હરિધામ સોખડાના પરમાધ્યક્ષ પૂ.હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા

  • ૩૧ જુલાઇ સુધી નશ્ર્વર દેહને અંતિમ દર્શન માટે મૂકાશે, ૧ ઓગસ્ટે અંતિમસંસ્કાર કરાશે

શહેર નજીકના હરિધામ સોખડાના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો સોમવારે રાતે દેહવિલય થતા વિશ્ર્વભરના લાખો ભક્તોમાં શોકની કાલિમા વ્યાપી હતી. છેલ્લા કેટલાયે મહિનાઓથી સ્વામીજીની તબિયત બગડતા ડાયાલિસિસ ચાલું હતું. સોમવારે સાંજે બ્લડપ્રેસર અને પલ્સ ઘટવા સાથે દય કામ કરતું બંધ થઇ જતા ભાઇલાલ અમીન હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધો હતો.

હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ શોકમાં સરી પડ્યા છે. ૫ દિવસ અંતિમ સંસ્કાર માટે તેમનો નશ્ર્વરદેહ રખાશે. ૧ ઓગસ્ટે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ શોકની લાગણી વ્યક્ત કરી છે.

સંપ, સુદભાવ અને એકતાના પાયા પર દેશ-વિદેશોમાં લાખો સત્સંગીઓને પંચવર્તમાનનું પાલન કરાવવા સાથે*દાસના દાસ*નું સૂત્ર આપી અનોખા સમાજનું નિર્માણ કરનાર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી(૮૮)ની છેલ્લા કેટલાયે મહિનાઓથી તબિયત નાદુરસ્ત રહેવા સાથે ડાયાલિસિસનો દોર જારી હતો.

સ્વામીજીના ભક્તો ભારત સહિત અમેરિકા, બ્રિટન, ન્યુઝીલેન્ડ, દુબઇ, ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા સહિત અનેક દેશોમાં છે. ગત વર્ષે શહેર નજીકના પાંજરાપોળ મેદાન ખાતે યોજાયેલો આત્મીય મહોત્સવ છેલ્લો મહોત્સવ હોવાનો અણસાર પણ સ્વામીજીએ સત્સંગીઓને આપી દૃીધો હતો.

શહેરના માંજલપુર અવધૂત ફાટક પાસે બનાવેલા આત્મીયધામમાં પણ સત્સંગનો દોર વર્ષ દરમિયાન ચાલું રહે છે. સત્સંગીઓએ કહૃાું હતું કે સ્વામીજી ક્યારેય ગુસ્સે થતા ન હતા. સમાજમાં કંકાસનું મૂળ કારણ હઠ, માન અને ઇર્ષ્યા હોવાની શિખ પણ સત્સંગીઓને આપતા હતા. હરિધામ સોખડા ખાતે સ્વામીજીના નશ્ર્વરદેહના ધાર્મિક-શાસ્ત્રોક્ત પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાશે.