હવે કોંગ્રેસ વેક્સિનનો ગમે એટલો વિરોધ કરે છે પણ સાંભળે કોણ ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો દેશવ્યાપી કોરોના વેક્સિનેશન કાર્યક્રમ પૂરજોશમાં શરૂ થઈ ગયો ને સાથે સાથે આ મુદ્દે રાજકારણ પણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. મોદીએ કોરોના રસીકરણના કાર્યક્રમની જાહેરાત કરી ત્યારે જ આનદ શર્મા, જયરામ રમેશ, શશિ થરૂર સહિતના કોંગ્રેસીઓએ ભારત બાયોટેકની રસીને અધકચરા ટ્રાયલના આધારે મંજૂરી આપવા સામે વાંધો ઉઠાવેલો. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાંધાને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખીને શનિવારે આપણા સવારના પહોરમાં સાડા દસ વાગ્યે કોરોના રસીકરણનો કાર્યક્રમ શરૂ કરાવી દીધેલો. આ કાર્યક્રમ શરૂ થયો એ સાથે જ કોંગ્રેસના મનિષ તિવારી કૂદી પડતાં તિવારી અને આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન વચ્ચે ટ્વિટર પર જંગ જામી ગયેલો. તિવારીએ કોરોનાની રસીને ઉતાવળે મંજૂરી આપવા સામે સવાલ ઉઠાવેલા. સામે ડો. હર્ષવર્ધને કોંગ્રેસ જૂઠાણાં ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે એવો જવાબ આપેલો.
આ જંગ પત્યો નથી ત્યાં રવિવારે કોંગ્રેસ સત્તાવાર રીતે મેદાનમાં આવી ગઈ. કોંગ્રેસના પ્રવક્તા ડો. રણદીપ સૂરજેવાલાએ કોરોનાની રસી બદલ વિજ્ઞાનીઓ અને સંશોધકોને અભિનંદન આપ્યા ને ભૂતકાળમાં એટલે કે કોંગ્રેસના શાસનમાં ક્યારે ક્યારે મોટા રસીકરણના કાર્યક્રમ થયા તેની યાદ અપાવીને લાબુંલચક લિસ્ટ મૂકી દીધું. 1962માં ટીબીની રસી વિકસાવી ત્યાંથી માંડીને 2012માં જાપાનીઝ એન્સેફિલટિસ સામેની સ્વદેશી રસી વિકસાવાઈ ત્યાં સુધીની યાદી સૂરજેવાલાએ મૂકી છે. સૂરજેવાલાએ ટોણો પણ માર્યો કે, ભૂતકાળમાં વેક્સિનનું સંશોધન કે સામૂહિક રસીકરણ લોકોની સેવા માટેના સીમાસ્તંભ હતા, કોઈ કાર્યક્રમ, પબ્લિસિટી સ્ટંટ કે ધંધો નહોતા.
સૂરજેવાલાએ એ પછી ચાર સવાલ કર્યા છે. પહેલો સવાલ એ છે કે, કોરોનાની રસી કોને, ક્યારે ને ક્યાં મફતમાં અપાશે? બીજો સવાલ કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીની કિંમત શું હશે એ છે. ત્રીજો સવાલ એ છે કે, કોરોનાની રસીની કિંમત ખુલ્લા બજારમાં એક હજાર રૂપિયા કેમ રખાઈ છે. ચોથો સવાલ એ છે કે, કોરોનાની રસીને નિકાસની મંજૂરી કેમ અપાઈ છે. સૂરજેવાલાએ દરેક સવાલની સાથે પેટાસવાલો પણ મૂક્યા છે. બધા પેટાસવાલોની વાત માંડી શકાય એમ નથી પણ કેટલાક સવાલો મહત્ત્વના છે.
ભારત બાયોટેકની રસી આઈસીએમઆરના વિજ્ઞાનીઓએ વિકસાવી છે ત્યારે તેના માટે ભારત બાયોટેકને વધારાના 95 રૂપિયા શાના માટે ચૂકવાઈ રહ્યા છે એ સવાલ સૂરજેવાલાએ ઉઠાવ્યો છે. આ રસીના માત્ર 755 લોકો પર ટ્રાયલ થયા છે ને બીજા તબક્કાના ટ્રાયલ પણ પત્યા નથી ત્યારે કઈ રીતે તેને મંજૂરી આપી દેવાઈ એ સવાલ પણ કોંગ્રેસે ઉઠાવ્યો છે. સૂરજેવાલાએ કોવિશિલ્ડ રસી વિકસાવનારી કંપની એસ્ટ્રાઝેનેકા આ રસી નહીં નફો, નહીં નુકસાન ધોરણે આપવા તૈયાર છે ત્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટને આ રસી ખુલ્લા બજારમાં 1000 રૂપિયામાં વેચવાની મંજૂરી કેમ અપાઈ એ સવાલ પણ કર્યો છે. સિરમ સરકારને 200 રૂપિયામાં રસી આપવાની છે ને એ જ રસી બજારમાં પાંચ ગણા ભાવે વેચવાની મંજૂરી કઈ રીતે આપી શકાય એ મુદ્દો મહત્ત્વનો છે જ. સૂરજેવાલાની વાતનો સાર એ છે કે, મોદી સરકાર કોરોના બનાવનારી કંપનીઓને ફાયદો કરાવવા આ બધો તમાશો કરી રહી છે.
કોંગ્રેસ તેની આદત પ્રમાણે બહુ મોડી જાગી છે તેથી મોદી સરકાર પર તેની કોઈ અસર થવાની શક્યતા નથી. કોંગ્રેસે આ બધા સવાલો વહેલા ઉઠાવવાની જરૂર હતી. મોદી સરકારે શનિવારે રસીકરણ કાર્યક્રમ શરૂ કરી દીધો એ પહેલાં કોંગ્રેસ જાગી હોત તો સરકાર પર દબાણ આવ્યું હોત. આ તો મોદી સરકારે પહેલાંથી રસી આપવા માટે દેશભરમાં નક્કી કરાયેલાં 3006 સ્થળેથી રસી આપવાનો કાર્યક્રમ ધમધોકાર શરૂ કરી દીધો પછી કોંગ્રેસ સવાલો કરવા આવી ગઈ. મોદી સરકારે પગલું ભરી લીધું પછી આ બધા સવાલો કરવાનો અર્થ નથી.
હવે આ સવાલો ઉઠાવવાથી મોદી સરકાર રસીકરણ કાર્યક્રમ બંધ કરવાની નથી કે જે કંઈ નક્કી કર્યું છે તેમાં ફેરફાર કરવાની નથી તેથી આ વાતોની મોદી સરકાર પર અસર થવાની કોઈ શક્યતા નથી. કોંગ્રેસની વાતો સાવ કાઢી નાખવા જેવી નથી જ ને તેના કારણે લોકોમાં થોડી જાગૃત્તિ ચોક્કસ આવે પણ આ દેશમાં અત્યારે જે માહોલ છે એ જોતાં બહુમતી લોકો જાગૃત્ત થવા માગે છે કે કેમ તેમાં જ શંકા જાગે છે. જે દેશમાં લોકો કોરોના મુદ્દે જાગૃતિ લાવવા થાળી વગાડવા કે દીવા પ્રગટાવવા જેવી વાતોને માનતા હોય એ દેશમાં વાસ્તવવાદી વાતોની અસર થવાની બહુ આશા ન રખાય.
કોંગ્રેસની વિશ્વસનિયતાના કારણે પણ લોકો તેની વાત પર ભરોસો કરે કે કેમ તેમાં શંકા છે. કોંગ્રેસના નેતા મોદી સરકાર ગમે તે કરે એટલે આંખ મીંચીને વિરોધ કરવા કૂદી પડે એવી લોકોમાં છાપ થઈ ગઈ છે. કોંગ્રેસે ટ્રિપલ તલાકથી માંડીને બંધારણની કલમ 370 નાબૂદ કરવા જેવાં મોદી સરકારનાં સારાં પગલાંનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઈક જેવાં વિરોધ નહીં કરવા જેવાં પગલાં સામે પણ વાંધો લીધો છે તેના કારણે આ છાપ ખોટી પણ નથી. આ કારણે કોંગ્રેસને કોઈ ગંભીરતાથી લેતું જ નથી. કોંગ્રેસ જે પણ વાત કરે એ વિરોધ કરવા ખાતર જ હોય એમ માનીને લોકો તેની વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી જ નાખે છે. આ સંજોગોમાં કોંગ્રેસ અત્યારે બધી વાતો કરે તેનો મતલબ પણ નથી.
વાસ્તવમાં કોરોની રસીકરણ મુદ્દે કોઈ પણ પ્રકારના વિવાદ કે વિખવાદને અત્યારે બાજુ પર મૂકવાની જરૂર છે. મોદી સરકારે મોદી આપેલી બંને રસી સામે સવાલો તો છે જ પણ એ સવાલો ઉઠાવવાનો સમય જતો રહ્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન બંનેના પૂરતા ટ્રાયલ સામે સવાલો થયેલા જ છે. કોવિશિલ્ડ બ્રિટનની જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ વિકસાવી છે જ્યારે કોવેક્સિન અમેરિકાની જાયન્ટ ફાર્મા કંપની ફ્લુજેન અને યુનિવર્સિટી ઓફ વિન્સ્કોસિન-મેડિસને સાથે મળીને વિકસાવી છે અને ભારત બાયોટેકે બનાવી છે.
આ બંને રસી છ મહિના કરતાં ઓછા ગાળામાં તૈયાર થયેલી છે તેથી તેમના ટ્રાયલ પૂરા થયા અંગે શંકા છે જ પણ એ છતાં મોદી સરકારે તેને મંજૂરી આપી દીધી ને તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. આ બંને રસીનો મોટો જથ્થો મોદી સરકારે પહેલાં જ ખરીદી લીધો છે. મોદી સરકારે 1.10 કરોડ કોવિશીલ્ડ અને 55 લાખ કોવેક્સિન મળીને 1.65 કરોડ કોરોના રસીના ડોઝનો ઓર્ડર આપેલો છે. મોદી સરકારે દેશમાં 30 કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ને તેમાંથી 1.65 કરોડ રસીના ડોઝ પહેલા તબક્કામાં અપાઈ જશે. મોદી સરકાર રસી ખરીદીને બેઠી છે તેથી એ રાતોરાત રસી આપવાનું બંધ કરે એ શક્ય નથી.
મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે, પૂરતા ટ્રાયલના અભાવે આ રસીની અસરકારકતા સામે સવાલ છે જ પણ તેની આડઅસરો શું હશે એ વિશે પણ કશું સ્પષ્ટ નથી. આ ચેતવણી કંઈ આજકાલની નથી અપાતી પણ બીજા દેશોમાં કોરોનાની રસી અપાવા માંડી ત્યારથી અપાતી હતી. આમ છતાં મોદી સરકારે બંને રસીના ઈમર્જન્સી યુઝને મંજૂરી આપી જ દીધી તેનો અર્થ એ થાય કે, સરકારે તેમની વાતને સાંભળી નથી. આ સંજોગોમાં રસીનાં શું પરિણામ આવે છે તેની રાહ જોવી જોઈએ. કોંગ્રેસ મોદી સરકાર પર રસીકરણના કાર્યક્રમની જોરદાર પબ્લિસિટી કરીને તેને તમાશો બનાવી દેવાનો આક્ષેપ કરે છે એ રાજકીય છે. કોંગ્રેસે ભૂતકાળમાં બહુ રસીકરણ કાર્યક્રમ કર્યા પણ કોઈ કાર્યક્રમની પબ્લિસિટી નહોતી કરી એવી સૂરજેવાલાની વાતોનો અર્થ નથી. એ વખતે કોંગ્રેસે શું કરેલું એ આપણે જોયું નથી ને જોયું હોય તો પણ કોંગ્રેસે ભૂતકાળમાં શું કર્યું એ મહત્ત્વનું નથી. ભાજપ સરકાર પણ એ રીતે જ વર્તે એ પણ જરૂરી નથી. મોદી સરકારની પોતાની કામ કરવાની સ્ટાઈલ છે ને એ રીતે વર્તવાનો તેને અધિકાર છે. કોંગ્રેસે આ પ્રકારના રાજકીય આક્ષેપોના બદલે હકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નક્કર બાબતો લોકો સામે મૂકવી જોઈએ