હવે છોકરીઓ પણ દેશની તમામ સૈન્ય શાળાઓમાં પ્રવેશ લઇ શકશે

  • પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ કેન્દ્ર સરકારનો નિર્ણય

    કેન્દ્ર સરકારે હજારો સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર આપ્યા છે. હવે છોકરીઓ પણ દેશની તમામ સૈન્ય શાળાઓમાં પ્રવેશ લઈ શકશે. આ અંગેની માહિતી લોકસભામાં આપવામાં આવી છે. કેન્દ્રીય સંરક્ષણ બાબતોના રાજ્યમંત્રી શ્રીપદ નાયકએ લોકસભામાં જણાવ્યું હતું કે, સરકારે નિર્ણય કર્યો છે કે શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨થી દેશની તમામ લશ્કરી શાળાઓમાં છોકરીઓને પણ પ્રવેશ આપવામાં આવશે.
    તેમણે માહિતી આપી કે મિઝોરમમાં સૈનિક સ્કૂલ,છીંગછિપ ખાતે સત્ર ૨૦૧૮-૧૯માં એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ગર્લ કેડેટ્સને પ્રવેશ અપાયો હતો. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ સરકારે નિર્ણય કર્યો છે કે છોકરાઓની સાથે હવે તમામ સૈન્ય શાળાઓમાં છોકરીઓને પણ પ્રવેશ મળશે.
    લોકસભામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સરકારે નવી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત હવે દેશમાં નવી સૈન્ય શાળાઓ ખોલવામાં આવશે, તેમાં એનજીઓ, ખાનગી શાળાઓ અને રાજ્ય સરકારોની ભાગીદારીમાં હશે. ઉલ્લેખનીય છે કે આ વખતના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આની જાહેરાત પણ કરવામાં આવી હતી.
    પ્રાપ્ત વિગતો મુજબ હાલ દેશમાં ૩૩ સૈનિક શાળાઓ છે. બધી શાળો સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલ્સ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. સ્કૂલોમાં પ્રવેશ માટે ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ એન્ટ્રન્સ એક્ઝામ થાય છે. જેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત કરવામાં આવે છે.