હાથરસ કેસમાં વડાપ્રધાને યોગીને સૂચના આપ્યા પછી છેવટે યુપી સરકાર જાગી છે

ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપને મામલે એક તરફ રાજકીય ધમાધમી ચાલુ છે ત્યારે બીજી તરફ સીબીઆઈ તપાસ માટે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસ આ કેસમાં આરોપીઓને બચાવવા મથતી હોવાથી ન્યાયી અને તટસ્થ તપાસ શક્ય નથી એવો મુદ્દો ઊઠાવીને સીબીઆઈ તપાસની માગણી કરાઈ છે. આ પ્રકારની માગણી સાથેની અરજી અલાહાબાદ હાઈ કોર્ટમાં પણ થઈ છે તેથી સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ નથી આપ્યો પણ આ ઘટનાને આઘાતજનક અને ભયંકર ચોક્કસ ગણાવી. સુપ્રીમ કોર્ટે આ કેસના સાક્ષીઓ અને છોકરીના પરિવારજનોના રક્ષણ માટે શું કર્યું તેનો બે દિવસમાં જવાબ આપવા ઉત્તર પ્રદેશની યોગી આદિત્ય સરકારને ફરમાન કર્યું છે.

યોગી સરકારે આ કેસમાં સોગંદનામું દાખલ કર્યું છે ને એ જોઈને ખરેખર આઘાત લાગે. આખો દેશ ભળભળી જાય એવી ઘટના બની છે ત્યારે દોષિતોને સજા કરાવવા પોતે શું કર્યું એ વિશે તો સરકારે કશું કહ્યું જ નથી પણ આ કેસને ખોટો ચગાવીને ઉત્તર પ્રદેશ સરકારને બદનામ કરવાના કારસા થઈ રહ્યા છે એવો રોદણાં રડવા બેસી ગઈ છે. યોગી સરકારનો દાવો છે કે, સરકારને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા, ટીવી ચેનલો ને પ્રિન્ટ મીડિયામાં ઝેરીલો પ્રચાર ચાલી રહ્યો છે ને પત્રકારો પણ યુવતીના પરિવારને ભડકાવી રહ્યા છે. યુવતીના પરિવારજનોને પચાસ લાખ માંગવા માટે પત્રકારો ચાવી ભરી રહ્યા હતા એવો દાવો પણ સરકારે કર્યો છે.

યોગી સરકારનો દાવો તો એવો પણ છે કે, જૂઠું બોલીને રાજ્ય સરકારને બદનામ કરવા માટે પીડિતા છોકરીના પરિવારને પચાસ લાખ રૂપિયાની ઓફર પણ થયેલી. અજાણ્યા લોકો સામે રાજદ્રોહ અને કાવતરાના 19 કેસ યોગી સરકારે નોંધ્યા છે ને તેમાં આ જ બધી વાતો છે. જે સરકાર એક છોકરીના બળાત્કારીઓને પકડવામાં અઠવાડિયું કાઢી નાંખે છે એ સરકારે 19 એફઆઈઆર નોંધવામાં એક દિવસ પણ ન લગાડ્યો. ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિઓ વચ્ચે તણાવ ઊભો કરવાના કારસા થાય છે ને તોફાનો કરાવવાના ઉધામા થાય છે એવા બધા દાવા એફિડેવિટમાં છે. યોગી સરકારના રિપોર્ટમાં મુસ્લિમ કટ્ટરવાદી સંગઠનોની વાત ન આવે એવું તો બને જ નહીં તેથી એ બધા શું ધંધા કરી રહ્યા છે તેની પણ માંડીને વાત કરાઈ છે. છોકરીના મૃતદેહને રાતોરાત કેમ સળગાવી દેવાયો એ માટે એવું કારણ અપાયું છે કે, મૃતદેહને ન સળગાવાયો હોત તો તોફાનો ફાટી નિકળ્યાં હોત ને લાખો લોકો ઊમટી પડ્યાં હોત. છોકરીના અગ્નિસંસ્કાર પરિવારની સંમતિથી કરાયેલા એવો દાવો પણ સરકારે કર્યો છે.

આ એફિડેવિટ પરથી યોગી આદિત્ય સરકારનો ઈરાદો સ્પષ્ટ થઈ જાય છે. આ કેસમાં દોષિતોને સજા કરાવવામાં કે બીજી કોઈ વાતમાં સરકારને રસ નથી પણ તેનો રાજકીય લાભ લેવામાં તેને રસ છે. યોગી અને તેમના ભાયાતો કોઈ પણ મુદ્દાને કોમવાદનો રંગ આપીને હિંદુ વર્સિસ મુસ્લિમ મુદ્દો બનાવી દેવામાં પાવરધા છે. હાથરસ ગેંગરેપ કેસમાં પણ એ જ ધંધો થઈ રહ્યો છે. હાથરસ ગેંગ રેપ ઘૃણાસ્પદ અપરાધ છે ને આ કેસમાં દોષિતોને જેમ બને એમ ઝડપથી સજા કરાવવાની હોય તેના બદલે યોગી આદિત્ય સરકાર આ કેસનો ઉપયોગ રાજકીય રોટલો શેકવા કરી રહી છે.

સૌથી શરમજનક વાત તો સામૂહિક બળાત્કારની આ ઘટનામાં બળાત્કાર થયો જ નથી એવું સ્થાપિત કરવા કરેલા ધમપછાડા છે. યુવતી સામૂહિક બળાત્કારનો ભોગ બની એ પહેલા દિવસથી સ્પષ્ટ હતું છતાં પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું કે, યુવતીના મોત અંગેના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અંતિમ નિદાન (ફાઈનલ ડાયોગ્નોસિસ) પ્રમાણે યુવતીનું મોત ગળામાં થયેલી ઈજાના કારણે થયું છે પણ તેના પર બળાત્કાર કે સામૂહિક બળાત્કાર થયાના પુરાવા નથી મળ્યા. પ્રકાશ કુમાર નામના પોલીસ અધિકારીએ આ દાવો કરેલો. તેમનું કહેવું હતું કે, એફએસએલ રિપોર્ટમાં જાતીય દમનના પુરાવા નથી મળ્યા તેના પરથી સ્પષ્ટ છે કે, કેટલાક લોકોએ જ્ઞાતિવાદી તણાવ ઊભો કરવા માટે આખી વાતને વિકૃત સ્વરૂપ આપી દીધું ને આ ઘટનાને ગેંગરેપમાં ખપાવી દીધી.

પોલીસ અધિકારીઓ બધા ચિઠ્ઠીના ચાકર ને સરકારના પાલતુ હોય છે તેથી આ વાત કોના ઈશારે કહેવાઈ હશે એ કહેવાની જરૂર નથી. આ માણસ પોલીસ અધિકારી કહેવડાવાને લાયક નથી ને તેણે તો યોગીના નામનો પટ્ટો બાંધીને યોગીના બંગલામાં ફરવું જોઈએ. બળાત્કારના દરેક કેસમાં વીર્યના પુરાવા મળવા જરૂરી નથી એટલી સાદી સમજ આ માણસે સાવ બેશરમ બનીને ગુપચાવી દીધી. આ અધિકારીએ બેશરમ બનીને એવું પાછું કહ્યું કે, ગુપ્તાંગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ જોવા મળી છે. આ ઈજાઓ કઈ રીતે થઈ તેનો જવાબ ન તો યોગી સરકારે આપ્યો ન તેના પાલતુ પોલીસે આપ્યો.યોગી સરકારની નફ્ફટાઈની ચરમસીમા એ કહેવાય કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી હોસ્પિટલનો જે પહેલો રીપોર્ટ આવેલો તેમાં સ્પષ્ટ રીતે કહેવાયેલું કે, યુવતી પર ગેંગ રેપ થયો છે. એ વખતે આ મુદ્દે કોઈ રાજકીય નેતા મેદાનમાં નહોતા આવ્યા કે કોઈ ધમાધમી નહોતી. યોગી સરકારે આ રિપોર્ટને ખોટો સાબિત કરવ માટે ફાઈનલ રિપોર્ટનું તૂત ઊભું કર્યું. આ ફાઈનલ રિપોર્ટને પડકારાય નહીં કે ફરી કશું ના થાય એ માટે છોકરીની લાશને રાતોરાત સળગાવી દીધી.

પહેલી વાત તો એ કે એક વાર હોસ્પિટલે છોકરી પર ગેંગરેપ થયો છે એવું કહી દીધું પછી ફરી બીજા રિપોર્ટની જરૂર શું ? જેમણે પહેલાં રિપોર્ટ આપેલો તેમણે ખોટો રીપોર્ટ આપેલો? એ લોકો પૂરતા સક્ષમ નહોતા કે લાયકાત નહોતા ધરાવતા ? એવું હોય તો એવા લોકોને રાખ્યા છે શું કરવા ? ને ખોટો રિપોર્ટ આપવા બદલ તેમની સામે કેમ પગલાં નથી લેવાયાં ? આવા ઘણા બધા સવાલો ઊઠે છે ને એ સવાલોના યોગી સરકાર પાસે જવાબ નથી કેમ કે યુવતી પર ગેંગરેપ થયો હોવાનો રીપોર્ટ સાવ સાચો હતો. બીજો રિપોર્ટ તો સરકારને બચાવવા ઊભો કરાયેલો. ગેંગરેપનો ભોગ બનેલી છોકરીએ હોસ્પિટલની બહાર જે ઈન્ટરવ્યૂ આપેલો તેમાં ગેંગ રેપ થયો હોવાનું સ્પષ્ટ કહેલું.

સરકારની દલાલી કરવા માટે ભાજપના આઈ.ટી. સેલે પણ છોકરીનો આખો ઈન્ટરવ્યૂ બતાવવાના બદલે ગળું દબાવી દીધું હોવાથી તેની આવી હાલત થઈ એટલું જ બતાવ્યું. યોગીના પાપમાં ભાજપવાળા પણ ભાગીદાર બની ગયા. ભાજપનો આઈ.ટી. સેલ એ વાત પણ ભૂલી ગયો કે, આ ઘટનામાં યોગી સરકાર કશું કરતી નહોતી તેમાં તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે લાલ આંખ કરીને સરખી તપાસ કરવા ફરમાન કરવું પડેલું. મોદીના આદેશ પછી યોગી જાગ્યા ને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી, બાકી તેમને તો આખી ઘટનાનું પડીકું કરી નાંખવામા જ રસ હતો.

મોદી દેશના વડાપ્રધાન છે ને દેશના વડા પ્રધાને એક રાજ્યના મુખ્યમંત્રીને સરખી તપાસ કરવા કહેવું પડે એ જ વાત યોગી માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી કહેવાય. કોઈ પણ ઘટનામાં સરખી તપાસ કરાવવી એ રાજ્ય સરકારની ફરજ છે ને એ ફરજ તેમણે બજાવવાની જ હોય. આ બહુ નાની વાત છે ને દેશના વડા પ્રધાને કોઈ મુખ્યમંત્રીને એ યાદ કરાવવાનું હોય જ નહીં. મોદીએ યોગીને કેમ એ યાદ કરાવવું પડ્યું એ વિશે ભાજપના નેતાઓએ વિચારવું જોઈએ ને પછી યોગીની દલાલી કરવી જોઈએ. ભાજપના નેતાઓએ તો યોગીની દલાલી કરવાના ઉત્સાહમાં માણસાઈને પણ કોરાણે મૂકી દીધી ને પીડિત છોકરીની ઓળખ પણ છતી કરી દીધી..

મોદીએ પોતાની ફરજ બજાવી પણ યોગી પોતાની ફરજ હજુ નથી બજાવી રહ્યા એ આઘાતજનક છે. તેનું કારણ સ્પષ્ટ છે. ગેંગરેપનો ભોગ બનેલી છોકરી દલિત પરિવારની છે ને ઉત્તર પ્રદેશમાં દલિતો ભાજપની મતબેંક નથી. ઉત્તર પ્રદેશમાં ઠાકુર, બ્રાહ્મણ સહિતના સવર્ણો ભાજપની સૌથી મોટી મતબેંક છે. આ કેસમાં આરોપીઓ ઠાકુર છે. હમણાં યોગીએ વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરાવી નાંખ્યું તેમાં બ્રાહ્મણો ભડકેલા છે ને હવે ઠાકુર આરોપીઓ પર તવાઈ લાવે તો એ પણ ભડકી જાય. ઉત્તર પ્રદેશમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી છે ત્યારે યોગીને તેમને નારાજ કરવા પરવડે તેમ નથી તેથી એ કશું કરવા જ માગતા નથી. જે ગામમાં આ બનાવ બન્યો ત્યાં તો સવર્ણોએ બાંયો ચડાવી દીધી છે ને ખુલ્લેઆમ આરોપીઓની તરફેણમાં મેદાનમાં આવી ગયા છે તેથી યોગી કશું કરવા માગતા નથી. યોગીએ આ કેસ સીબીઆઈને સોંપવાની તૈયારી બતાવી છે. એ માટે તેમણે સરકારને બદનામ કરવાના કારસા ને એવાં બધાં કારણો જ આપ્યાં છે પણ મૂળ વાત એ છે કે, યોગી પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે. સીબીઆઈને કેસ સોંપીને એ છટકી જવા માગે છે.