હાડીડાનાં સીરીયલ કીલર સામે કોર્ટમાં તહોમતનામું રજુ કરાયું

  • જો અમરેલીની ક્રાઇમ બ્રાન્ચના હાથમાં સીરીયલ કીલર ન સપડાયો હોત તો હજુ પણ હત્યાઓ થતી હોત
  • એસપીશ્રી નિર્લિપ્ત રાયની બાજ નજર અને ક્રાઇમ બ્રાન્ચના શ્રી કરમટાની કુનેહને કારણે મહુવાના સેંદરડા ગામના વતની સીરીયલ કીલર મીલન રાઠોડે એક પછી એક પાંચ હત્યાઓ કરી હતી 
  • સીરીયલ કીલરના ગંભીર અપરાધોને ધ્યાને રાખી સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે અમરેલીના બાહોશ ધારાશાસ્ત્રી શ્રી ઉદયન ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી હતી 

અમરેલી,
18 વર્ષ પહેલા સગીર વયની ઉમરે શરૂ કરેલ હત્યાના સીલસીલામાં પાંચમી હત્યા કર્યા પછી અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હાથમાં સપડાયેલ સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં થયેલી હત્યાને અંજામ આપનાર સીરીયલ કીલર મીલન રાઠોડ સામે સાવરકુંડલાની એડીશ્નલ સેશન્સ કોર્ટમાં તહોમતનામું રજુ કરાયું છે.
અમરેલીના સાવરકુંડલાના હાડીડા ગામે ગઇ તા.24-9-2019ના એક વૃધ્ધાનું ગળાફાંસો આપી ખુન કરાયુ હતુ આ કેસમાં અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયની બાજ નજર અને ક્રાઇમ બ્રાન્ચના શ્રી કરમટાની કુનેહને કારણે મહુવાના સેંદરડા ગામના વતની સીરીયલ કીલર મીલન રાઠોડ પકડાઇ ગયો હતો અને એવુ પણ ખુલ્યુ હતુ કે તેણે એક પછી એક પાંચ હત્યાઓ કરી હતી જેમાં માત્ર ત્રણ હત્યામાં જ ગુના દાખલ થયા હતા બે બનાવમાં તો પોલીસ ફરિયાદ પણ થઇ ન હતી.
મીલન ભકાભાઇ રાઠોડ (રાવળદેવ) રે. સેંદરડાએ હાડીડાના વૃધ્ધા ઉપરાંત મહુવાના લોયંગા ગામે તથા દેગવડા ગામે મહિલાઓના ખુન કર્યા હતા અને તેમના ગામ સેંદરડામાં જ ગોવિંદભાઇ હડીયાને ઉછીના લીધેલ પૈસા ન દેવા પડે તે માટે તેનું ગળુ દબાવી ખુન કર્યુ હતુ 32 વર્ષના મીલને 18 વર્ષ પહેલા પોતાના જ ગામના પોતાના જ બાપુજીના કુટુંબી કાકીનું ખુન કરી સીરીયલ હત્યાનો સીલસીલો શરૂ કર્યો હતો ત્યારે તેની ઉમર 15 વર્ષથી માંડ હશે તેવુ જે તે વખતે ખુલ્યુ હતુ આ સીરીયલ કીલરના ગંભીર અપરાધોને ધ્યાને રાખી સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે અમરેલીના બાહોશ ધારાશાસ્ત્રી શ્રી ઉદયન ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી હતી અને આજે સોમવારે સાવરકુંડલાની એડીશ્નલ સેશન્સ કોર્ટમાં મીલન સામે તહોમતનામું મુકવામાં આવ્યુ હતુ.