ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મજબૂત નેતા માનવામાં આવે છે. યોગીનો વહીવટીતંત્ર પર જોરદાર કાબૂ છે અને અધિકારીઓની તેમના નામથી ફેં ફાટતી હોવાની છાપ છે. યોગીએ પોતે પણ ઉત્તર પ્રદેશના સરકારીતંત્રમાં ભ્રષ્ટાચાર સાફ કરી નાંખ્યો હોવાનો દાવો કરીને પોતાની આ છાપ મજબૂત બનાવી છે. ભાજપના નેતા પણ યોગી સામે અવાજ ઉઠાવતાં પહેલાં સો વાર વિચાર કરે એવો કડપ છે પણ અચાનક યોગીના ધાક, યોગીના કડપ સામે સવાલ ઊઠે એવી ઘટનાઓ બનવા માંડી છે.
યોગી સરકારના બે મંત્રીએ સરકારની કામગીરી સામે બગાવતી સૂર કાઢતાં યોગી મંત્રી મંડળમાં બધું બરાબર નથી એ તો જગજાહેર થઈ જ ગયું છે પણ સાથે સાથે ઉત્તર પ્રદેશના સરકારીતંત્રમાં ભ્રષ્ટાચાર સાફ કરી નાંખ્યો હોવાના યોગીના દાવા સામે પણ સવાલ ઉઠ્યો છે.
યોગીની ધાક સામે સવાલ ઊભા કરતી પહેલી ઘટનામાં જિતિન પ્રસાદના પબ્લિક વર્ક્સ ડિપોર્ટમેન્ટમાં ચાલતા ભ્રષ્ટાચારના કારણે પ્રસાદના ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી)ને ઘરભેગા કરી દેવાયા છે જ્યારે બીજી ઘટનામાં તો યોગી સરકારના એક મંત્રી દિનેશ ખટીકે રાજીનામું જ ધરી દીધું છે.
યોગીની ધાક સામે સવાલ ઊભા કરતી પહેલી ઘટનામાં જિતિન પ્રસાદના પબ્લિક વર્ક્સ ડિપોર્ટમેન્ટમાં ચાલતા ભ્રષ્ટાચારના કારણે પ્રસાદના ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી)ને ઘરભેગા કરી દેવાયા છે જ્યારે બીજી ઘટનામાં તો યોગી સરકારના એક મંત્રી દિનેશ ખટીકે રાજીનામું જ ધરી દીધું છે.
વધારે આઘાતજનક વાત એ છે કે, ખટીકે યુપી સરકારમાં જ્ઞાતિવાદ ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે અને અધિકારીઓ પોતાને ગાંઠતા નહીં હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં મજાની વાત પાછી એ છે કે, ખટીકે પોતાનું રાજીનામું રાજ્યપાલ આનંદીબેન પટેલ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નહીં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મોકલ્યું છે.હજુ થોડા સમય પહેલાં જ નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. સરકારના આરોગ્ય વિભાગનો હવાલો પાઠક પાસે છે. આરોગ્ય વિભાગમાં ટ્રાન્સફરમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતો બહાર આવતાં બ્રજેશ પાઠકે આ વિશે અધિકારીઓને સવાલ કર્યા હતા. પાઠકે આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અમિત મોહન પ્રસાદને તતડાવતાં પ્રસાદ અને બ્રજેશ પાઠક વચ્ચે જાહેરમાં તુ-તુ મૈં-મૈં થઈ ગયું હતું.
યોગીએ તપાસના આદેશ આપીને માંડ માંડ મામલો થાળે પાડ્યો છે ત્યાં બે મંત્રીઓએ તલવાર તાણતાં નવો ડખો પેઠો છે. કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને યોગીએ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ જેવું ધરખમ ને મલાઈદાર મંત્રાલય આપ્યું ત્યારે ઘણાંનાં ભવાં ખેંચાયેલાં. જિતિન સારી કામગીરી કરી રહ્યા હોવાની હવા જમાવી દેવાઈ હતી ત્યાં ભ્રષ્ટાચારની વાતો બહાર આવી. ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર્સમાં નાણાં ખવાતાં હોવાની વાતોના પગલે મુખ્યમંત્રીએ એક કમિટી બનાવીને તેને તપાસ સોંપી હતી. આ સમિતિના રિપોર્ટમાં ભ્રષ્ટાચાર થયાની વાત સ્વીકારાતાં સૌથી પહેલો વારો ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી) અનિલ પાંડેને પડી ગયો. જિતિન પ્રસાદ પાંડેને ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી) બનાવીને દિલ્હીથી લખનઊ લાવ્યા હતા પણ તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ સાચો હોવાના રિપોર્ટના પગલે તેમને હટાવી દેવામાં આવ્યા. સ્વાભાવિકરીતે જ તેના કારણે જિતિન નારાજ થઈ જ જાય.
જિતિને આ અંગે યોગી સામે રજૂઆત કરી હોવાનું કહેવાય છે પણ યોગીએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખતાં અકળાયેલા જિતિન કૅબિનેટ બેઠકમાંથી નીકળી ગયા. પોતાની ઑફિસમાં જવાના બદલે વતન શાહજહાંપુર પહોંચી ગયા. મીડિયાએ જિતિન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ જિતિને ફોન જ ના ઉપાડ્યો. જિતિન દિલ્હી દરબારમાં રજૂઆત કરવા જવાના હોવાની પણ વાતો ચાલી રહી છે. જિતિનના કિસ્સામાં તો વાતો ચાલી રહી છે જ્યારે દિનેશ ખટીકે તો રાજીનામું જ આપી દીધું છે. દિનેશ ખટીક રાજ્યકક્ષાના જળશક્તિ એટલે કે ઈરીગેશન એન્ડ વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના મંત્રી છે. દિનેશ ખટીકે પોતાનું રાજીનામું દેશના ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યું છે ને તેમાં તેમણે બહું બધી વાતો કરી છે.
ખટીકે આક્ષેપ કર્યો છે કે, દલિત હોવાના કારણે ઑફિસરો મારી વાત બિલકુલ નથી સાંભળતા. દલિત સમાજનો રાજ્યકક્ષાનો મંત્રી હોવાના કારણે મારા કોઈપણ આદેશ પર કોઈ કાર્યવાહી પણ કરવામાં નથી આવતી. બીજું બધું તો છોડો પણ મારા વિભાગમાં કઈ કઈ યોજનાઓ ચાલે છે તે વિશે પણ કોઈ માહિતી આપવામાં આવતી નથી. યુપી સરકારમાં ઑફિસરો દલિતોનું અપમાન કરી રહ્યા છે અને બેફામ બનીને વર્તી રહ્યા છે.
ખટીકના કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે, યોગી સરકારની રચનાને ૧૦૦ દિવસ પૂરા થયા પછી પણ હજી સુધી તેમને કોઈ કામ જ સોંપવામાં આવ્યું નથી. જળશક્તિ વિભાગના કૅબિનેટ મંત્રી તરીકે સ્વતંત્ર દેવ સિંહ છે. ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહના ઈશારે જ ખટીકની વાત વિભાગના અધિકારીઓ નથી સાંભળતા કે ગાંઠતા નથી એવું કહેવાય છે.
ખટીકના રાજીનામાની વાત વહેતી થતાં સિંહે ખુલાસો કર્યો કે, તેમની દિનેશ ખટીક સાથે રોજ વાત થાય છે અને તે નારાજ છે એવી વાતમાં દમ નથી. સિંહે તો તેમના રાજીનામા વિશે કોઈ માહિતી મળી નથી એવો પણ દાવો કર્યો છે. ખટીક લાંબા સમયથી નારાજ હતા ને દસેક દિવસ પહેલાં જ સિંહ સાથે મગજમારી થયેલી.
ખટીકના રાજીનામાની વાત વહેતી થતાં સિંહે ખુલાસો કર્યો કે, તેમની દિનેશ ખટીક સાથે રોજ વાત થાય છે અને તે નારાજ છે એવી વાતમાં દમ નથી. સિંહે તો તેમના રાજીનામા વિશે કોઈ માહિતી મળી નથી એવો પણ દાવો કર્યો છે. ખટીક લાંબા સમયથી નારાજ હતા ને દસેક દિવસ પહેલાં જ સિંહ સાથે મગજમારી થયેલી.
આ પહેલાં ૪ જૂને મેરઠમાં તંબૂના એક વેપારી અને પોલીસ વચ્ચે બબાલ થઈ ત્યારે વેપારીનો બચાવ કરવા ગયેલા ખટીકને પોલીસે તતડાવીને કાઢી મૂકેલા. અકળાયેલા ખટીકે પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને રાજીનામુ આપવાની જાહેરાત કરી નાંખી હતી. એ વખતે તો ખટીકને મનાવી લેવાયા પણ હવે નવી બબાલ થતાં વાત દિલ્હી સુધી પહોંચી છે. યોગી ખેલાડી માણસ છે પણ અત્યારે થયેલા ડખાને ભાજપના આંતરિક રાજકારણ સાથે સંબંધ હોવાનું દેખાઈ જ રહ્યું છે. બંને મંત્રીએ ઊભા કરેલા વાંધા એવા ગંભીર નથી ને વાસ્તવમાં યોગીએ કશું ખોટું કર્યું જ નથી પણ યોગી સામે મુદ્દા ઊભા કરાઈ રહ્યા હોય એવું લાગે છે. ભાજપમાં મોદીની જગા લેવા માટે યોગી અને અમિત શાહ વચ્ચે જંગ છે. યોગી સરકારના નારાજ બંને મંત્રી અમિત શાહના શરણે ગયા છે એ સંયોગ નથી. શાહ પાસે અત્યારે યુપીમાં કે રાષ્ટ્રીય ભાજપ સંગઠનમાં પણ કોઈ હોદ્દો નથી તેથી શાહ સામે રજૂઆતનો શો અર્થ થાય એ કહેવાની જરૂર નથી. આ સંજોગોમાં યોગી તેનો શું નીવેડો લાવશે એ જોવાનું રહે છે.