હવે તો ચીનનું કામ ભારત પર વિવિધ સાયબર હૂમલાઓ કરતા રહેવાનું છે

ચીન સાથેના સંબંધો સુધરી રહ્યા છે ને બધું સમુસૂતરું ચાલી રહ્યું છે એવી મોદી સરકારની સકારાત્મક વાતો વચ્ચે ચીનનું નવું કરતૂત બહાર આવ્યું છે. ઓક્ટોબર મહિનામાં મુંબઈમાં અચાનક જ પાવર જતો રહેલો ને મુંબઈના લોકોની હાલત બગડી ગયેલી. મુંબઈની લાઈફલાઈન મનાતી ટ્રેનો બંધ થઈ ગયેલી ને હૉસ્પિટલો-સ્ટૉક ઍક્સચેન્જ કલાકો સુધી બંધ રહેતાં આખું શહેર ઘાંઘું થઈ ગયેલું. આપણે ત્યાં કલાકો સુધી પાવર જતો રહે ને લોકો ભગવાન ભરોસે જતા રહે એમાં કશું નવું નથી તેથી એ વખતે આ વાતને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી પણ અત્યારે નવી વાત બહાર આવી છે. અમેરિકાના ટોચના અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે ચીનના રેડઈકો નામના ગ્રુપનું આ કારસ્તાન હતું ને તેણે જ મુંબઈમાં પાવર ખોરવી નાખેલો. આ ગ્રુપે ભારતના મોટા પાવર પ્લાન્ટ્સમાં માલવેર નાંખીને ગરબડ કરી હતી ને તેના કારણે મુંબઈમાં અંધારપટ થઈ ગયેલો એવો દાવો આ રિપોર્ટમાં કરાયો છે.

આ રિપોર્ટના દાવા પ્રમાણે તો ચીનાઓની દાનત તો ભારતમાં સાગમટે ઘણાં બધાં રાજ્યોમાં અંધારપટ કરીને બધું ખોરવી નાખવાનો હતો પણ એ લોકો ફાવ્યા નહીં. બાકી તો ભારતમાં અરાજકતા ને અંધાધૂંધી સર્જાઈ ગઈ હોત. આપણે ત્યાં વોટ્સએપ પર ને ટીવી ચેનલો પર મોદી સાહેબની સરકારે ચીનને કેવી રીતે પાઠ ભણાવ્યો તેની વાતો થોકબંધ પિરસાય છે. અને તે વાસ્તવિક પણ હોય છે. ન્યૂ યોર્ક ટાઈમ્સમાં જે દાવો કરાયો છે એ નક્કર પુરાવા સાથે કરાયો છે. અમેરિકામાં રેકોર્ડેડ ફ્યુચર નામે એક કંપની છે. આ કંપનીનું નામ સાયબર થ્રેટ એટલે કે ઈન્ટરનેટના માધ્યમથી ઊભા કરાતા ખતરા પર નજર રાખવાનું છે. રેકોર્ડેડ ફ્યુચર અમેરિકાની સરકાર અને બીજી મોટી મોટી કંપનીઓ માટે કામ કરે છે.

અમેરિકન સરકારની અને કંપનીઓની વેબસાઈટ્સ પર ઊભા થતા ખતરાને ખાળવો એ આ કંપનીનું કામ છે. સાથે સાથે દુનિયામાં કયા અળવિતરા સાયબર એટેક કરીને કોઈની પણ પત્તર ખાંડી શકે તેમ છે તેના પર પણ આ કંપની નજર રાખે છે કે જેથી ભવિષ્યમાં એ પોતાને નુકસાન કરવા આવે તો તેને પહોંચી વળાય. અમેરિકા અને ચીન વચ્ચે લવ-હેટ રિલેશન્સ છે. બંને એકબીજાની ગરજે સાથે છે પણ એકબીજાને પછાડવાની કોઈ કસર છોડતા નથી તેથી આ કંપની ચીનની બધી હરકતો પર નજર રાખે છે. ચીને લદાખ સરહદે ભારતના વીસ સૈનિકોની હત્યા કરી તેમાં બંને દેશો વચ્ચે તણાવ થઈ ગયો ત્યારથી આ કંપની ચીનાઓ પર નજર રાખીને બેઠી હતી તેમાં આ કારસ્તાન પકડાઈ ગયું. રેકોર્ડેડ ફ્યુચરના કહેવા પ્રમાણે ચીનાઓ 2020ના જાન્યુઆરીથી ભારતની સિસ્ટમમાં માલવેર નાખીને સિસ્ટમને ખોરવી નાખવા મથતા હતા ને ત્યારથી જ રેકોર્ડેડ ફ્યુચરની નજરે ચડી ગયેલા.

ભારત-ચીન વચ્ચે ડખો થયો પછી તેનું પ્રમાણ વધી ગયેલું ને સપ્ટેમ્બરમાં તો ચીનાઓએ હલ્લાબોલ જ કરી દીધેલું. એ વખતે ચીનાઓએ બહુ મોટી સંખ્યામાં માલવેર એટલે કે વાયરસ ભારતની સિસ્ટમમાં નાખેલા પણ તેમાંથી મોટા ભાગના એક્ટિવ થયા જ નહીં. તેના કારણે આપણી આખી પાવર સિસ્ટમ કોલેપ્સ ન થઈ પણ મુંબઈનો વારો તો પડી જ ગયો. કંપનીના રિપોર્ટમાં બીજી પણ ઘણી બધી વાતો છે ને મોટા ભાગની ટૅક્નિકલ છે પણ આ વાતોનો ટૂંકમાં સાર એ જ છે કે, ચીના આપણી આખી પાવર સિસ્ટમને ખોરવી નાખવા મથતા હતા. પાવર બંધ થઈ જાય તો બધું ઠપ્પ થઈ જાય ને ચીના ધારે એ કરી શકે એ જોતાં ચીનાઓનો ઈરાદો કેટલો ખતરનાક હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. ચીન ભારતને સાયબર એટેકનું નિશાન બનાવીને આપણી હાલત ખરાબ કરી નાખવા માગે છે એ વાત ચોંકાવનારી છે પણ નવી નથી.

આ પહેલાં અમેરિકાની બીજી સંસ્થા ચાઈનીઝ ઍરોસ્પેસ સ્ટડીઝ ઈન્સ્ટિટ્યૂટ (સીએએસઆઈ)એ ધડાકો કરેલો જ કે ચીનનો ડોળો આપણી કૉમ્યુનિકેશન સિસ્ટમ પર છે ને ચીની સરકારના ઈશારે હેકર્સ આપણા સૅટેલાઈટ કૉમ્યુનિકેશન નેટવર્ક પર હુમલો કરીને આપણી કોમ્યુનિકેશન સિસ્ટમને ખોરવી નાખવાની ફિરાકમાં છે. આ સંસ્થાએ તો ત્યાં લગી કહ્યું હતું કે, ભારત-ચીન વચ્ચે તણાવ પેદા થવાની ઘટના ગલવાન ખીણમાં બની તેના બહુ પહેલાંથી ચીન આ ફિરાકમાં છે. આ સંસ્થાના દાવા પ્રમાણે 2012 થી 2018 દરમિયાન ચીને અનેક વાર ભારતના સૅટેલાઈટ કૉમ્યુનિકેશન નેટવર્ક પર હુમલો કરીને તેને રફેદફે કરી નાખવાની કોશિશ કરેલી. ચીન આ પ્રયત્નોમાં ફાવ્યું નથી છતાં ચીને હજુ એ પ્રયત્નો છોડ્યા નથી.

આ સંસ્થાનો દાવો હતો કે, ચીને અમેરિકાના સૅટેલાઈટ કૉમ્યુનિકેશન નેટવર્કને ખોરવી નાખવાના પણ ધમપછાડા કરેલા. અમેરિકન લશ્કરના હેડક્વાર્ટર પૅન્ટાગોનના એક રિપોર્ટના હવાલાથી આ દાવો કરાયેલો. આ રિપોર્ટમાં ઉલ્લેખ હતો કે, અમેરિકાની ટોચની સ્પૅસ રિસર્ચ ઍજન્સી નાસા સાથે સંકળાયેલી જૅટ પ્રોપલ્ઝન લેબોરેટરી (જેપીએલ)ના નેટવર્ક પર હુમલાનો પ્રયત્ન ચીને કરેલો ને જેપીએલના નેટવર્કમાં ઘૂસણખોરી કરીને અમેરિકાના સૅટેલાઈટ કૉમ્યુનિકેશન નેટવર્ક પર કબજો કરવા માગતું હતું પણ ફાવેલું નહીં કેમ કે અમેરિકાની સાયબર સિક્યુરિટી સિસ્ટમ જડબસેલાક છે. જેપીએલ કૅલિફોર્નિયામાં આવેલી છે અને નાસાનું ટોચનું રિસર્ચ ઍન્ડ ડૅવલપમેન્ટ સેન્ટર છે. અમેરિકામાં સૅટેલાઈટ કૉમ્યુનિકેશન નેટવર્ક જેપીએલ દ્વારા ચાલે છે એ જોતાં ચીન અમેરિકાના કૉમ્યુનિકેશ નેટવર્કને રફેદફે કરવા માગતું હતું એ સ્પષ્ટ છે. આ રિપોર્ટમાં તો એવો દાવો પણ કરાયેલો કે, ચીન આ ઉધામા પછી હવે એવી ટૅક્નોલોજી વિકસાવવામાં પડ્યું છે કે જેની મદદથી દુશ્મન દેશને સૅટેલાઈટ કૉમ્યુનિકેશન નેટવર્ક વિનાનું કરીને પછી તબાહ કરી શકાય.

આ રિપોર્ટ હજુ છ મહિના પહેલા જ આવેલો ને હવે ચીને આપણી પાવર સિસ્ટમમાં માલવેર ઘુસાડ્યા એ વાત બહાર આવી છે. આ બંને વાતો એકબીજા સાથે જોડાયેલી છે એ જોતાં આપણા પર મોટો ખતરો છે એ સ્પષ્ટ છે. ચીન અમેરિકાને તબાહ કરવા માગતું હોય તો આપણે તો કોઈ વિસાતમાં જ નથી. અમેરિકા દુનિયાનો સૌથી તાકાવર દેશ છે ને ટૅક્નોલોજીમાં પણ અવ્વલ છે. અમેરિકા, જાપાન સહિતના દેશો ટેકનોલોજીના ક્ષેત્રમાં દાદા છે અને કોઈ પણ પ્રકારના હુમલાને પહોંચી વળવા માટે સક્ષમ છે. આમ છતાં ચીન તેમને ટૅક્નોલોજીની મદદથી પછાડવા મથતું હોય તો આપણને એ રીતે પરેશાન કરવા મથે તેમાં તો કોઈ શંકા જ નથી.

આપણા માટે તકલીફ એ છે કે, આપણે ટૅક્નોલોજીમાં એટલા ખેલંદા નથી કે ચીનના ખતરાને પહોંચી વળીએ. ટેકનોલોજીમાં આપણે સાવ પછાત છીએ. જર્મની, અમેરિકા, રશિયા કે જાપાન સાથે સરખામણીનો તો સવાલ જ નથી પણ યુરોપના બીજા નાનાદેશોની સરખામણીમાં પણ આપણે બહુ પાછળ છીએ. સામે ચીન તો જાપાન, જર્મની, રશિયા, અમેરિકા જેવા દેશોને હંફાવી શકે એટલી તાકાત ધરાવતો દેશ છે તેથી તેના માટે આપણને પછાડવા બહુ સરળ છે. આપણી પાવર સિસ્ટમ કે કૉમ્યુનિકેશ નેટવર્ક સૅટેલાઈટથી ચાલે છે. ભારતનો પોતાનો સ્પૅસ કાર્યક્રમ છે ને ભારતના પોતાના સૅટેલાઈટ પણ છે પણ આપણે બીજા દેશો પર નિર્ભર છીએ કેમ કે આપણી સૅટેલાઈટ કૉમ્યુનિકેશન ટૅક્નોલોજી ઉધારની છે. ચીન તેને રફેદફે કરવાના ઉધામા છેલ્લા દોઢ દાયકાથી કરે છે ને આ પ્રકારના એટેક થયા છે એવું ઈસરો પોતે કબૂલે છે તેથી આ ખતરો મોટો છે.

કૉમ્યુનિકેશન નેટવર્ક કે પાવર પરનો હુમલો કેવી અરાજકતા ને અંધાધૂંધી સર્જી શકે એ કોઈને કહેવાની જરૂર નથી. આપણા આંખ, કાન, મોં બધું બંધ થઈ જાય ને સાવ લાચાર થઈ જઈએ. મુંબઈમાં ચાર-છ કલાક પાવર બંધ રહ્યો તેમાં તો આપણી ફેં ફાટી ગયેલી તો આખા દેશમાં એવું થાય તો શું હાલત થાય એ કહેવાની જરૂર નથી. ચીન એકદમ હલકું છે ને તેને કોઈ નીતિનિયમો કે સિદ્ધાંતો નડતા નથી. તેની માનસિકતા જ લોકોને પરેશાન કરીને તેમનું પડાવી લેવાની છે એ જોતાં એ ગમે તે હદે જઈ શકે છે. આપણે આ વાત સમજવી પડે ને આ ખતરાને ગંભીરતાથી લેવો પડે કેમ કે ચીન આપણને સૌથી મોટો દુશ્મન માને જ છે. ચીન ભારતને પોતાનો સૌથી મોટો આર્થિક હરીફ બનવાની તાકાત ધરાવતા દેશ તરીકે જુએ છે તેથી ભારતને તાકાતવર બનતો રોકવા એ ગમે તે કરી શકે. અમેરિકાની કંપનીએ આપણને ચેતવીને સારું કર્યું છે ને એ ચેતવણીને આપણી સરકાર ગંભીરતાથી લે એવી આશા રાખીએ.