હવે પેટ્રોલ અને ડિઝલમાંથી નિવૃત્ત થવા તૈયાર રહો કારણ કે બેટરી દોડતી આવે છે

પેટ્રોલ-ડીઝલના ભાવનો વધારો, સતત વધારો, દરરોજ વધારો અને પછી થોડો ઘટાડો- આ રમત હવે ભારતીયોને કોઠે પડી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર ટેક્સ નાખે, તેના પછી રાજ્ય સરકાર ટેક્સ નાખે. માટે જુદાં જુદાં રાજ્યો જ નહિ પણ જુદાં જુદાં શહેરોમાં ભાવમાં ખૂબ ફેરફાર જોવા મળે. પાડોશી રાજ્યો વચ્ચે પણ પેટ્રોલ-ડીઝલનો તફાવત એટલો બધો હોય કે બિચારા નાગરિકોને રાજ્યની સરહદ ક્રોસ કરીને બીજા રાજ્યના પેટ્રોલ પંપ સ્ટેશન ઉપર ટાંકી ફૂલ કરાવવા જવાનું મન થાય. ચૂંટણી નજીક હોય ત્યારે અચાનક પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી પણ જાય. ભાવવધારો અને ભાવઘટાડો પણ સરકારના હાથમાં હોય છે. ટેક્સ જ ચાલીસ -પચાસ કે સાઠ રૂપિયા જેટલો લાગે છે. એક જ લિટર પેટ્રોલ ખરીદવું હોય તો પેટ્રોલની પડતર કિંમતના પૈસા કરતા તો વધુ ટેક્સ ચૂકવવો પડે છે.

ટેક્સની માયાજાળે પેટ્રોલ-ડીઝલને સકંજામાં લીધા છે. આ એક જ કોમોડિટી એવી છે જેના ભાવ દરેક દેશમાં સાવ જુદા હોય છે. સોનાનો ભાવ ગુજરાતમાં અને દુબઈમાં અલગ છે. પરંતુ તેમાં ધરખમ ફેરફાર નથી. એવું જ કોપર કે એલ્યુમિનિયમ માટે કહી શકાય. ડાયમંડ કે સ્ટીલમાં પણ એવું જ જોવા મળે છે કે સિંગાપોર અને ઇન્ડોનેશિયાના ભાવમાં બહુ તફાવત ન હોય. ક્રૂડ ઓઈલના ભાવ પણ વૈશ્ર્વિક સ્તરે સરખા હોય છે. પરંતુ જેવું તે ક્રૂડ ઓઈલ પેટ્રોલ, ડીઝલ, કેરોસીનના સ્વરૂપમાં વેચાવા મંડે એવું તરત તેના ભાવમાં ધરખમ તફાવત જોવા મળે. પાકિસ્તાનના અને ભારતના ભાવમાં ખૂબ ફરક. નેપાળ અને ઈરાનમાં મળતા પેટ્રોલના ભાવમાં બહુ મોટો તફાવત. પેટ્રોલ-ડીઝલ સિવાય એવી એક પણ કોમોડિટી નથી જેમાં આવી અવ્યવસ્થા જોવા મળે. સાઉદી અરેબિયા જેવા દેશોમાં તો પેટ્રોલ પાણી કરતા પણ સસ્તું છે. સોનું સર્વવ્યાપી છે પરંતુ પેટ્રોલનો ભાવ સર્વસામાન્ય નથી.

પેટ્રોલ-ડીઝલના ખાટલે મોટી ખોડ એ છે કે તે અમુક જમીનમાંથી જ મળે છે. બાકી અમુક દેશો એવા છે જેના પેટાળમાં પેટ્રોલનું એક ટીપું નથી. ભારત બહુ મોટો દેશ છે. એક સમયે આસામના દિગ્બોઈ ખાતે પેટ્રોલિયમનો સારો એવો જથ્થો આપણને મળ્યો હતો. આજે તે વર્ષોથી બંધ છે. મુંબઈ અને જામનગર ખાતે રિફાઈનરી છે. સમુદ્રના પેટાળમાંથી પેટ્રોલિયમ થોડું મેળવવામાં આવે છે. બાકીનું બધું જ ક્રૂડ ઓઈલ ભારત આયાત કરે છે. નાઇજીરિયા જેવા દેશોમાંથી પણ ભારતે પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવી પડે છે. આપણું ક્રૂડ ઓઈલનું આયાતી બિલ કરોડો ડૉલરને પહોંચે છે. માટે ભારત જેવા ઘણા દેશોએ અમુક તમુક દેશો ઉપર આધાર રાખવો પડે છે. અરબ દેશોની પેટ્રોલ ખાતે મોનોપોલી છે. ઓપેક સંગઠનના બધા દેશો મુનસફી પ્રમાણે વર્તે છે ને બેરલદીઠ પેટ્રોલનો ભાવ નક્કી કરે છે. દુનિયાના ઘણા બધા દેશોએ અરબ દેશોના ઓશિયાળા બની રહેવું પડે છે.

ભારતની ભૂગોળના નસીબ અમેરિકા કે રશિયા જેટલા સારા નથી. અમેરિકા પાસે તો પેટ્રોલિયમનું વિશાળ રિઝર્વ પણ છે અને તેના ભૂગર્ભમાંથી પણ વિપુલ પ્રમાણમાં ઓઈલ મળી આવે છે. એવું જ રશિયાનું છે. રશિયા પાસે ઓઈલનો મોટો જથ્થો છે. તે બંને દેશોનો જમીની વિસ્તાર વધુ મોટો છે. માટે પેટાળમાંથી ક્રૂડ ઓઈલ મળી આવવાની શક્યતા વધુ રહે છે. ભારત તો ઓસ્ટ્રેલિયા કરતા પણ ખુબ નાનો દેશ છે. જયારે વસ્તીમાં તો હવે ચાઈનાને પણ ટપી ગયો હોય એવું બને. વસ્તી જેમ વધુ એમ વાહનોની સંખ્યા વધે. સરવાળે પેટ્રોલિયમની ડિમાન્ડ વધે અને વધુને વધુ ઓઈલ આયાત કરવું પડે. વહીવટી તંત્રના ખર્ચા કાઢવા માટે તેની ઉપર મોટો ટેક્સ લગાડવો પડે. જેના કારણે મોંઘવારી વધે, ફુગાવાનો દર વધે અને નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠે.

૨૦૩૦થી નવી પેટ્રોલ-ડીઝલથી ચાલતી ગાડીઓના વેચાણ ઉપર પ્રતિબંધ આવી જશે તેવું ત્રણ વર્ષ પહેલાં નીતિન ગડકરીએ કહ્યું હતું. ભારતને ઇલેક્ટ્રિક દેશ તરીકે જાહેર કરવાની નેમ સાથે આ નિર્ણયનો ઉલ્લેખ પ્રજા સમક્ષ કરવામાં આવ્યો હતો. તેમાં જૂના પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનો ઉપર પ્રતિબંધ લાદ્યો ન હતો. પરંતુ નવા વાહનો તો ઇલેક્ટ્રિક જ મળશે એ નિર્ધારિત છે. પછી સવાલ ઊઠ્યો હતો કે આ પ્રતિબંધ પછી સેક્ધડ હેન્ડ કે યુઝડ કાર મળી શકે? તો તેની સરકારે હા પાડી હતી. નવા પેટ્રોલ-ડીઝલ વાહનોના વેચાણ ઉપર જ પ્રતિબંધ મૂકવામાં આવશે. હજુ તો ૨૦૩૦ ને ઘણો સમય છે. પરંતુ અત્યારથી બેટરી ઓપરેટેડ વાહનો વાપરવામાં આવે તો આખા ફેમિલી માટે વધુ સારું.

બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વિહિકલ ઇન્ડસ્ટ્રીનો ભારતમાં ઉદય થઇ ગયો છે અને હવે જોરશોરથી પ્રગતિ ચાલુ છે. ભારતમાં બેટરી ઓપરેટેડ વાહનોની માર્કેટ છે ખરી. ૨૦૧૩ માં નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન-૨૦૨૦ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય ઉર્જા/બળતણનો પ્રશ્ર્ન, વાહનો દ્વારા સર્જાતું પ્રદૂષણ અને લોકલ માર્કેટને પ્રોત્સાહન આપવાના મુદ્દાઓ મુખ્ય હતા. પેરિસ ટ્રીટીમાં ભારતે આમ પણ વચન આપ્યું હતું કે પ્રદૂષણ ન્યુનતમ થશે અને દેશનાં વાહનો ઇલેક્ટ્રિક બનશે. રેવા ઇલેક્ટ્રિક કાર કંપની જેવી ઘણી ભારતીય
કંપનીઓ ઈવી એટલે કે ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે. ટેક્સીની કંપની ઓલા પણ ઇલેક્ટ્રિક કારને ટેક્સી તરીકે માર્કેટમાં મૂકવા માટે વિચારણા કરી રહી છે. સાથે તાતાએ તો તેની ઇલેક્ટ્રિક કાર બે વર્ષ પહેલાંથી લોન્ચ કરી દીધી હતી. મારુતિ સુઝુકી અને મહિન્દ્રા પણ એ દિશામાં આગળ વધી રહ્યા છે.

ઓલ્ટરનેટિવ ફ્યુઅલ તરીકે પેટ્રોલ અને ડીઝલ સિવાય ઇથેનોલ, બાયો-એલએનજી, ગ્રીન હાયડ્રોજનનો પ્રસ્તાવ ઘણા સમય પહેલાસરકાર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું હતું કે સરકાર પણ પ્લેનમાં ભરવામાં આવતા એવિએશન ફ્યુઅલમાં પચાસ ટકા ઇથેનોલની છૂટ આપે છે. અત્યારે ભારતીય રસ્તાઓ ઉપર પેટ્રોલ અને ડીઝલ કારના થપ્પા વચ્ચે એકાદી ઈ-બાઈક દેખાઈ જતી હોય છે. એલન મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવીને જ દુનિયાનો સૌથી તવંગર માણસ બની ગયો. દર થોડા અંતરે પેટ્રોલ સ્ટેશનની જેમ બેટરી ચાર્જિંગ પોઈન્ટ ખોલવા પડશે. હાઈ વે
ઉપર ચાલતી ગાડી આપોઆપ  ચાર્જ થઇ જાય એવા રસ્તા બનાવવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી છે. દસ-પંદર વર્ષ પછી પેટ્રોલ અને ડીઝલ ભૂતકાળ બની ગયા હશે. ઇલેક્ટ્રિક કરન્ટનો જમાનો આવી રહ્યો છે. થોડી રાહ જોવી પડશે.