અમરેલી, દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશ, રાજ્ય અને અમરેલી જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલી લઈ હર ઘર તિરંગા અભિયાન યોજાશે. જિલ્લામાં આગામી તા.13 થી તા.15 ઓગસ્ટ – 2022 દરમિયાન આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત પ્રત્યેક ઘરમાં તિરંગા લહેરાવી રાષ્ટ્રભક્તિનું આંદોલન થશે. દેશ પ્રત્યેના પ્રેમ અને ભાવને વ્યક્ત કરવાના હેતુથી રાષ્ટ્રભક્તિના યજ્ઞમાં આહૂતિ આપવા દરેક વ્યક્તિ પોતાના ઘર પર, સંસ્થાઓ પર, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો પર, કચેરીઓ પર તિરંગો લહેરાવે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અને અમલીકરણ કરાવવાના હેતુથી આજે અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જિલ્લાના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ કે, સમગ્ર દેશ અને રાજ્ય તેમજ જિલ્લામાં નાગરિકોમાં રાષ્ટ્રભાવના વિકસે અને લોકો રાષ્ટ્રધ્વજ પ્રત્યે પોતાનું માન-સન્માન વ્યક્ત કરી શકે તેવાં હેતુથી આ કાર્યક્રમ યોજાશે.આ દિવસો દરમિયાન જિલ્લાનાં શહેરી અને ગ્રામિણ વિસ્તારને આવરી લેતા દરેક ઘર, સરકારી કચેરીઓ, સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, ખાનગી કચેરીઓ, દુકાનો, સહિતનાં પ્રતિષ્ઠાનો અને ઈમારતો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે. નાગરિકો પોતાના દેશપ્રેમને વ્યક્ત કરવા માટે ત્રણ દિવસ સુધી સહિયારા સંકલ્પથી રાષ્ટ્રપ્રેમને પ્રગટ કરે તેવી અપીલ છે.જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યુ કે, આ કાર્યક્રમના આયોજન માટે વિવિધ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવશે. નાગરિકો આ રાષ્ટ્રધ્વજને તા.15મ ઓગસ્ટની સાંજ સુધી લહેરાવી શકાશે. રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે રાષ્ટ્રધ્વજ સંહિતાનું પાલન કરવાનું રહેશે. આ ધ્વજ બે સાઈઝમાં આવશે અને તેની વેચાણ કિંમત પણ નક્કી કરવામાં આવશે.જિલ્લા કલેક્ટરશ્રીએ આ કાર્યક્રમને જનઆંદોલન તરીકે લેવા માટે તમામ સામાજિક સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, જાહેર સાહસો સહિતની વિવિધ સંસ્થાઓને જોડવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આગામી દિવસમાં અમરેલી શહેર-જિલ્લા અને તાલુકામાં ક્યાં-ક્યાંથી નાગરિકો રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે તેની માહિતી સુવ્યવસ્થિત આયોજન તરીકે જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા અને જિલ્લાના તમામ અધિકારીશ્રી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.