દ્વારા મંદિર ખોલવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં ટ્રસ્ટીઓ અને પૂજારીના વિવાદને કારણે મંદિર ખુલતું નથી.

મંદિરમાં સેવા કરતા સેવકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રસ્ટીઓના કારણે આ મંદિર ખુલતું નથી. કેમ્પ હનુમાન મંદિરમાં સેવા કરતા સેવકે ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, અમને મંદિરના પ્રમુખ તરફથી મંદિરમાંથી નીકળી જવાનું કહેવામાં આવ્યું છે. ટ્રસ્ટીના જમાઈ શરીફ ચોકસીને મંદિરનો વહીવટ સોંપવામાં આવ્યો છે. ટ્રસ્ટીના જમાઈએ અમને ધક્કા મારી બહાર કાઢી મૂક્યા છે. હનુમાન મંદિર ખાતે વર્ષોથી સિક્યુરિટીની નોકરી કરતા લોકોને પણ કાઢી મૂકવામાં આવ્યા છે. સિક્યુરિટીનો આક્ષેપ છે કે ટ્રસ્ટીએ પોતાના માણસોને રાખવા હોવાથી જૂના લોકોને કાઢી મૂક્યા છે. આ વિવાદ ટ્રસ્ટીઓ અને પૂજારીઓનો છે.

ભક્તોએ આક્ષેપ કર્યો છે કે પૂજારી અને ટ્રસ્ટના વિવાદમાં અમને દર્શન નથી કરવા મળતા. આથી ભક્તોએ હવે આ મંદિરને ખોલવામાં આવે તેવી માંગણી જોર-શોરથી કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે કેમ્પ હનુમાન મંદિર ખાતે દર શનિવારે ભક્તોની મોટી ભીડ લાગતી હોય છે. પરંતુ કોરોનાના કારણે સરકારના આદેશ બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. હવે ભક્તો આ મંદિર ખુલે તેની રાહ જોઈ રહૃાા છે. ભક્તો માંગણી કરી રહૃાા છે કે રાજ્યના તમામ મંદિર ખુલી ગયા છે, હવે તેમના આસ્થાનું કેન્દ્ર એવા આ મંદિરને પણ ખોલવામાં આવે.