હાઇકોર્ટમાં અમરેલી પાલીકાની જીત : 26મીએ રસ્તાનો પ્રારંભ

અમરેલી,અમરેલી નગરપાલીકા દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો તેમજ 76 પેટા માર્ગોને આરસીસીના બનાવવા માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં મહેસાણાની જય કોર્પોરેશન નામની કંપનીએ જરૂરી કાગળો પુરા નહી પાડતા નગરપાલીકાની કમીટી દ્વારા શહેરનાં તમામ રસ્તાઓ આરસીસીના બનાવવા માટેના ખોલવામાં આવ્યા હતા જેમાં મહેસાણાની કંપનીનું ટેન્ડર નહી ખોલવામાં આવતા આ કંપની દ્વારા હાઇ કોર્ટમાં એક રીટ કરી હતી. જેનો આજરોજ હાઇકોર્ટ દ્વારા નગરપાલીકાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો અને કંપનીનો દાવો રદ કરી નાખવામાં આવતા નગરપાલીકા દ્વારા રૂા. 12 કરોડના ખર્ચે 76 જેટલા પેટા માર્ગોને આરસીસીના બનાવવાની કામગીરીનો પ્રારંભ 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે તેમ નગરપાલીકાના સુત્રોએ જણાવ્યુ હતુ.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં તમામ રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો. આ સમસ્યા હલ કરવા માટે નગરપાલીકા દ્વારા શહેરનાં મુખ્ય 9 માર્ગો તેમજ 76 જેટલા પેટા માર્ગોને આરસીસીના બનાવવા માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા.
જેમાં ત્રણ જેટલી કંપનીઓએ રોડ બનાવવા માટેના ટેન્ડરો ભર્યા હતા જેમાંથી મહેસાણાની કંપની દ્વારા જરૂરી કાગળો પુરા નહી પાડયા હોવાના કારણે આ કંપનીનું ટેન્ડર ખોલવામાં આવેલ ન હોવાના કારણે કંપનીએ ગુજરાત હાઇ કોર્ટમાં એક રીટ દાખલ કરી હતી. જેનો આજરોજ નગરપાલીકાની તરફેણમાં ચુકાદો આવી જતા નગરપાલીકા દ્વારા શહેરનાં 76 જેટલા પેટા માર્ગોને આરસીસીના બનાવવાની કામગીરીનો પ્રારંભ તા. 26 જાન્યુઆરીથી કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અમરેલી નગરપાલીકાની તરફેણમાં ચુકાદો આવતા આ રસ્તાઓના કામો ઝડપથી પુરા કરવા માટે અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓકે નગરપાલીકાના ચીફ ઓફીસરને સુચના આપી દીધી છે.
અમરેલી નગરપાલીકાની બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામાણીએ શહેરનાં 26 જેટલા પેટા માર્ગોના કામો તુરંત હાથ ધરવા અધિકારીઓને સુચના આપી દીધી છે.