હવે તો સ્વૈચ્છિક લોકડાઉનનો યુગ શરૂ થતાં પ્રજાએ પણ સાવધાન રહેવું

સ્થિતિ દેખાય છે એના કરતાં ક્યાંય વધુ ગંભીર છે. દેશભરમાં કોરોનાની મહામારી કહેર વર્તાવી રહી છે, એક તો લોકડાઉન પહેલાં જ મંદી હતી, તેમાં વળી લોકડાઉન આવ્યું, તે પછી સ્થિતિ વધુ વિકટ બની છે, ફરીથી કોરોનાના સંક્રમણ અને મૃત્યુનો આંક વધવા લાગતા સમસ્યા વધુ ઘેરી બની છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવો વચ્ચે ઘટી ગયા હતાં, તેમ છતાં કેન્દ્ર સરકારે એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો નહીં, અને વધારો કર્યો તો રાજ્યોએ વેટમાં લોકડાઉન પછી પણ કોઈ રાહત આપી નહીં. તેથી પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવો આસમાને પહોંચી ગયા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીની મધ્યે ગેસના બાટલામાં રૂપિયા દસ જેવી થોડીક રાહત આપી ખરી.
આ કારણે મોંઘવારી વધી રહી છે અને મહામારી, મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે લાગુ થતી બજેટની જોગવાઈઓ ઉપરાંત બેન્કીંગ ક્ષેત્રો, જીએસટી અને અન્ય નાણાકીય ક્ષેત્રોમાં ઘણા ફેરફારો આવી રહ્યાં છે, જે મોંઘવારીને એક નવો વળાંક દેશે તેવી આશા છે. આ બધા સંજોગો વચ્ચે મૂડીઝનો એક અહેવાલ નાગરિકોની ચિંતા વધારી રહ્યો છે. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી હોવાની ચિંતા આ અહેવાલમાં પ્રગટ થઈ છે. જીડીપીમાં પીછેહઠની આશંકા પણ આ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. અનુમાન મુજબ વર્ષ 2021માં જીડીપીનો દર વર્ષ 2019 અને વર્ષ 2020 કરતા પણ ઓછો રહેશે, જેથી કેન્દ્ર સરકાર સામે પડકારો વધશે જો કે, આ રિપોર્ટને પણ સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી. કઈ-કઈ ચીજવસ્તુઓ મોંઘી થઈ જશે અને ક્યા-ક્યા ક્ષેત્રોમાં નવા નિયમો અમલી બનશે અથવા ફેરફાર થશે, તેની ચર્ચા ગઈકાલથી જ થઈ રહી છે.
એવામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી આવી રહેલા વિવિધ અહેવાલો અને સંસ્થાકીય સર્વેક્ષણો ચિંતા વધારનારા છે, તેમાં કોરોનાની મહામારી ફરીથી વકરી રહી હોવાથી લોકો માટે જિંદગી વધુ વિકટ બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. આ સંજોગોમાં લોકો મુંઝવણ અનુભવી રહ્યાં છે. ગુજરાતમાં વિધાનસભાનું સત્ર તો ઘણા દિવસથી ચાલી રહ્યું છે, પરંતુ લવ જેહાદનું બીલ રજૂ કરવા પાછળ પણ સરકારી “લોજીક” હોવાનું મનાય છે, કેટલાક વિચારકોના મંતવ્ય મુજબ ગુજરાત અને કેન્દ્રના બજેટની અમલવારી થવાની છે અને રાજ્ય તથા દેશમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે, તો બીજી તરફ મંદી અને મોંઘવારીની સમસ્યાઓ વધી ઘેરી બની રહી હોવાથી રાજય સરકારે લોકોનું ધ્યાન આ મહત્ત્વના મુદ્દાઓ પરથી હટાવવા જ આ બીલને પ્રસ્તુત કરવાની રણનીતિ અપનાવી હોવી જોઈએ એવી અટકળો થઈ રહી છે.
જો કે, કેટલીક જનલક્ષી સેવા-સુવિધાઓમાં વધારો અને કેટલીક નવી યોજનાઓ પણ અમલી બનવાની છે. ટેલિવિઝન, એ/સી મશીનો, રેફ્રિજરેટર, દ્વિચક્રી વાહનો, કાર, મોબાઈલ ફોન વગેરે આ વરસે મોંઘા થશે, અને ટોલટેક્સ તથા હવાઈ ટિકિટોના દર પણ વધશે. ગુજરાત ફરીથી કોરોનાની ઝપટે ચડ્યું છે, તો દેશભરમાં સંક્રમણ ફરીથી નવા વિક્રમો સર્જી રહ્યું છે અને મૃત્યુનો આંકડો વધવા લાગ્યો અને દર્દીઓના સાજા થવાની ગતિ પહેલા જેવી રહી નથી. હવે તો નવજાત શિશુઓએ કોરોનાનું સંક્રમણ થયું હોવાના અહેવાલો પહેલી એપ્રિલે વહેતા થયા હોવાથી લોકો તેને કન્ફર્મ કરી રહેલા જણાયા હતાં હકીકતે અત્યારે કોરોનાનું સંક્રમણ જે ખતરનાક રીતે વધી રહ્યું છે, ત્યારે હવે ફરીથી કડક પગલા લેવા જ પડશે
જો કે, સંપૂર્ણ કક્ષાના લોકડાઉન અંગે હવે કેન્દ્ર સરકાર તો વિચારશે જ નહીં, કારણ કે હવે દેશનું અર્થતંત્ર, લોકોની રોજગારી અને માર્કેટના હિતો જાળવવા પણ જરૃરી જણાય છે, હવે કેટલાક રાજયોએ લોકડાઉન, રાત્રિ કરફયૂનો સમયગાળો વધારવા અને કેટલાક પ્રતિબંધો ફરીથી લગાવવા વિચારી રહ્યાં છે. જે યોગ્ય છે કે નહીં, તેના કરતાયે હવે તેનો અમલ કેવો થશે અને હવે પબ્લિક ગત્ વર્ષની જેમ ચૂસ્ત પાલન કરશે તેવી ગંભીર આશંકાઓ ઊભી થવા લાગી છે. ગઈકાલે જ એવી ચર્ચા થઈ રહી હતી કે, જે ચાર મહાનગરોમાં રાત્રિ કરફયૂ છે, ત્યાં રાત્રે આઠ થી સવારે છ વાગ્યા સુધી લંબાવી દેવાશે. આની અટકળોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યુ છે કે નહીં, તેનો વિચાર કર્યા વગર લોકો આ અંગે ચર્ચા કરી રહેલા જોવા મળ્યા હતાં.
જો ફરીથી સંપૂર્ણ લોકડાઉનથી બચવું હોય, અને પોતાની તથા પોતાના પરિવારજનોની જિંદગીને આ બીમારી સામે સુરક્ષિત કરવી હોય તો વેક્સિન લઈ લીધા પછી પણ માસ્ક પહેરવું, સોશ્યલ અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા, ભીડભાડ તો કોઈપણ સંજોગોમાં ન કરવી અને સેનેટાઈઝીંગની તકેદારી રાખવી વિગેરે કાળજી તો રાખવી જ પડશે. અન્યથા ગંભીર હાનિ થઈ શકે છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે દિવસથી મીડિયાકર્મીઓ માટે કોરોનાની વેક્સિન લગાવાઈ રહી છે, ત્યારે આવી વ્યવસ્થા અમરેલીમાં પણ થઈ છે. જનતા કરફયૂ અને લોકડાઉનથી લઈને આજપર્યંત અખબારી અને મીડિયા જગતે પણ દિવસ-રાત કામ કરીને માત્ર સમાચારો જ નહીં, પણ જનજાગૃતિ અને વ્યવસ્થાપનમાં પણ નોંધપાત્ર ભૂમિકા અદા કરી હતી, તેથી તેઓ પણ કોરોના વોરિયર્સ જ ગણાયને..?
રાજ્ય સરકારે હવે એક તરફ વેક્સિનેશનની ગતિ વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે, તો બીજી તરફ કેટલાક પગલાં લેવાની શરૂઆત પણ કરી છે. હવે ગુજરાતને જોડતી પડોશી રાજયોની તમામ સરહદો પર પહેરો મૂકાયો છે, અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ મુસાફરોને ટેસ્ટ કરીને જો રિપોર્ટ નેગેટિવ આવે તો જ રાજયમાં પ્રવેશ અપાશે, આ માટે ચાર બોર્ડર નક્કી કરી હોવાનું પણ બહાર આવ્યું છે. કેટલાક લોકો કહે છે કે, આ તો ખાળે ડૂચા દઈને દરવાજા ખૂલ્લા રાખવા જેવું છે. એટલું જ નહીં, ઘોડા ભાગી ગયા પછી હવે ખાલી તબેલાને તાળા મારવા જેવું પણ છે. હવે કોરોનાને ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતો અટકાવવો હોય તો થોડું ઘણું કડક વલણ તો અપનાવવું જ પડે તેમ છે, ત્યારે પબ્લિક પણ સ્વયં જાગૃત બને તે અનિવાર્ય છે.
કોરોનાએ ફરીથી ફૂંફાડો માર્યો છે, તો બીજી તરફ કોરોનાની રસી લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે આ સંજોગોમાં ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું હોવાથી હવે સ્વૈચ્છિક લોકડાઉનનો યુગ આવી રહ્યો હોય તેમ જણાય છે, કારણ કે સરકારી તંત્રો દ્વારા નેતાઓ અને સામાન્ય જનતા માટે અલગ-અલગ દષ્ટિકોણ અથવા માપદંડો અપનાવાઈ રહ્યાં હોવાથી લોકોનો ભરોસો ઉઠવા લાગ્યો છે, અને હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો વિકલ્પ અપનાવવા જઈ રહ્યાં છે. તેથી એવું કહી શકાય કે હવે સ્વૈચ્છિક લોકડાઉનનો યુગ આવી રહ્યો છે.
હવે નેતાઓએ કોરોનાના નિયમોનો ભંગ કર્યો હોવાના બહાને આપણે પણ તેના જેવા (નિંભર) થવા લાગ્યા છીએ તેમ જણાય છે. આ કારણે જ આગેવાન આંધળો, તેનું કટક કૂવામાં તેવી કહેવત અહીં સાર્થક થઈ રહેલી જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન ન રખાય, તો પણ સ્વૈચ્છિક નિયમ પાલનની કોઈ ઝુંબેશ ન ચલાવી શકાય…? બંધબારણે ચાલતા ટ્યુશન બંધ કરાવાયા, તે સારું થયું, પણ તેવી જ રીતે જનજાગૃતિ માટે ભાજપ-કોંગ્રેસની યુવા પાંખો રોડ પર ઉતરીને ગાંધીગીરી ન કરી શકે…? શહેરોની સ્વૈચ્છિક સેવાભાવિ સંસ્થાઓ આવા જનજાગૃતિ અભિયાનો (વાસ્તવમાં હો…!) ન ચલાવી શકે…? શું સમાજના શ્રેષ્ઠીઓ અને ધર્મગુરુઓ લોકડાઉન દરમિયાન જેવી અપીલો કરતા હતા તેવી ન કરી શકે…? જરા વિચારો.