હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક સિંહણનું મોત

  • પીપાવાવ પોર્ટમાં સિંહણનું મોત નિપજાવી વાહન ચાલક ફરાર

અમરેલી
અમરેલી જિલ્લામાં ટ્રેન હડફેટે સિંહોના મોતનો સીલસીલો બંધ થયો નથી ત્યાં ભરચક વિસ્તારોમાં રાત્રીના સમયે પસાર થતા વાહનના હડફેટે વધુ એક સિંહણનું મોત થવાની ઘટના બની છે.
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ પોર્ટમા ગત રાત્રીના સમયે એક સિંહણ પોર્ટની નજીકના રોડ પરથી પસાર થતી હતી તે દરમિયાન રોડ પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે સિંહણને ઠોકર મારી દીધી હતી અને બાદમાં વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલી પથી 9 વર્ષની સિંહણનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. સવારે રોડ પરથી સિંહણનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને મૃતદેહને બાબરકોટ નર્સરી ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે સિંહ પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.