હવે ગુજરાતમાં પણ ડ્રગ્સના વિદેશી ખેલાડીઓનું નેટવર્ક હોય એમ લાગે

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ફેલાઈ રહ્યું હોવાની વાતો વચ્ચે બુધવાર-ગુરુના દિવસો ડ્રગ્સને સમર્પિત રહ્યા ને એક સાથે ચારચાર ઠેકાણેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાતાં ખળભળાટ મચેલો છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાની પહેલી ઘટનામાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસે મેથાફેટેમાઇન ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી લીધા. સરખેજ સાણંદ હાઇવે પાસે આ બંને ડ્રગ પેડલર ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા પણ એ પહેલાં જ ઝડપાઈ ગયા. અમદાવાદના જુહાપુરાના મોહમ્મદ એજાઝ અને શાહનવાઝ ગાગી પાસેથી પોલીસને લગભગ પોણા બે લાખની કિંમતનું સાડા સત્તર ગ્રામ ડ્રગ્સ જ મળ્યું છે પણ આ ઘટના ગંભીર છે કેમ કે આ ડ્રગ્સ ડ્રગ્સના બંધાણીઓને અપાવાનું હતું. તેનો મતલબ એ થાય કે, એક મજબૂત ડ્રગ્સ નેટવર્ક કામ કરે છે.
બીજી ઘટનામાં સુરતમાંથી સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી સાડા છ લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું. રાજસ્થાનથી ડ્રગ્સ લઈને આવતા પેડલરને ઝડપીને પોલીસે તેની પાસેથી ડ્રગ્સ કબજે કર્યું છે. આ ઘટના પણ ગંભીર જ કહેવાય કેમ કે તેના કારણે એક જ વાત સાબિત થાય છે કે, અમદાવાદની જેમ સુરતમાં પણ સુવ્યવસ્થિત રીતે ચાલતું ડ્રગ્સ નેટવર્ક અસ્તિત્વમાં છે જ. છેક રાજસ્થાનથી પેડલર ડ્રગ્સ લઈને સુરત લગી આવતો હોય તેનો અર્થ એ થાય કે, સુરતમાં ડ્રગ્સ લેનારા છે ને આ માલ ખપી જાય છે. અમદાવાદ અને સુરત કરતાં મોટી ઘટના સૌરાષ્ટ્રમાં બની છે કે જ્યાં એકસામટું 66 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સનો આટલો મોટો જંગી જથ્થો ઝડપાય એ ઘટના કોઈની પણ આંખો ફાટી જાય એવી જ ગણાય. સૌરાષ્ટ્રમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકથી ઝડપાયેલા આ 66 કિલો ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ રૂપિયા 350 કરોડની આસપાસ થાય છે.
આ ડ્રગ્સ વાડીનાર અને સલાયા એમ બે સ્થળેથી ઝડપાયું છે. પોલીસને વાડીનારમાં ડ્રગ્સ ઉતર્યું હોવાની ખબર પડતાં દરોડો પાડ્યો તેમાં પહેલાં 48 કિલો ડ્રગ્સ પકડાયેલું. આ ડ્રગ્સ જેની પાસેથી મળ્યું તેની પૂછપરછ કરતાં તેણે સલાયા સુધી ડ્રગ્સ કૌભાંડના છેડા હોવાનું ઓકી નાંખ્યું. પોલીસ તરત સલાયા પહોંચી તો ત્યાંથી બીજું 18 કિલો ડ્રગ્સ મળી આવ્યું. આમ બંને ઠેકાણે મળીને પોલીસને કુલ 66 કિલો ડ્રગ્સ મળ્યું છે.
ગુજરાતમાં એક જ દિવસમાં ચાર ઠેકાણેથી ડ્રગ્સ મળે એ વાત આંચકો આપનારી છે ને ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ કઈ હદે પગપેસારો કરી રહ્યું છે તેના પુરાવારૂપ છે. આ ચાર ઘટના પછી સફાળી જાગેલી સરકારે પત્રકાર પરિષદ યોજી હતી. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ પત્રકાર પરિષદમાં પોલીસની પીઠ થાબડી ને પોલીસે જોરદાર કામગીરી કરી તેને અભિનંદન પાઠવ્યા. સાથે સાથે ગુજરાતમાં ડ્રગ્સ સામે લડવા માટે કરાયેલી કામગીરીનો ચિતાર પણ આપ્યો.
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જ આપેલી માહિતી પ્રમાણે દ્વારકા-સલાયામાં એક સાથે 66 કિલો ડ્રગ્સ પકડાયું એ દેશના ઈતિહાસમાં સૌથી મોટો પર્દાફાશ છે પણ આ કામગીરી પહેલી વાર નથી કરી. સત્તાવાર માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 55 દિવસમાં 245 કરોડથી વધુની રકમનો 5756 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને 90થી વધુ આરોપીને પોલીસે જેલની હવા ખાતા કરી દીધા છે. છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સના 58 કેસ કરવામાં આવ્યા છે અને હજુ ડ્રગ્સ પેડલરને પકડવાની કામગીરી ચાલી રહી છે. હર્ષ સંઘવી નવાસવા ગૃહ મંત્રી બન્યા છે તેથી તેમણે પોતે ગૃહ મંત્રી બન્યા એ પછી પોલીસે કરેલી કામગીરીનો હિસાબ આપ્યો છે. એ બરાબર પણ છે પણ તેમની વાતનું વિશ્લેષણ કરાય તો ગુજરાતમાં ડ્રગ્સનો ભરડો કઈ હદે મજબૂત બની રહ્યો છે તેની ખબર પડે.
આ આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં દરરોજ ડ્રગ્સનો એક નવો કેસ નોંધાય છે ને બે પેડલર જેલની હવા ખાતા થઈ ગયા છે. સંઘવીએ પોતે 5756 કિલો ડ્રગ્સ પકડાયાનું કબૂલ્યું છે તેનો અર્થ એ થાય કે, ગુજરાતમાંથી છેલ્લા બે મહિનામાં દરરોજ 100 કિલો કરતાં વધારે ડ્રગ્સ પકડાયું છે. હવે આ પોલીસે પકડેલું ડ્રગ્સ છે તો પછી નહીં પકડાયેલું ડ્રગ્સ કેટલું હશે એ વિચારવાની જરૂર છે. જે ડ્રગ્સ પકડાયું તેની કિંમત 245 કરોડ રૂપિયા છે એ જોતાં રોજનું સરેરાશ સાડા ચાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું કહેવાય. આ આંકડો પકડાયેલા ડ્રગ્સનો છે તો પછી વણપકડાયેવું ડ્રગ્સ કેટલું હશે એ વિચારી જુઓ. ગુજરાતી યુવાનોના શરીરમાં કેટલું ડ્રગ્સ જતું રહ્યું તેની કલ્પના કરી જોજો.
સંઘવીએ પોતે ગુજરાતમાં સતત ડ્રગ્સ પકડાયું છે એ વાતને અતિ ગંભીર ગણાવી છે પણ કમનસીબે આપણે ત્યાં આ દૂષણ ગંભીરતાથી નથી લેવાયું. આ વાસ્તવિકતા છે ને તેનો નાદર નમૂનો મુંદ્રા ડ્રગ્સકાંડ છે. લગભગ બે મહિના પહેલાં એટલે કે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી હેરોઈનનાં બે ક્ન્ટેનર પકડાયાં હતાં. લગભગ ત્રણ હજાર કિલો જેટલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 21 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાતું હતું.
મુંદ્રા પોર્ટ અદાણી જૂથ દ્વારા કચ્છમાં વિકસાવાયેલું ખાનગી બંદર છે.આ ખાનગી બંદર પર અફઘાનિસ્તાનના કંદહારથી ડ્રગ્સ લવાયેલું. અફઘાનિસ્તાનની હસન હુસેન લિમિટેડ દ્વારા ભારતમાં મોકલાવાયેલું આ ડ્રગ્સ આંધ્ર પ્રદેશના વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીએ મંગાવેલું. વિજયવાડાની કંપનીએ ટેલ્કમ સ્ટોનની આયાતના નામે આ ડ્રગ્સ ભારતમાં ઘૂસાડેલું. આશિ ટ્રેડિંગ કંપની મચવરમ સુધાકરણ અને તેની પત્ની દુર્ગા વૈશાલીની માલિકીની છે. આ ક્ન્ટેનર આવ્યાં ત્યારે ડીઆરઆઈ, કસ્ટમ ડિપાર્ટમેન્ટ તેમજ બીજી એજન્સીઓને શક પડતાં ક્ન્ટેનર તપાસ્યાં તો તેમાંથી ડ્રગ્સ નિકળેલું.
ભારતના ઈતિહાસમાં એજન્સીઓએ પકડેલો આ ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો છે. ડ્રગ્સની કિંમત અબજો રૂપિયામાં છે તેના પરથી જ આ કૌભાંડ કેટલું મોટું છે તેની ખબર પડે. ભારતના ઈતિહાસના સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો. અફઘાનિસ્તાનથી આવતા ડ્રગ્સનું મોટા ભાગે આતંકવાદીઓ સાથે કનેક્શન હોય જ તેથી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી દીધેલી. એનઆઈએ ખાસ આતંકવાદને લગતા કેસોની તપાસ માટે રચાયેલી એજન્સી છે ને દેશમાં સૌથી જોરદાર એજન્સીઓમાં એક ગણાય છે. આ એનઆઈએએ આ કેસમાં ગણીને દસ લોકોની ધરપકડ કરી ને વાત તેનાથી આગળ વધતી નથી.
ડ્રગ્સ સાથેનું જહાજ પકડાયું તેમાંથી જ 4 અફઘાનિસ્તાની અને 1 ઉઝબેકિસ્તાની મળીને પાંચ વિદેશી તો પકડાઈ ગયેલા તેથી એનઆઈએએ બે મહિનામાં ગણીને પાંચ લોકોને પકડીને તેમની સામે કેસ કર્યો છે. એનઆઈએ રગશિયા ગાડાની જેમ કેમ તપાસ કરી રહી છે એ રામ જાણે પણ જે રીતે તપાસ ચાલી રહી છે એ જોતાં આ દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો વીંટો વાળીને ભીનું સંકેલવાનો તેનો ઈરાદો હોય એવું જ લાગે છે.મુંદ્રામાંથી પકડાયેલું ત્રણ હજાર કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં શું કરવા લવાયેલું તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. સ્વાભાવિક રીતે જ હલવો બનાવવા તો ડ્રગ્સ નહીં જ લવાયું હોય. ભારતમાં વેચવા માટે કે પ્રોસેસ કરીને બીજું કંઈ કરવા માટે જ ડ્રગ્સ લવાયું હોય. એ બધું કરવા માટે બીજા માણસો હશે, એક નેટવર્ક હશે. એનઆઈએએ જે પાંચ માણસોને પકડ્યા છે એ પાંચ નમૂના જ બધું ન જ કરતા હોય. આ નેટવર્કને રફેદફે કરવાનું હોય પણ બે મહિના પછી પણ આ નેટવર્ક ક્યાં ક્યાં ફેલાયેલું છે તેનો જવાબ મળ્યો નથી.
હવે ગુજરાતમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં શું થશે તે ખબર નથી પણ ડ્રગ્સના દૂષણને નાથવા હવે ગંભીર બનવાની જરૂર છે જ. ગુજરાત પાસે દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો છે અને આ દરિયાકિનારાનો ઉપયોગ ડ્રગ્સ લાવવા થતો હોવાની શક્યતા પૂરી છે. પાકિસ્તાન આ દરિયાકિનારાનો ઉપયોગ પોતાના બદઈરાદાને પાર પાડવા કર્યા જ કરે છે ને તેના ભાગરૂપે ડ્રગ્સ ઘુસાડાતું હોય એવું બને. અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાનની સત્તા છે ને તાલિબાન ડ્રગ્સના સૌથી મોટા વેપારી છે એ જોતાં આપણે જાગવું જ પડે. બાકી ગુજરાત પણ પંજાબની જેમ ઊડતું થઈ જશે.